ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડકપ 2022ની યજમાની કરી રહ્યું છે. ક્રિકેટના ટૂંકા ફોર્મેટના વર્લ્ડકપની આઠમી સિઝન 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં 16મી ઓકટોબરે શ્રીલંકા અને નાંમિબીયા વચ્ચેની વર્લ્ડકપ ક્વોલિફાયર મેચથી શરૂઆત થશે. ગ્રુપ સ્ટેજની મેચો પુરી થયા પછી સુપર-12ની મેચો 22 ઓક્ટોબરથી રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) T20 વર્લ્ડકપ 2007માં શરૂ થયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ એ પહેલી એડિશનમાં ચેમ્પિયન બની હતી. અત્યાર સુધી વર્લ્ડ કપની 7 સિઝન આવી ચૂકી છે. જેમાં દર વખતે એક નવી ટીમ ચેમ્પિયન બની છે, T20 વર્લ્ડકપની અત્યાર સુધીમાં કુલ 7 એડિશન યોજાઇ ચુકી છે અને તેમાં 6 ટીમો ટ્રોફી જીતી શકી છે. વેસ્ટ ઈન્ડિઝ આવી એકમાત્ર ટીમ છે. જેણે અત્યાર સુધીમાં બે વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. તેણે 2012માં પહેલું ટાઈટલ અને 2016માં બીજું ટાઈટલ જીત્યું હતું. આ સિવાય પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો એક-એક વખત ટાઈટલ જીતી ચૂકી છે. ગત વખતે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન થયું હતું.
પ્રથમ સિઝન, 2007 : T20 વર્લ્ડકપની પ્રથમ સિઝન દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો હતો. જોહાનિસબર્ગમાં રમાયેલી ફાઇનલમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 5 રને હરાવીને પ્રથમ ટાઇટલ જીત્યું હતું.
બીજી સીઝન, 2009 : ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપની બીજી સીઝનની યજમાની કરી. પ્રથમ સિઝનમાં રનર્સ અપ રહેનાર પાકિસ્તાને આ વખતે જીત મેળવી હતી. લંડનમાં રમાયેલી ફાઈનલ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું હતું.
ત્રીજી સિઝન, 2010 : T20 વર્લ્ડકપની ત્રીજી સિઝન વેસ્ટ ઈન્ડિઝમાં યોજાઈ હતી. ઇંગ્લિશ ટીમે આ વખતે ટાઇટલ જીત્યું હતું. ક્રિકેટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડનું આ પ્રથમ વર્લ્ડકપ ટાઈટલ હતું. કિંગ્સટન ઓવલ ખાતે રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું હતું.
ચોથી સિઝન, 2012 : શ્રીલંકાએ ચોથી સિઝનમાં T20 વર્લ્ડ કપની યજમાની કરી. કોલંબોમાં રમાયેલી ફાઈનલ મેચમાં કેરેબિયન ટીમે યજમાન શ્રીલંકાને 36 રનથી હરાવ્યું હતું.
પાંચમી સિઝન, 2014 : બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપની 5મી સિઝનની યજમાની કરી. ફાઈનલ મેચમાં શ્રીલંકાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું.
છઠ્ઠી સિઝન, 2016 : T20 વર્લ્ડકપની આ સિઝનનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું. આ વખતે વેસ્ટ ઈન્ડિઝે બીજી વખત ટાઈટલ જીત્યું. કોલકાતામાં રમાયેલી ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડ સામે 4 વિકેટે જીત મેળવી હતી.
સાતમી સિઝન, 2021 : પાંચ વર્ષના લાંબા અંતરાલ પછી, T20 વર્લ્ડ કપની 7મી સિઝન ભારતની યજમાનીમાં UAEમાં રમાઈ હતી. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું.