નડિયાદ: નડિયાદ નજીક આવેલ સ્વીટકો કંપનીના કામદારોએ કામના કલાકો તેમજ પગાર મુદ્દે આંદોલન ચલાવ્યું હતું. છેલ્લાં કેટલાક દિવસોથી ચાલી રહેલાં કામદારોના આ આંદોલન સામે આખરે કંપનીના માલિક ઝુક્યાં હતાં અને હવેથી કામદારોને સરકારી ધારા-ધોરણ મુજબ પગાર આપવાની બાંહેધરી આપી હતી. નડિયાદ-પીજ રોડ ઉપર ઓવરબ્રિજ નજીક આવેલી સ્વીટકો કંપની દ્વારા સરકારી ધારા-ધોરણ મુજબ પગાર ન આપી કામદારોનું શોષણ કરવામાં આવતું હતું. જેથી રોષે ભરાયેલાં કામદારોએ કંપની વિરૂધ્ધ અવાજ ઉઠાવવાનો શરૂ કર્યો હતો. જોકે, કંપનીના માલિક દ્વારા કામદારોનો અવાજ દબાવી દેવામાં આવતો હતો. દરમિયાન શોષણનો ભોગ બનેલાં કામદારોને સર્વ સમાજ સેનાના સંયોજક મહિપતસિંહ ચૌહાણનો સાથ મળ્યો હતો. જે બાદ કંપનીના કામદારોએ સોમવારે શ્રમ વિભાગની કચેરી અને મંગળવારના રોજ ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. કામદારોનું આંદોલન ઉગ્ર બનતાં આખરે સ્વીટકો કંપનીના માલિકે ઝુકવું પડ્યું હતું. કંપનીના માલિક બુધવારે સવારે કલેક્ટર કચેરી ખાતે આંદોલન કરી રહેલાં કામદારોને મળ્યા હતાં અને હવેથી, સરકારી ધારા-ધોરણ કરતાં પણ વધુ એટલે કે, ૩૬૦ રૂપિયા પગાર આપવાની બાંહેધરી આપી હતી. તેમજ કંપનીના સુપરવાઈઝરો પણ કોઈ કામદાર સાથે ખરાબ વર્તન નહીં કરે તેવી ખાત્રી આપી હતી. જેને પગલે કામદારો ખુશીથી ઝુમી ઉઠ્યાં હતાં.
સ્વીટકો કંપની ઝુકી : કર્મીને દૈનિક રૂ.360 પગાર આપશે
By
Posted on