Madhya Gujarat

ખંભાતમાં ‘તાૈકતે’ના ટકોરા 80 કિમી ઝડપે પવન ફુંકાવાનો ભય

આણંદ : રાજ્યભરની સાથે આણંદ – ખેડા જિલ્લામાં પણ ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચરોતરમાં રવિવાર સાંજથી જ ‘તાઉ-તે’ની અસર જોવા મળી હતી. તેજ પવન ફુંકાવા સાથે ધૂળની ડમરી ઉડી હતી. આ ઉપરાંત મોડી રાત્રે વરસાદ પણ પડ્યો હતો. બીજા દિવસે પણ સ્થિતિમાં ખાસ કોઇ ફર્ક પડ્યો નહતો. આણંદમાં વાદળછાંયુ વાતાવરણ રહ્યું હતું અને નડિયાદમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા.

ખાસ કરીને દરિયાકિનારાના ખંભાતના ગામમાં વાવાઝોડાના પગલે સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું હતું. બપોર સુધીમાં ખંભાતના 15 ગામમાથી 600થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. દરિયા કાંઠે દિવસભર 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. પરંતુ મોડીરાત કે મંગળવારની સવાર સુધીમાં 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. જેના પગલે એનડીઆરએફની ટીમ પણ પહોંચી હતી અને કલેક્ટર આર.જી. ગોહિલ સહિતના અધિકારીઓએ ખંભાત પહોંચી સ્થિતિને પહોંચી વળવા વિવિધ સુચનાઓ આપી હતી.

ખંભાતના દરિયાકાંઠાના 15 ગામો અને બોરસદ તાલુકાના 3 મળી કુલ 18 ગામોને એલર્ટ ઉપર રાખી વર્ગ એકના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સાથોસાથ ગામેગામ સ્થળાંતર સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખંભાત આઇ.ટી.આઇ. ખાતે અને માછીપુરા ખાતે શરૂ કરવામાં આવેલા આશ્રય કેન્દ્રોની કલેક્ટર આર.જી ગોહિલ સહિત જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર અને ખંભાતના આસી.કલેક્ટર સ્નેહલ ભાપકરએ મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું.

આ ઉપરાંત રાલજ ખાતેના મંદિર સંકુલ અને દરિયા કિનારાની પણ મુલાકાત લીધી હતી. અહીં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને તેની સાથે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર સહિત તમામ અધિકારીઓએ અહીં રાલજ માતાજી મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી સંભવિત વાવઝોડા દરમિયાન કોઇપણ જાનહાનિ ન થાય તે માટે પ્રાર્થના કરી હતી.

નડિયાદમાં હોર્ડિગ્સ ઉતારી લેવા સુચના

તૌકતે વાવાઝોડાને પગલે ખેડા જિલ્લામાં લગભગ 80 થી 90 કિલોમીટરના ઝડપે પવન ફુંકાવાની શક્યતાઓ છે. જેના પગલે નડિયાદ, ડાકોર, કપડવંજ, ખેડા સહિતના મોટા શહેરોમાં જાહેરાતો માટે લગાવાયેલાં મોટા-મોટા હોર્ડિગ્સો તુટી પડવાથી દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જેને ધ્યાને લઈ ખેડા કલેક્ટર દ્વારા જિલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરોને આવા જોખમી હોર્ડિગ્સો ઉતારી લેવા સુચના અપાઈ હતી. જે અંતર્ગત 65 કરતાં વધુ હોર્ડિગ્સ ઉતારી લેવામાં આવ્યાં છે.

કામ વગર બહાર ન નીકળવા કલેકટરની અપીલ

આણંદ- ખેડા જિલ્લામાં વાવાઝોડાની અસર સોમવારના બપોર બાદ વર્તાશે તેવી આગાહી કરવામાં આવી હતી. બે દિવસના સમયગાળા દરમિયાન જિલ્લામાં તેજ ગતિથી પવન ફુંકાવાની સાથે સાથે ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આથી, જિલ્લાવાસીઓએ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા આણંદ-ખેડા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. જો કોઈ કારણોસર ઘર બહાર નીકળવાની ફરજ પડે તો ખુબ જ સાવચેતી રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત ખેડા જિલ્લા ખાતે વાવાઝોડાને અનુલક્ષીને 0268 – 2553357 અને 2553358 કંટ્રોલ રૂમ શરૂ કર્યો હતો.

અદ્યતન સાધનોથી સુસજ્જ NDRF ટીમ

ખંભાત અને માતરમાં બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવેલી એનડીઆરએફ ટીમ પાસે અદ્યતન સાધનો છે. જેમાં સ્પીડ બોટ, લાઇફ જેકેટ, ઇલેક્ટ્રોનિક કટર, રબ્બર ટ્યુબ તથા અન્ય સાધનોનો સમાવેશ થાય છે. આ ટીમ વાવાઝોડામાં બચાવ કામગીરી માટે ઝડપથી પહોંચી શકે તે માટે તંત્ર દ્વારા તમામ સહકાર આપવામાં આવી રહ્યો છે.

