Business

ધર્મના પર્યાય

ધર્મ કોઈ બંધન નથી, પરંતુ જીવનને દિશા આપતી માર્ગદર્શિકા  છે. નીતિ, સ્નેહ, ન્યાય, આદર, સમાનતા, નિયમો, મર્યાદા, ભક્તિ, ફરજ, સત્ય અને કરુણા — આ તમામ ગુણોનું સંકલન એટલે ધર્મ. ધર્મ કોઈ પણ પંથ કે પરંપરા પૂરતો સીમિત નથી; તેનો મૂળ હેતુ મનુષ્યને સાચા અર્થમાં “મનુષ્ય” બનાવવાનો છે. જીવન કેવી રીતે જીવવું, કઈ રીતે વર્તવું અને કઈ રીતે પોતાના તથા પરના હિતનું ધ્યાન રાખવું — તેની માર્ગદર્શિકા ધર્મ આપે છે.સાકાર હોય કે નિરાકાર — આસ્થા મનુષ્યના અંતરાત્માનો આધાર છે. મનુષ્ય જ્યારે પરમ શક્તિને સ્વીકારે છે, ત્યારે તે પોતાની મર્યાદા અને જવાબદારીને પણ ઓળખે છે. ભક્તિ દ્વારા તે ભયમુક્ત બને છે અને જીવનની જટિલતાઓને સરળતાથી સ્વીકારી શકે છે.

પરમ શક્તિને સાકાર સ્વરૂપ આપવાનો હેતુ એટલો જ છે કે ભૌતિક જગતમાં જીવતો મનુષ્ય એક સ્વરૂપ સાથે એકાગ્ર થઈ શકે, પોતાની ભાવનાઓને વ્યક્ત કરી શકે અને મનને સદ્કાર્યોમાં લગાવી શકે. આ પ્રક્રિયા તેને ધર્મના પર્યાયોને સમજવા અને તેમના અનુપાલન માટે પ્રેરિત કરે છે. નિરાકાર સ્વરૂપને માનનાર માટે ધ્યાન, મંત્રોચ્ચાર અને આત્મચિંતન ભક્તિના માર્ગ છે. આ માર્ગો દ્વારા મનુષ્ય પોતાની અંદરની શુદ્ધિ અને શાંતિને અનુભવે છે. અંતે, ધર્મનો સાચો અર્થ રિવાજોમાં નહીં, પરંતુ માનવતાના જીવંત અનુપાલનમાં છે. જ્યાં સત્ય, કરુણા અને ન્યાય જીવંત છે, ત્યાં જ ધર્મ વસે છે.
સુરત     – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top