Columns

રશિયા અને અમેરિકા વચ્ચેની પ્રોક્સી વોરમાં સીરિયા હિંસાની લપેટમાં આવી ગયું છે

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિપદે ચૂંટાયા તે પછી દુનિયાના અનેક દેશોમાં સત્તાપલટાની મોસમ ચાલી રહી છે, જેમાં છેલ્લામાં છેલ્લો સત્તાપલટો કેનેડામાં થયો છે અને હવે નેપાળમાં થવાની તૈયારી છે. સીરિયામાં ગયાં વર્ષના ડિસેમ્બર મહિનામાં બશર-અલ-અસદે સત્તા ગુમાવી અને તેઓ રશિયા ભાગી ગયા તે પછી પણ મામલો ઠેકાણે પડ્યો નથી. સીરિયાના લતાકિયા અને ટાર્ટસમાં સેના અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અથડામણ ચાલી રહી છે. આ હિંસાને કારણે બે દિવસમાં ૧,૦૦૦ થી વધુ લોકોનાં મોત થયાં છે. આ મૃત્યુઆંક વર્ષ ૨૦૧૧ માં સીરિયન ગૃહયુદ્ધ પછીનો સૌથી વધુ છે.

ગયાં વર્ષે ડિસેમ્બરમાં થયેલા બળવા પછી બશર દેશ છોડીને રશિયા ચાલ્યા ગયા. આ પછી આતંકવાદી સંગઠન હયાત તહરિર અલ-શામ (HTS) એ સીરિયામાં સત્તા સંભાળી હતી. છેલ્લા બે દિવસમાં સુરક્ષા દળોએ અલાવાઈટ મુસ્લિમ સમુદાયના ૭૪૫ થી વધુ લોકોને મારી નાખ્યા છે. તેમાંના મોટા ભાગનાને ફાંસી આપવામાં આવી છે. આ ઉપરાંત ૧૪૮ અસદ સમર્થક લડવૈયાઓના તેમ જ ૧૨૫ સુરક્ષા કર્મચારીઓના પણ મોત થયા છે. સીરિયન સરકારનું કહેવું છે કે અસદના વફાદાર લડવૈયાઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જેના કારણે હિંસા ભડકી હતી. અસદના લડવૈયાઓએ સુરક્ષા દળો પર રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો કરવાનો આરોપ લગાવ્યો છે. સુરક્ષા દળોએ એક વ્યક્તિને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે અથડામણ શરૂ થઈ હતી.

આ હિંસા એટલી ભયાનક છે કે સામાન્ય માણસ સોશિયલ મીડિયા પર આવી રહેલા તેના વીડિયો શેર કરવાથી પણ ડરી શકે છે. પુરુષોને કૂતરાઓની જેમ ઘૂંટણિયે બેસાડી દેવામાં આવી રહ્યા છે અને સ્ત્રીઓની પણ હત્યા કરવામાં આવી રહી છે. સીરિયાના પશ્ચિમ કિનારા પર આવેલા બાનિયાસિનના એક રહેવાસીએ જણાવ્યું કે તેઓએ લોકોને રસ્તા પર ઉતારી દીધા, લાઇનમાં ઉભા રાખ્યા અને પછી ગોળી મારી દીધી હતી. મહિલાઓને માર મારવામાં આવતો હતો અને હત્યા કરતા પહેલા તેમને નગ્ન કરીને શેરીઓમાં ફેરવવામાં આવતી હતી. સીરિયામાં ખ્રિસ્તીઓને પસંદગીપૂર્વક મારી નાખવામાં આવી રહ્યા છે પણ મીડિયા આ સમયે સંપૂર્ણપણે મૌન છે.

સરકારે લટાકિયા અને ટાર્ટસમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે તેમજ કર્ફ્યુ લાદવાના આદેશો આપવામાં આવ્યા છે. લતાકિયા અને ટાર્ટસ પ્રાંતોમાં થયેલી હિંસાએ અબુ મોહમ્મદ અલ-જુલાનીના નેતૃત્વ હેઠળની સરકાર માટે પડકાર ઉભો કર્યો છે. આ વિસ્તારો અલાવાઈટ સમુદાયના ગઢ છે, જેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ પ્રત્યે વફાદાર રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં બશર અલ-અસદને સત્તા પરથી દૂર કર્યા પછી સીરિયામાં આ સૌથી હિંસક અથડામણ છે. સીરિયામાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે લેવામાં આવેલાં તમામ પગલાંમાં સીરિયાની નવી સરકારને પોતાનો ટેકો આપવાનો આરબ દેશોએ પુનરોચ્ચાર કર્યો છે.

