Sports

આજથી સ્વિસ ઓપન : સિંધુ, શ્રીકાંત ફોર્મમાં વાપસીનો કરશે પ્રયાસ, લક્ષ્ય સેન હટ્યો

આવતીકાલે મંગળવારથી અહીં શરૂ થનારી સ્વિસ ઓપન સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંથી ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપનો રનર્સ અપ લક્ષ્ય સેન ખસી ગયો છે, ત્યારે બધાની નજર બે વારની ઓલિમ્પિક્સ મેડલિસ્ટ પીવી સિંધુ અને વર્લ્ડ ચેમ્પિયનશિપના સિલ્વર મેડલિસ્ટ કિદામ્બી શ્રીકાંત પર મંડાયેલી રહેશે.
સતત બે અઠવાડિયાના વ્યસ્ત કાર્યક્રમ પછી થાકના કારણે સ્વિસ ઓપનમાંથી લક્ષ્યએ ખસવાનો નિર્ણય કર્યો હતો. લક્ષ્યએ છેલ્લા બે અઠવાડિયા દરમિયાન પ્રભાવક પ્રદર્શન કર્યું છે, જો કે ટોચના ખેલાડી સિંધુ, શ્રીકાંત અને સાઇના નેહવાલ બર્મિંઘમમાં ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા. આ અઠવાડિયે તેઓ પોતાનું પ્રદર્શન સુધારવાનો પ્રયાસ કરશે.
સિંધુ અને સાઇના જર્મન ઓપન અને ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં બીજા રાઉન્ડમાં હારીને આઉટ થઇ હતી, જ્યારે શ્રીકાંત જર્મન ઓપનમાં અંતિમ આઠમાં પહોંચ્યો હતો. સિંધુ પહેલા રાઉન્ડમાં ડેન્માર્કની હોજમાર્ક કેજેર્સફેલ્ટ સામે રમશે, જ્યારે સાઇના ચીનની વાંગ ઝી યી સામે રમશે. શ્રીકાંતનો પહેલા રાઉન્ડમાં ક્વોલિફાયર સાથે મુકાબલો થશે. બી સાઇ પ્રણીત ભારતના એચએસ પ્રણોય સામે રમશે તો પારુપલ્લી કશ્યપ ક્વોલિફાયર સામે રમશે.

Most Popular

To Top