માતર તાલુકામાંથી 116 લોકોનું સ્થળાંતર કરાયું

ખંભાતના અખાતમાં તૌકતે વાવાઝોડું વધુ અસરકારક હોવાનું જણાય છે. તે ધ્યાનમાં રાખી ખંભાત નજીક આવેલા માતર તાલુકાના દલોલી, બામણગામ, વાલોત્રી, સીંજીવાડા સહિતના સાત ગામોમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. વહીવટીતંત્રની ટીમના અધિકારીઓ તેમજ ડેપ્યુટી ડીડીઓને આ વિસ્તારમાંથી સ્થાળાંતર કરાવવા સહિતની વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. આ ટીમ દ્વારા માતર પંથકના જોખમી વિસ્તારમાં રહેતાં લગભગ 116 જેટલાં લોકોનું સ્થળાંતર કરાવી સુરક્ષિત ઠેકાણે આશરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વાવાઝોડાની વધુ અસર સર્જાવાની હોવાનું ધ્યાનમાં રાખી એન.ડી.આર.એફની આ ટીમ માતર પંથકમાં તૈનાત કરી દેવામાં આવી છે.

ધરતીપૂત્રોએ પાક બચાવવા દોડધામ કરી

લુણાવાડા તાલુકામાં તૌકતે વાવાઝોડાની અસર અને વરસાદના થયે રહેલા એધાણ કારણે ધરતીપુત્રો પોતાના ખેતરોમાં મુકી રાખેલ ઘાસચારો યોગ્ય જગ્યા પર સગેવગે કરવા લાગ્યા હતા. આમ જગતનો તાત તેવો ખેડુતો વરસાદ એધાણનો માહોલ સર્જાતા યુદ્ધના ધોરણે ઘાસચારાને સગેવગે કરવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આમ મહીસાગર જિલ્લામાં પણ તૌકેત વાવાઝોડાના લીધે પવનો અને રીમઝીમ વરસાદના માહોલ જોવા મળ્યો હતો.        

સંતરામપુરમાં વાતાવરણ પલટાયુંઃ વરસાદ પડ્યો

સંતરામપુર તાલુકામાં અને સંતરામપુર નગરમાં છેલ્લાં બે દિવસથી વાવાઝોડું તાઊતેની અસરથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને ભારે સૂસવાટા સાથે પવન ફુંકાયો હતો. ગઈકાલે સાંજથી વરસાદની શરુઆત થઈ ગઈ હતી અને મોડી રાત સુધી વરસાદના ઝાપટાં પડ્યાં હતાં. આજરોજ સંતરામપુરમાં વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. હાલ વરસાદી વાતાવરણનો માહોલ જોવા મળ્યો હતો. આ કમોસમી વરસાદને લીધે ખેડુતોની મુશ્કેલીમાં મુકાવું પડે તેવી સ્થિતિનું ઉદ્દભવી હતી.

ખેડા જિલ્લામાં વીજથાંભલા – વૃક્ષો ધરાશયી થયાં

ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રવિવારની મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. બીજા દિવસે સોમવારે સવારથી જ જિલ્લાના તમામ ગામ-શહેરોમાં ધુળની ડમરીઓ સાથે તેજ ગતિથી પવન ફુંકાતો જોવા મળ્યો હતો. જેને લઈ જિલ્લાના ગામ-શહેરોમાં કાચા મકાનોને નુકશાન પહોંચ્યું હતું. તદુપરાંત વીજથાંભલા તેમજ વૃક્ષો ધરાશયી થયાં હતાં. જેને ધ્યાનમાં રાખી ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ નગરપાલિકાઓને સુચના આપી ફાયરબ્રિગેડની ટીમો એલર્ટ કરી દેવામાં આવી છે.

ધર્મજ પાસે NDRF ટીમનો આબાદ બચાવ

આણંદ આવી પહોંચેલી એનડીઆરએફ ટીમને તાત્કાલિક ખંભાત પહોંચતી કરવા પોલીસની ગાડીમાં રવાના કરવામાં આવ્યા હતા. જોકે, તેઓ ધર્મજ ચોકડી પાસે પહોંચ્યા તે દરમિયાન પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયું હતું અને તેમાંય એક ઘટાદાર વૃક્ષ જમીનદોસ્ત થયું હતું. જે સીધું એનડીઆરએફની ગાડી પર જ પડ્યું હતું. સદ્નસીબે કોઇ જાનહાની થઇ ન હતી અને ટીમનો ચમત્કારિક બચાવ થયો હતો.

નડિયાદ શહેરમાંથી 454 લોકોનું સ્થળાંતર

તાઉ તે વાવાઝોડાની સંભવિત અસરને લઈને નડિયાદ શહેરમાંથી 454 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા. નડિયાદ શહેર કાચા મકાનોમાં રહેતા લોકો   સ્થળાંતર કરાયા. નડિયાદ મામલતદાર, ચીફ ઓફિસર સહિત અધિકારીઓ દ્વારા તમામ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. નડિયાદ શહેરમાં આવેલ શેલ્ટર હાઉસ અને નગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં ખસેડવામાં આવ્યા હતા. નડિયાદ શહેરમાં હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી.

Most Popular

To Top