સીરિયન ગૃહયુદ્ધ ૨૦૧૬ માં સમાપ્ત થયું ત્યારથી અબુ મોહમ્મદ અલ-જુલાની તેમના લડવૈયાઓને મજબૂત બનાવવામાં વ્યસ્ત હતા. તેમણે ચીનના ઉઇગુર મુસ્લિમોથી લઈને આરબ અને મધ્ય એશિયાના લોકોની મદદથી પોતાની સેના તૈયાર કરી હતી. જુલાનીએ યોગ્ય સમયની રાહ જોઈ, જે ઇઝરાયલ-હમાસ યુદ્ધ અને રશિયા-યુક્રેન યુદ્ધ સાથે આવ્યો હતો. ૨૦૨૨ માં યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું અને રશિયા ત્યાં વ્યસ્ત થઈ ગયું. આ કારણે રશિયાએ સીરિયામાંથી પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા હતા. ૨૦૨૩ માં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું. પરિણામ એ આવ્યું કે સીરિયામાં અસદને મદદ કરી રહેલા ઈરાન અને હિઝબુલ્લાહ હવે તેના પર ધ્યાન આપી શક્યા નહીં. હસન નસરાલ્લાહના મૃત્યુ પછી હિઝબુલ્લાહ નબળું પડી ગયું હતું. આનો ફાયદો ઉઠાવીને જુલાનીએ સીરિયન સેના પર હુમલો કર્યો અને ૧૧ દિવસમાં બશરને ઉથલાવી દીધા હતા.

ડિસેમ્બર ૨૦૨૪ માં ઇસ્લામિક સશસ્ત્ર જૂથ હયાત તહરિર અલ-શામ (HTS) અને તેના સાથીઓએ સીરિયાની રાજધાની દમાસ્કસ પર કબજો કર્યો અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ રશિયા ભાગી ગયા તે પછી HTSના નેતા અહેમદ અલ-શારા વચગાળાના પ્રમુખ બન્યા હતા. HTS હજુ સુધી સમગ્ર દેશ પર શાસન સ્થાપિત કરી શક્યું નથી. તાજેતરના દિવસોમાં સીરિયામાં નવી સરકારનો વિરોધ કરવાનો પ્રયાસ કરવા માટે એક નવું જૂથ રચાયું હોવાના અહેવાલ છે. સીરિયામાં ટેલિગ્રામ ચેનલો અને પ્રાદેશિક મીડિયાએ ૬ માર્ચે એક નિવેદન શેર કર્યું હતું, જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અસદના કાર્યકાળ દરમિયાન એક વરિષ્ઠ અધિકારી ગિયાથ સુલેમાન દલ્લાને આભારી હતું.

તેણે સીરિયાની મુક્તિ માટે લશ્કરી પરિષદ નામના જૂથની શરૂઆતની જાહેરાત કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંગઠનનો ઉદ્દેશ્ય આતંકવાદી દળોથી તમામ સીરિયન પ્રદેશોને મુક્ત કરવાનો અને દમનકારી શાસન અને તેની સાંપ્રદાયિક નીતિઓને ઉથલાવી પાડવાનો છે. પ્રાદેશિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ગિયાથ સુલેમાન ડલ્લા ચોથી ડિવિઝનમાં કમાન્ડર હતો, જેનું નેતૃત્વ અગાઉ બશર અલ-અસદના નાના ભાઈ માહેર અલ-અસદ કરતો હતો, જે તેની ક્રૂરતા માટે જાણીતો હતો અને અસદની સેનાનો મુખ્ય ભાગ હતો.

HTS પશ્ચિમ સીરિયાના ઇદલિબથી દમાસ્કસ સુધીના એક મોટા ભાગને નિયંત્રિત કરે છે. દેશનો એક મોટો ભાગ વચગાળાની સરકારના નિયંત્રણ હેઠળ નથી. તુર્કીના સીરિયામાં ૧૦,૦૦૦ સૈનિકો છે. જોકે તેના મોટાભાગના સૈનિકો બંને દેશોની સરહદો વચ્ચે તૈનાત છે. તુર્કીએ દેશના ઉત્તર ભાગમાં સક્રિય લશ્કરી જૂથોને શસ્ત્રો, લશ્કરી સહાય અને રાજકીય સમર્થન પણ પૂરું પાડે છે. આમાંના મોટા ભાગના લશ્કરી જૂથો સીરિયન નેશનલ આર્મી (SNA) ના બેનર હેઠળ સક્રિય છે. જ્યારે બશર-અલ-અસદ સત્તામાં હતા ત્યારે આ લશ્કરી જૂથોએ તેમનો વિરોધ કર્યો હતો. કેટલાક અંદાજ મુજબ SNA પાસે ૭૦,૦૦૦ થી ૯૦,૦૦૦ લડવૈયાઓ છે.

