યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો ત્યારથી માંડીને આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં ૧.૫ મિલિયન લોકોએ દેશની સરહદ પાર કરી છે. જીવ બચાવવા માટે બીજા રાષ્ટ્રની શરણે જનારાઓની આ સંખ્યા એક નવી કટોકટી છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન શરણાર્થીઓનો પ્રશ્ન બહુ મોટો હતો અને બીજા વિશ્વ યુદ્ધના સમય પછી પહેલી વાર શરણાર્થીઓનો પ્રશ્ન યુરોપ માટે અણધારી ગતિએ ઝડપી બની રહ્યો છે. યુક્રેનના રહેવાસીઓ કિવના પરામાંથી છટકીને સરહદ પાર કરવાના પ્રયત્નમાં હતા અને તેમાં રશિયાના બોમ્બિંગને કારણે જીવવા માટે જહેમત કરી રહેલો પરિવાર મોતને ઘાટ ઊતરી ગયો. રેફ્યુજી ક્રાઇસિસ – શરણાર્થીઓનો પ્રશ્ન વૈશ્વિક છે. પહેલાં સિરિયા,અફઘાનિસ્તાન અને હવે યુક્રેનમાં ખડી થયેલી કટોકટીને પગલે આ પ્રશ્ન વધારે ઘેરો બન્યો છે. રેફ્યુજીની સમસ્યા માત્ર એ બીજા રાષ્ટ્રો માટે નથી હોતી જ્યાં પહોંચવા માટે આ લોકો પ્રયત્ન કરી રહ્યાં છે પણ જે લોકો જીવ બચાવવા સરહદ પાર કરી રહ્યાં હોય છે તેમને હેમખેમ લાવવા લઇ જવા વાળા સ્મગલર્સ – દાણચોરોનું તંત્ર પણ આ આખી ગોઠવણનો ભાગ હોય છે.
યુક્રેનની હાલત કફોડી છે. કલ્પના કરો એક તરફ તમારા ઘર પર બોમ્બમારો થયો છે, જે હાથમાં આવ્યું તે લઇને તમે સરહદ તરફ દોટ મૂકી રહ્યા છો, તમે બીજા દેશની સરહદે કે ટ્રેન સ્ટેશન પર પહોંચો છો તો બીજા રાષ્ટ્રના લોકો કાર્ડ બોર્ડ લઇને તમને તેમના ઘરમાં, તેમના દેશમાં આવકારી રહ્યાં છે. નરકમાંથી છૂટીને માણસાઇ ભણી દોડતા લોકોની વ્યાકુળતા શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. છેલ્લા એક દાયકામાં આખી દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. કાળમુખા જંગલો, હાડ થીજાવી દેતી ઠંડી, સામાન, બાળકો, પહાડો અને નદીઓ, પણ આ બધું પાર કરીને જનારા શરણાર્થીઓને કોઇ ખાતરી નથી હોતી કે તેઓ સામે પાર – સલામત સ્થળે જીવતેજીવ પહોંચી શકશે કે કેમ? જેની સાથે નીકળ્યા છે તે બધાં પણ રસ્તામાં જીવતા રહેશે કે નહીં તેનું પણ કંઇ નક્કી નથી હોતું. અફઘાનિસ્તાનમાંથી USA પોતાનું સૈન્ય ખસેડી લીધું અને તાલીબાનીઓ ફરી વળ્યા ત્યારે પણ જે દ્રશ્યો સર્જાયા તે અકલ્પનિય છે.
ટર્કીની પૂર્વમાં આવેલા વાન પ્રદેશમાં પહોંચેલા અફઘાની નાગરિકોમાં સ્ત્રીઓએ તો તાલીબાનીઓનો માર પણ ખાધો, ઇરાન પહોંચ્યા પછી માનવ દાણચોરી કરનારાઓને હજારો ડૉલર્સ ચૂકવ્યા પછી પણ જો ટર્કીની બોર્ડરે ન પહોંચાય તો ફરી પ્રયત્ન કરવાના પૈસા પણ ચૂકવ્યા. સરહદો પરની દીવાલો પર ચઢીને કૂદી જવાય પણ પછી બીજા રાષ્ટ્રની પોલીસથી જીવ બચાવવો પડે. સિરિયાથી લાખો લોકો ટર્કી પહોંચ્યા અને અફઘાનિસ્તાનમાં સંજોગો બદલાયા એટલે ત્યાં પણ શરણાર્થીઓએ ટર્કી જવામાં સલામતી જોઇ. ભૌગોલિક કારણોસર ટર્કી આ બંન્ને રાષ્ટ્રોના શરણાર્થીઓની પહેલી પસંદ રહી છે. પરંતુ શું ટર્કીનું તંત્ર આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓને સમાવવા માટે, તેમની રોટી – કપડાં – મકાનની મૂળભૂત જરૂરિયાતો સાચવવા માટે સક્ષમ છે ખરું?
