અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી T20 વર્લ્ડકપની ફાઈનલને લઈને શહેરમાં ક્રિકેટનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થનારી આ ટક્કર માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચી રહ્યા છે. તેની સીધી અસર શહેરની હોટલો અને ફ્લાઈટના ભાડા પર પડી છે. ફાઈનલ મેચના કારણે અમદાવાદની હોટલોમાં રૂમના ભાડા ભારે વધી ગયા છે. સામાન્ય દિવસોમાં 5,000 થી 15,000 વચ્ચે મળતા રૂમ હવે ₹15,000 થી લઈને ₹89,000 સુધી પહોંચી ગયા છે. શહેરમાં અંદાજે 10,000 જેટલા હોટલ રૂમ છે અને તેમાં પણ ઝડપથી બુકિંગ થઈ રહ્યું છે. હોટલ સંચાલકોના જણાવ્યા મુજબ આવતીકાલ સુધીમાં મોટાભાગના રૂમ બુક થઈ જવાની શક્યતા છે. ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ગઈ છે અને સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટલમાં રોકાશે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ વસ્ત્રાપુરની ITC નર્મદા હોટલમાં રોકાવાની છે.
ફાઈનલ મેચના કારણે અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં પણ મોટો ઉછાળો આવ્યો છે. સામાન્ય દિવસોની તુલનામાં એરફેર 4 થી 5 ગણો વધ્યો છે. બિઝનેસ ક્લાસમાં ટિકિટના ભાવ તો 35,000 થી 40,000 સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં પરીક્ષાઓને કારણે એરફેર ઓછું હોય છે. ઉદાહરણ તરીકે, મુંબઈથી અમદાવાદ ફ્લાઈટનો સામાન્ય દર 2,500 થી 3,000 આસપાસ રહે છે. પરંતુ વર્લ્ડકપ ફાઈનલને કારણે આ વખતે ભાવોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચતા દેશભરમાં ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે બંને ટીમો પ્રેક્ટિસ કરશે અને મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે. આ બધાને કારણે અમદાવાદ શહેરમાં ક્રિકેટ મહોત્સવ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે.
- મુંબઈ-અમદાવાદ વન-વે ભાડું લગભગ 17,000, જ્યારે રિટર્ન 12,000
- દિલ્હી-અમદાવાદ વન-વે 13,000 અને રિટર્ન 14,000
- ચેન્નઈ-અમદાવાદ વન-વે ભાડું 6,000 થી વધીને 17,000
- કોલકાતા-અમદાવાદ ભાડું 5,000 થી વધીને લગભગ 15,000