વૉશિંગ્ટન: અમેરિકી પ્રમુખ જો બાઇડને કહ્યું છે કે અમેરિકી દળો (American forces) તાઇવાનનું (Taiwan) રક્ષણ કરશે, જો આ સ્વશાસિત ટાપુ પર ચીન (China) આક્રમણ કરશે તો, જે તાઇવાન પોતાનો ભાગ હોવાનો દાવો ચીન કરે છે. બાઇડનની આ ટિપ્પણી આ ટાપુની લોકશાહીને અમેરિકાનો સત્તાવાર ટેકો દર્શાવે છે. સીબીસી ન્યૂઝના ૬૦ મિનિટ્સ નામના કાર્યક્રમમાં રવિવારે પ્રસારિત થયેલ ઇન્ટરવ્યુમાં બાઇડનને પૂછવામાં આવ્યું હતું કે ચીની આક્રમણના સંજોગોમાં અમેરિકી દળો, અમેરિકી પુરુષો અને સ્ત્રીઓ તાઇવાનનું રક્ષણ કરશે કે કેમ? તેના જવાબમાં બાઇડને કહ્યું હતું કે હા. સીબીસી ન્યૂઝે અહેવાલ આપ્યા હતા કે વ્હાઇટ હાઉસે આ ઇન્ટરવ્યુ પછી કહ્યું હતું કે અમેરિકી નીતિ બદલાઇ નથી. તાઇવાન અંગેની અમેરિકાની નીતિ એવી છે કે વૉશિંગ્ટન તાઇવાનના દરજ્જાનો મુદ્દો શાંતિપૂર્વક ઉકેલાતો જોવા માગે છે પરંતુ આ નીતિ એવું જણાવતી નથી કે ચીની હુમલાના સંજોગોમાં અમેરિકી દળો ત્યાં મોકલાઇ શકે છે કે નહીં?
- એક મીડિયા ઇન્ટરવ્યુમાં તાઇવાનના રક્ષણ માટે લશ્કર મોકલાશે કે કેમ? એ પ્રકારના પ્રશ્નનો જવાબ અમેરિકી પ્રમુખે હામાં આપ્યો
- બાઇડનના આ વિધાનને ચીને સખત રીતે વખોડીને કહ્યું કે તે વન ચાઇના નીતિનો ભંગ કરે છે
બાઇડનના આ ઇન્ટરવ્યુ પછી ચીને આજે જણાવ્યું હતું કે તે દેશના ભાગલા કરાવવા અંગેની કોઇ નીતિ ચલાવી લેશે નહીં અને તે પોતાના સાર્વભૌમત્વના રક્ષણ માટે જરૂરી પગલા લેશે. બાઇડને સીબીસીના ઇન્ટરવ્યુમાં તાઇવાનની લોકશાહીનું અમેરિકા રક્ષણ કરશે એવા સંકેત આપ્યા તેના કલાકો પછી ચીને આ પ્રતિસાદ આપ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા માઓ નિંગે આજે કહ્યું હતું કે અમેરિકી નેતાની આ ટિપ્પણી ગંભીરપણે વન ચાઇના પોલીસીનો ભંગ કરે છે અને તાઇવાન અંગે થયેલા ત્રણ સંયુક્ત કરારોનો ભંગ કરે છે. ચીન એક જ છે અને તાઇવાન એ ચીનનો ભાગ છે અને ચીનની સરકાર સમગ્ર ચીનની સરકાર છે એમ માઓએ કહ્યું હતું.