વળી આ કંઇ એક દેશની વાત નથી. મ્યાનમારમાં માનવસંહાર અને એથનિક ક્લિન્ઝિંગને પગલે રોહિંગ્યા મુસલમાનોએ ૨૦૧૭ના ઑગસ્ટ પછી બાંગ્લાદેશની વાટ પકડી. ૧.૧ મિલિયન કરતાં વધુ રોહિંગ્યાઝ બાંગ્લાદેશમાં છે અને દર વર્ષે આ સંખ્યામાં નવા જન્મનારા બાળકોને કારણે વધારો પણ થતો રહે છે. મ્યાનમાર માનવસંહારને પાંચ વર્ષ થવા આવ્યા છે પણ હજી સુધી રોહિંગ્યા શરણાર્થીઓનો પ્રશ્ન નથી ઉકેલી શકાયો. જાતભાતના પ્રયાસ કરાયા છે, પ્રસ્તાવો મુકાયા છે પણ ક્યાંય ઉકેલ દેખાયો નથી. લાખો લોકો સ્થિરતા અને સલામતી વગર, ભવિષ્ય અંગે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા વગર જીવી રહ્યા છે. આ તરફ પોલેન્ડની વાત કરીએ તો યુક્રેનથી પોલેન્ડ પહોંચી સરહદ પાર કરી ચૂકેલાઓનો આંકડો બહુ મોટો છે.
ગયા શનિવારે એક જ દિવસમાં ૧ લાખ ૨૯ હજાર લોકોએ સરહદ પાર કરી હતી. અત્યાર સુધીમાં આ આંકડો ૯ લાખ ૨૨ હજારે પહોંચ્યો છે. બોમ્બ ધડાકાના અવાજો વચ્ચે બંકરમાં બેસી રહેવા કરતાં જીવ બચાવવા બીજે ચાલ્યા જવામાં લોકોને ભલાઇ લાગે એમાં કંઇ ખોટું નથી. યુક્રેનિયન્સ સ્લોવાકિયા, હંગેરી અને ઉત્તર રોમાનિયા સુધી પણ સલામતીથી પહોંચ્યા છે. ભાગલા, યુદ્ધ, આર્થિક અવગણના, ભૌગલિક પરિસ્થિતિ જેવું કેટલુંય શરણાર્થીઓની સમસ્યાઓ વધારે છે. જે રાષ્ટ્રમાં તેઓ આશરો લે છે તે રાષ્ટ્રને રાજનૈતિક, સામાજિક અને આર્થિક સ્તરે બેવડ વળી જવું પડતું હોય છે. સત્તાના મોહમાં જેની પર સત્તા કરવાની છે તે પ્રજાને નકરી હેરાનગતિ સિવાય સરકારો બીજું કંઇ નથી આપતી.
બાય ધ વેઃ
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાથી દુનિયા આખીનાં સમીકરણો અણધાર્યાં બદલાયાં છે. બીજા વિશ્વ યુદ્ધ પછી કોઇ પણ યુરોપિયન દેશ પર થયેલો આ સૌથી મોટો હુમલો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આનાથી વધુ ભડકે બળતો પ્રશ્ન કોઇ જ નથી. આ ભડકાને દાવાનળ બનતા જરાય વાર લાગે તેમ નથી અને તેની સાથે જ શરણાર્થીઓની સમસ્યા વધુ ને વધુ મોટી થતી જશે. આર્થિક યુદ્ધ પણ વધુ આકરું થતું જશે. મૂળિયાં સોતાં ઉખડી જઇને લાચારીમાં જીવાતી જિંદગીઓ આગામી પેઢીઓને સલામતી શું છે તે ક્યારેય પણ સમજાવી શકશે?