Business

બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીઓને નિયંત્રિત કરતી વ્યવસ્થા હવે વૈશ્વિક સ્તરે ગોઠવાય તે ખૂબ જરૂરી બન્યું છે

છેલ્લા કેટલાક વર્ષથી ક્રિપ્ટોકરન્સી એ વિશ્વના આર્થિક જગતમાં બહુ ચર્ચાતી બાબત બની ગઇ છે. અને આ ક્રિપ્ટોકરન્સીમાં બિટકોઇન એ સૌથી અગ્રણી ક્રિપ્ટોકરન્સી કે ડીજીટલ ચલણ છે. આ ક્રિપ્ટોકરન્સીની બાબતમાં વિશ્વમાં ઘણી વિચિત્ર સ્થિતિ પ્રવર્તી રહી છે. વિશ્વના ઘણા બધા દેશોમાં ક્રિપ્ટોકરન્સીને માન્ય સમાંતર ચલણ તરીકે માન્યતા મળી નથી, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. બીજી બાજુ એવા પણ કેટલાક દેશો છે જેમણે ક્રિપ્ટો કરન્સીને માન્ય સમાંતર ચલણ તરીકે વ્યાપક માન્યતા તો આપી નથી પણ આ બિટકોઇન અથવા તો અન્ય ક્રિપ્ટોકરન્સીમાં વ્યવહારો કરવાની છૂટ આપી છે અને તે માટેના એક્સચેન્જોને પણ ત્યા માન્યતા આપવામાં આવી રહી છે. ઘણા બેન્કો અને ઘણી કંપનીઓ બિટકોઇનની બાબતમાં મૂંઝવણની સ્થિતિમાં છે.

ટેસ્લા કંપનીએ થોડા સમય પહેલા જાહેર કર્યું હતું કે પોતે હવે બિટકોઇનમાં પેમેન્ટ સ્વીકારશે અને તેના થોડા જ દિવસમાં આ જાહેરાત તેણે રદ કરી નાખી હતી. બિટકોઇનમાં વારંવાર આવતી મોટી ઉઠાપટક વિશ્વભરના આર્થિક નિષ્ણાતોને ચિંતા કરાવતી રહી છે. ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં ફરી એકવાર તેજી આવી છે. અને આ શુક્રવારે તેણે ૬૦૦૦૦ ડૉલરનો આંકડો વટાવ્યો છે. બિટકોઇનનો આ ભાવ એ છ મહિનાનો સૌથી ઉંચો ભાવ છે. આ પહેલા એપ્રિલ મહિનાના મધ્યમાં બિટકોઇનની કિંમત ૬૪૭૭૮ ડૉલર હતી અને તે સમયે તેણે ઓલટાઇમ હાઇ લેવલ પ્રાપ્ત કર્યું હતું. જો કે ગયા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનામાં તેમાં ભારે કડાકો સર્જાયો હતો અને ચીને બિટકોઇન પર પ્રતિબંધ મૂક્યા પછી ૨૧ સપ્ટેમ્બરે તે ૩૯૬૪૬.૮૦ ડૉલરના ઘણા નીચા સ્તરે પહોંચી ગયો હતો. કોરોના કાળની શરૂઆત એટલે કે માર્ચ ૨૦૨૦માં તો બિટકોઇનની કિંમત ૧૦૦૦૦ ડૉલર કરતા પણ ઓછી હતી, પણ પછી રોગચાળો ઘટ્યા બાદ આ એપ્રિલમાં તો તે ૬૪૦૦૦ ડોલરને વટાવી ગયો હતો અને સપ્ટેમ્બરમાં ફરીથી ભારે ગગડી ગયો હતો, આમ જોઇ શકાય છે કે બિટકોઇનના ભાવમાં ભારે વધઘટ જોવા મળી રહી છે.

શુક્રવારે તેમાં ૪.પ ટકાનો વધારો દેખાયા બાદ બિટકોઇન તેના ઓલટાઇમ હાઇ લેવલને વટાવવા તરફ આગળ વધી રહેલો દેખાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાનું સિકયુરિટિઝ એન્ડ એક્સચેન્જ કમિશન(એસઇસી) આવતા સપ્તાહેથી અમેરિકાના પ્રથમ ફ્યુચર્સ ઇટીએફને ટ્રેડિંગની મંજૂરી આપી શકે છે. આ પહેલા કેનેડા અને યુરોપમાં બિટકોઇનના ઇટીએફ્સ લોન્ચ થઇ ચુક્યા છે. બીજી બાજુ, ચીને આ વર્ષે અચાનક બિટકોઇન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આમ બિટકોઇનની બાબતમાં ફક્ત કિંમતની દષ્ટિએ જ નહીં પણ બીજી પણ અનેક રીતે અસ્થિરતાનો માહોલ રહ્યો છે.

ક્રિપ્ટોકરન્સી, ખાસ કરીને બિટકોઇનની અસ્થિરતા વિશ્વભરના આર્થિક અને નાણાકીય નિષ્ણાતોને ચિંતા કરાવી રહી છે તેનું એક મહત્વનું કારણ એ છે કે નોંધપાત્ર પ્રમાણમાં રોકાણકારો બિટકોઇનમાં રોકાણ કરવા તરફ વળ્યા છે. ખાસ કરીને જેમને ઝડપથી કમાઇ લેવાની ઉતાવળ હોય તેવા રોકાણકારો બિટકોઇન તરફ વળ્યા છે કારણ કે બિટકોઇનમાં અનેક વખતે ટૂંકા સમયમાં ખૂબ મોટા ઉછાળા જોવા મળ્યા છે. પરંતુ ઝડપથી કમાવાની લાલચમાં બિટકોઇનમાં મોટું રોકાણ કરતા રોકાણકારો એ વાત બહુ ગણકારતા નથી કે બિટકોઇનમાં અચાનક મોટા કડાકા પણ સર્જાય છે અને તેની કિંમત ઝડપથી ગગડી જાય છે. જો બિટકોઇનમાં અચાનક મોટો કડાકો સર્જાય અને ઘણા બધા રોકાણકારો મોટી રકમમાં નાહી ઉઠે તો તેના આંચકા અર્થતંત્રના અનેક સેકટરોને લાગી શકે છે. બેંક ઓઇ ઇંગ્લેન્ડના નાયબ ગવર્નર સર જહોન કનલીફે તાજેતરમાં કહ્યું છે કે ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરવામાં આવે તે તાકીદની જરૂરિયાત છે.

તેમણે કહ્યું છે કે જ્યારે નાણાકીય ક્ષેત્રમાં કંઇક ખૂબ ઝડપથી વધે, ખાસ કરીને અનિયંત્રિત વિસ્તારમાં ખૂબ ઝડપથી વધે ત્યારે નાણાકીય સ્થિરતા માટેના સત્તાવાળાઓએ તે બાબતે ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. તેમણે એ બાબત નોંધી છે કે ૨૦૨૧ના વર્ષમાં ક્રિપ્ટો મિલકતો ખૂબ ઝડપથી વધી છે, ૮૦૦ અબજ ડૉલરની નીચે હતી, તે આજે ૨.૩ ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગઇ છે. આટલી બધી રકમ ક્રિપ્ટોમાં રોકાયેલી હોય અને જો બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં મોટા કડાકા સર્જાય તો તેના આંચકા આખા જગતના નાણાકીય ક્ષેત્રને લાગી શકે તે સ્વાભાવિક છે અને આથી જ આર્થિક નિષ્ણાતો બિટકોઇનને નિયંત્રિત કરવાની વાત કરી રહ્યા છે.

Most Popular

To Top