Sports

સિડની ટેસ્ટમાં કેપ્ટન રોહિત ડ્રોપઃ ઈન્ડિયા 185 પર ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાએ પણ 1 વિકેટ ગુમાવી

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ આજે તા. 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થઈ છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 185 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. આ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્માએ આ મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે.

પહેલા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ પણ એક વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 9/1 હતો. ઉસ્માન ખ્વાજાની વિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુમાવી હતી. કોન્ટાસ્ટ સાથે થોડી ચકમક બાદ ગુસ્સે ભરાયેલા બુમરાહે દિવસના છેલ્લાં બોલે ખ્વાજાને સ્લીપમાં કેચ આઉટ કરાવ્યો હતો.

આ અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ટીમને પહેલો ફટકો કેએલ રાહુલ (4)ના રૂપમાં લાગ્યો હતો, જે મિચેલ સ્ટાર્કના બોલ પર સેમ કોન્સ્ટાસના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ બીજા ઓપનર યશસ્વી જયસ્વાલ (10) પણ ત્રીજી સ્લિપમાં સ્કોટ બોલેન્ડના બોલ પર કેચ આઉટ થયો હતો.

આ પછી શુભમન ગિલ (20) વિકેટ પર કોહલી સાથે રમત આગળ વધારી પરંતુ લંચ પહેલા નાથન લિયોનના બોલને આગળ રમવાનો પ્રયાસ કરતી વખતે તે સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ થયો.

લંચ બાદ વિરાટ કોહલી ફરી એકવાર ઓફ સ્ટમ્પ બોલ જબરદસ્તીથી રમવાના કારણે આઉટ થયો હતો. કોહલી (17) 17 રન બનાવીને બેઉ વેબસ્ટરના હાથે સ્કોટ બોલેન્ડના હાથે આઉટ થયો હતો. કોહલી આ સીરિઝમાં આ પહેલા પણ ઘણી વખત ઓફ સાઇડ પર જબરદસ્તીથી બોલ રમવાના કારણે આઉટ થઈ ચૂક્યો છે.

આ પછી પંત અને જાડેજાએ ઈનિંગ સંભાળી હતી. પંત (40) સારા ટચમાં હોય તેવું લાગતું હતું પરંતુ ફરી એકવાર બિનજરૂરી શોટ રમવા જતા તે બોલેન્ડના બોલ પર કમિન્સ દ્વારા કેચ આઉટ થયો હતો. નીતીશ રેડ્ડી (0) પણ બીજા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. જાડેજા (26) થોડી સાવધાની સાથે રમી રહ્યો હતો પરંતુ ટીમ ઈન્ડિયાનો સ્કોર 134 હતો ત્યારે તે આઉટ થઈ ગયો હતો. આના થોડા સમય બાદ વોશિંગ્ટન સુંદર (14) આઉટ થયો હતો.

Most Popular

To Top