નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડકપ (world cup) 2022 નું શિડ્યૂલ જાહેર કર્યું છે. 2021ના ટી-20 વર્લ્ડકપની જેમ 2022માં પણ ભારતની પહેલી મેચ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન રમાનાર છે. 2021માં પાકિસ્તાન સામે હાર્યા બાદ બદલો લેવા ભારતીય ટીમને મોકો મળશે. ગયા વર્ષે પણ UAE અને ઓમાનમાં રમાયેલી T-20 વર્લ્ડ કપમાં ભારતે પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી, જેમાં પ્રથમ વખત પાકિસ્તાને કોઈ વર્લ્ડકપમાં ભારતને હરાવ્યું હતું. આ વખતે T-20 વર્લ્ડકપનું આયોજન ઓસ્ટ્રેલિયામાં (Australia) થવાનું છે. આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (Melbourne Cricket Ground) પર રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં 2015 વર્લ્ડ કપ દરમિયાન વર્લ્ડકપ મેચ (Match) રમાઈ હતી.
ટી-20 વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી શરૂ થશે
ટૂર્નામેન્ટના પ્રથમ 6 દિવસ એટલે કે 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડ સામે રમાશે. ત્યાર બાદ 22મી ઓક્ટોબરથી સુપર 12ની મેચો શરૂ થશે. ભારતે આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. T20 વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે અને તે સાત અલગ અલગ શહેર એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં રમાશે. 13 નવેમ્બરે MCG ખાતે ફાઇનલ મેચ રમાશે.
ટીમોની બે ગ્રુપમાં વહેંચણી કરાઈ, ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ
સુપર 12 માટેની ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1માં હાલમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો છે. બીજી તરફ ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ ગ્રુપ 2માં છે. આ 8 ટીમો સિવાય 4 વધુ ટીમો પહેલા રાઉન્ડના પરિણામ બાદ સુપર 12માં પહોંચશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ઓસ્ટ્રેલિયા સુપર 12ની પ્રથમ મેચમાં 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 16 આંતરરાષ્ટ્રીય ટીમો 45 મેચ રમશે. સુપર-12માં ભારત અને પાકિસ્તાન સિવાય ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને જગ્યા મળી છે. બીજી તરફ નામીબિયા, સ્કોટલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝ મુખ્ય ડ્રો પહેલા ક્વોલિફાયર રમશે. અન્ય 4 ટીમ પણ ક્વોલિફાયરમાં ઊતરશે.
T20 વર્લ્ડ કપમાં ભારતની મેચોનો કાર્યક્રમ
ટી20 વર્લ્ડ કપમાં ભારતને ગ્રુપ-2માં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારતની સાથે બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા પણ સામેલ છે. ભારતીય ટીમ તેની બીજી મેચ 27 ઓક્ટોબરે ગ્રુપ Iની રનર્સઅપ સામે રમશે. આ પછી 30 ઓક્ટોબરે ભારતે તેની ત્રીજી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. આ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ ભારત 2 નવેમ્બરે એડિલેડના ઓવલમાં બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે. છેલ્લા ગ્રૂપ તબક્કામાં, તેઓ 6 નવેમ્બરે MCG ખાતે ગ્રુપ B ની વિજેતા ટીમ સામે ટકરાશે.
ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું
ગત વર્ષ યુએઈમાં રમાયેલા T-20 વર્લ્ડ કપમાં ભારતે મેચની શરૂઆત પાકિસ્તાન સામે રમીને કરી હતી. આ મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને હરાવી હતી. એવું પ્રથમ વખત બન્યું હતું કે કોઈ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનના હાથે હારવાનો વારો આવ્યો હોય.