વડોદરા: શહેરના વોર્ડ નંબર 11માં આવેલ ટાગોર નગર ખાતે પાલિકાની અનામત જગ્યા ઉપર સોસાયટી દ્વારા કોમ્યુનિટી હોલ બનાવી તેને ભાડે આપી વ્યાપારીકરણ કરવાના કિસ્સામાં મહાનગરપાલિકાના જે તે વિભાગના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. અને આ જગ્યા ખરેખર પાલિકાની હોય તો તે અંગે તપાસ થાય તેવા અહેવાલો ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.આ જે બાબતે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા જે તે જગ્યા પ્રાપ્ત લેવા માટેની તૈયારીઓ હાથ ધરી દીધી છે અને વિભાગ દ્વારા આ અંગેનો ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ હવે કેટલાક સવાલો ઉભા થઇ રહ્યા છે. કે પાલિકા દ્વારા સોસાયટી પાસે શું દંડની વસુલાત કરવામાં આવશે? જે લોકોની સંડોવણી છે તેઓ સામે પગલાં ભરવામાં આવશે કે કેમ? જેવા અનેક પ્રશ્નોના જવાબો હજુ વણઉકેલ્યા છે.
વડોદરા મહાનગર પાલિકાની હદમાં પશ્ચિમ વિસ્તારમાં ઓ.પી.રોડ.પર સૈયદ વાસણા-અકોટા ટી.પી.સ્કીમ નં -15 જેને સરકારના શહેરી વિકાસ ગાંધીનગર દ્વારા ફાયનલ નોટીફીકેશન નં GH/V/119 OF 1995/TPS-1294-1495 L તા 5.10.95 થી મંજુર કરવામાં આવેલ છે.તેમા ફાયનલ પ્લોટ નં 21 આશરે 25000 ચો.ફુટ પર ગેરકાયદેસર કબ્જો હોવાનું જાણવા મળ્યું હતું જે વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો વાણીજ્ય વેચાણ માટેનો અનામત પ્લોટ રાખવામાં આવેલ છે. જો કે આ પ્લોટ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી કોમ્યુનિટી હોલ અને ઓફિસ બનાવી દેવામાં આવી હતી . અને તેનું સંચાલન સોસાયટીના પ્રમુખ તેમજ કમિટી દ્વારા કરવામાં આવે છે. આ કોમ્યુનિટી હોલ સોસાયટીના તેમજ વડોદરાના રહીશોને ગેરકાયદેસર રીતે લગ્ન પ્રસંગે તેમજ બેસણાના પ્રસંગે તેમજ અન્ય કાર્યક્રમો માટે મોટી રકમ લઈ ને ભાડેથી આપવામાં આવે છે.
આ બાબત ધ્યાન ઉપર આવતા ગુજરાત મિત્ર દ્વારા આ કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું હતું અને આ બાબતે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. દરમિયાન આ મિલકત પાલિકાનું હોવાનું ફલિત થયું હતું જેથી આ મિલકત પરત લેવાની થાય છે અને તે માટેનો હુકમ જે તે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. નવા કમિશ્નર દિલીપ રાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ ઝડપી નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હવે આ પઝેશન લેવાની કામગીરી કેટલા દિવસમાં હાથ ધરાશે? ઉપરાંત સોસાયટી દ્વારા આટલા વર્ષો સુધી પૈસાની વસુલાત કરવામાં આવી છે તેમાંથી કોઈ વસુલાત કરવામાં આવશે કે કેમ અથવા તો સોસાયટીને દંડ ફટકારવામાં આવશે કે કેમ? જો આમાં કોઈની સંડોવણી કે કેમ તે અંગેની પણ તપાસ થશે કે કેમ તેવા અનેક સવાલો હજુ પણ વણઉકેલ્યા છે. આ અંગે ઘનશ્યામ મોરધરા, એડિ આસી. એન્જી, જમીન મિલકત વિભાગને ફોન કરાતા તેઓએ ફોન ઊંચક્યો ન હતો.