Sports

T-20 વર્લ્ડકપમાં ન રમી શકવાથી જસપ્રીત બુમરાહ નિરાશ

નવી દિલ્હી : ભારતીય ટીમનો (Indian Team) સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે ટી-20 વર્લ્ડકપમાંથી આઉટ (Out) થઇ જવાને કારણે ખૂબ જ નિરાશ છે પરંતુ તે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પોતાની ટીમને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખશે. બુમરાહે મંગળવારે ટ્વીટ (Tweet) કર્યું હતું કે અત્યંત નિરાશ છું કે હું આ વખતે ટી-20 વર્લ્ડકપનો ભાગ બની શકીશ નહીં, પરંતુ મારા પ્રિયજનો તરફથી મળેલી શુભેચ્છાઓ, સહકાર અને સમર્થન માટે આભારી છું. હું ટીમને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખીશ.

બુમરાહની ગેરહાજરી ચોક્કસપણે ઓસ્ટ્રેલિયામાં ભારતની સંભાવનાઓને અસર કરશે કારણ કે ડેથ ઓવરની બોલિંગ અત્યારે ટીમ માટે સૌથી મોટી ચિંતા છે. બુમરાહની નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં સારવાર ચાલી રહી છે અને બીસીસીઆઈ તેના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી હતી પરંતુ તે નિશ્ચિત હતું કે તે આગામી કેટલાક મહિનાઓ સુધી ક્રિકેટ રમી શકશે નહીં. બુમરાહ પીઠના દુખાવાના કારણે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટી-20 ઇન્ટરનેશનલ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. બુમરાહ ભૂતકાળમાં પણ કમરના દુખાવાથી પરેશાન રહ્યો છે. 2019માં તેને આ જ કારણોસર ત્રણ મહિના બહાર રહેવું પડ્યું હતું પરંતુ આ વખતે તેને ચારથી છ મહિના બહાર રહેવું પડી શકે છે.

બીસીસીઆઇએ બુમરાહના સ્થાને હજુ સુધી કોઇ ખેલાડીની પસંદગી નથી કરી
બીસીસીઆઇએ હજુ સુધી બુમરાહના સ્થાને કોઈ ખેલાડીની પસંદગી કરી નથી. સ્ટેન્ડ બાયમાં સામેલ ઝડપી બોલર મહંમદ શમી કોરોનામાંથી સાજા થયા બાદ સંપૂર્ણ ફિટનેસ મેળવી લેશે તો તેને ટીમમાં સામેલ કરી શકાય છે. જો શમી સંપૂર્ણપણે ફિટ ન થાય તો દીપક ચાહર અથવા મહંમદ સિરાજમાંથી કોઈ એકને વર્લ્ડ કપ ટીમમાં જગ્યા મળી શકે છે. ભારતીય ટીમ ગુરુવારે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી પ્રથમ રાઉન્ડની મેચો સાથે શરૂ થશે જેમાંથી ચાર ટીમો સુપર 12માં પ્રવેશ કરશે. સુપર 12 મેચ 22 ઓક્ટોબરથી રમાશે.

Most Popular

To Top