સીરિયામાં અમેરિકાના ૯૦૦ સૈનિકો છે અને તે કુર્દિશ નેતૃત્વવાળા સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ (SDF) ને સમર્થન આપે છે. આ જૂથ દેશના ઉત્તર-પૂર્વ અને પૂર્વીય ભાગોમાં મોટાભાગે નિયંત્રણ ધરાવે છે. આ જૂથોમાં કુર્દિશ નેતૃત્વ હેઠળના પીપલ્સ પ્રોટેક્શન યુનિટ્સ (YPG)નો પણ સમાવેશ થાય છે. કેટલાક અંદાજ મુજબ, દેશમાં SDFના લડવૈયાઓની સંખ્યા ૪૦ હજારથી ૬૦ હજારની વચ્ચે છે, જ્યારે YPG પાસે ૨૦ હજારથી ૩૦ હજાર લડવૈયાઓ છે. દક્ષિણ સીરિયામાં ડ્રુઝ લોકોની વસ્તી મોટી છે અને આ પ્રદેશમાં સધર્ન ફ્રન્ટ અને સધર્ન ઓપરેશન્સ રૂમ જેવા લશ્કરી જૂથો પણ રહે છે. લગભગ બધા ડ્રુઝ ગ્રામજનોએ HTS ના રાજને સ્વીકારી લીધું છે.

સીરિયામાં અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય જેહાદી સશસ્ત્ર સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) ને દબાવવાનો રહ્યો છે. અમેરિકાએ ૨૦૧૪ માં સીરિયામાં લડાઈ લડી હતી અને તે IS સામે લડતા કુર્દિશ સશસ્ત્ર જૂથોને સમર્થન આપે છે. અમેરિકાના સમર્થનનું એક કારણ એ છે કે કુર્દિશ લશ્કર ઉત્તર-પૂર્વીય સીરિયામાં જેલોનું રક્ષણ કરે છે, જ્યાં ISના સભ્ય હોવાના આરોપમાં હજારો લોકોને જેલમાં રાખવામાં આવેલા છે. જ્યારે અસદ સત્તામાં હતા ત્યારે અમેરિકાએ માનવાધિકાર ઉલ્લંઘન માટે સીરિયા પર ખૂબ જ કડક પ્રતિબંધો લાદ્યા હતા. આ પ્રતિબંધો હજુ પણ લાગુ છે. જોકે, હજુ સુધી કોઈને ખબર નથી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સીરિયામાં યુએસની હાજરી ચાલુ રાખવા માંગશે કે નહીં. ગયા વર્ષે તેમણે કહ્યું હતું કે ત્યાંની લડાઈ આપણી લડાઈ નથી.

રશિયાએ ૨૦૧૫ માં અસદની સરકારને ટેકો આપ્યો હતો અને બદલામાં તેને સીરિયામાં લશ્કરી થાણું બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ટાર્ટસ ખાતેના નૌકાદળના મથકે ભૂમધ્ય સમુદ્રમાં રશિયાની હાજરી સુનિશ્ચિત કરી. આ ઉપરાંત, સીરિયાના મીઇમિમમાં રશિયન એરબેઝ ‘આફ્રિકા કોર્પ્સ’ના ઓપરેશન્સ માટે લોન્ચિંગ પેડ જેવું છે. રશિયાની ‘આફ્રિકા કોર્પ્સ’ ઘણા આફ્રિકન દેશોમાં સુરક્ષા સેવાઓ પૂરી પાડે છે. રશિયાએ સીરિયામાંથી તેના વ્યૂહાત્મક લશ્કરી સાધનો, જેમ કે યુદ્ધ જહાજો અને વિમાનો દૂર કરી દીધાં છે. ભવિષ્યમાં આ લશ્કરી થાણાંઓનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે તેઓ હવે HTS સાથે વાતચીત કરી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top