Business

વરસાદને સાથે જોડાયેલી ભાઈ બહેનની મીઠી બાળપણની યાદો

બાળપણમાં ભાઈ બહેન માટે વરસાદ એટલે રમવા માટેનું એક મોકળું મેદાન જ બની જાય. ના તો કોઈ ટેન્શન ના તો કોઈ જવાબદારી અને એમાં પણ જો ફળિયામાંથી પહેલું ઝરણું નીકળે એટલે તો ગાંડા જ બની જાય. નાના હોય ત્યારે એ વરસાદના પાણીમાં છબછબિયાં, કાગળની બનાવેલ હોડીને પાણીમાં વહાવીને મળતો આનંદ જ કંઇક અનેરો હોય છે અને ભાઈ બહેન પાણીથી ભરેલા ખાબોચિયામાં નાના નાના પથ્થરો નાખીને બનતા વમળને એક…બે…ત્રણ એમ ગણીને જોવાની મજા લૂટતા હોય. અને હા,ક્યારેક તો એ ભીની થયેલ માટી એટલે કે કાદવમાં લપસી પડે એટલે આવી જ બને. કેટલીય વાર ગોઠણ છોલાય જાય અને ઉપરથી ઘરે માર પડે તે અલગ. આવી તો દરેક ભાઈ બહેનની મીઠી યાદો કે પછી કોઈ અણબનાવની મેમરી હોય છે ત્યારે ચાલો આ રક્ષાબંધન પર આપણે તાજા કરીએ ભાઈ બહેનની બાળપણની વરસાદ સાથે જોડાયેલી એ ખાટીમીઠી યાદોને…

રેલના સમયે છાતી સુધીનાં પાણીમાં બેન પાસે રાખડી બંધાવવા પહોંચી ગયો : ગૌરવ ત્રિવેદી

33 વર્ષીય ગૌરવ ત્રિવેદી બિઝનેસ કોચ છે. ગૌરવ ત્રિવેદી જણાવે છે કે, ‘’મારી સગી બહેન તો નથી પણ મારી માસીની દીકરી છે જે મને દર વર્ષે રાખડી બાંધે છે. આમ તો વરસાદને લઈને ઘણી યાદો જોડાયેલી છે પણ એમાંથી એક યાદગાર બનાવ કહું તો 2006માં વરસાદ બાદ સુરતમાં રેલ આવેલી. ત્યારે હું અઢારેક વર્ષનો હોઈશ અને તે મારાથી નાની એટલે કે 10 એક વર્ષની હતી. સુરતમાં રેલ અને ઉપરથી વરસાદ પણ આવતો હતો, એ સમયે રક્ષાબંધન આવી એટલે તેણે જિદ્દ પકડી કે મારે રાખડી બાંધવા જવું જ છે, એ નાની એટલે તેને લાવે કોણ ? મારા પર ફોન આવ્યો તો મેં એની ઈચ્છાને માન આપીને છાતી સરખા પાણીમાં રાખડી બંધાવવાનું મન બનાવ્યું, એ સમયે મને ઘણાએ રોકયો પણ ખરો કે, આટલા પાણીમાં ના જવાય, ઉકાઈમાંથી પાણી છોડે છે તો એમાં મગર પણ હશે. પાણીમાં ઉતાર્યો ત્યારે કોઈ જ માણસો રસ્તામાં ના દેખાય થોડો ડર તો લાગતો હતો પણ બહેનની જિદ્દ સામે મને હિમંત મળતી હતી. હું અઠવાગેટથી ઘોડદોડ માસીના ઘરે એટલા પાણી અને વરસાદમાં એની પાસે રાખડી બંધાવવા પહોંચી ગયો. આજે પણ આ મેમરી અમે દર રક્ષાબંધનમાં ચેરીશ કરીએ છીએ.’’

હોડી હું બનાવતી અને ભાઈ તે ફટાફટ પાણીમાં મૂકી દેતો : મયુરી પટેલ

32 વર્ષીય મયુરી પટેલ જણાવે છે કે, ‘’બાળપણની મારા ભાઈ સાથેની આમ તો ઘણીય યાદો જોડાયેલી છે અમે નાના હતા ત્યારે વરસાદ આવે એટલે કલરિંગ પેપર લઈને બેસી જતાં અને હોડી બનાવતા. અને એમાય હોડી હું બનાવતી અને તે ફટાફટ પાણીમાં મૂકી દેતો, આથી અમારા બંનેનો ઝગડો થતો કે તે મારી હોડી કેમ પાણીમાં મૂકી દીધી ? અને છત્રી પણ બંનેને એક જ કલરની ગમતી આથી જ્યારે વરસાદ પડે અમે છત્રી માટે પણ લડતા કે એ છત્રી મારે જોઈએ. અને બંને એકબીજાને મમ્મી કઇ રીતે ખીજવાય એની જ રાહ જોતાં, આથી મારે જો વરસાદમાં ભીંજવા જવું હોય તો હું તેને કહેતી કે મમ્મીને કહેતો નહીં, અને તે છ્તાંય મમ્મીને કહી દે અને પછી મને માર પડતો આવી તો અનેક યાદો છે’’

હું મારા ભાઈ સાથે વરસાદમાં ક્રિકેટ પણ રમતી : સાલિની બનસલ

52 વર્ષીય શાલિની બનસલ ન્યુટ્રિશનિસ્ટ છે. શાલિની જણાવે છે કે, ‘’બાળપણની દરેક યાદો આમ તો ભાઈ બહેન રિલેટેડ જ હોય છે. અને એમાય વરસાદની ફેવરિટ સિઝન આવે એટલે તો નાનપણમાં જલ્સા પડી જતાં. મારા બે ભાઈ છે અને મારા બંને ભાઈ અને મને વરસાદની સિઝન ખૂબ જ ગમતી. એક તો વરસાદ આવે એટલે ઘરની આસપાસ પાણી ભરાઈ જતું તો અમે પાણીમાં પહેલી રમત રમતા હોડી બનાવવાની. અને હોડી બન્યાં બાદ અમે એકબીજા સાથે કોમ્પિટિશન રાખતા કે કોની હોડી પહેલા પહોંચે.? વરસાદમાં ખાસ અમે ફિલ્મી સોંગ મૂકીને નાચતા. એકબીજા પર પાણી ઉડાડતા. મારા બધા શોખ છોકરાઓ જેવા જ હતા, કેમ કે પહેલેથી એમની સાથે જ રમતી, મને ક્રિકેટ રમવાનું ખૂબ જ ગમતું, હું મારા ભાઈ સાથે વરસાદમાં ક્રિકેટ પણ રમતી એ યાદો મને આજે પણ જ્યારે વરસાદ પડે ત્યારે તાજી થાય. અને ફરી એમ વિચારું કે મને ફરી બાળપણ મળે અને અમે ભાઈ બહેન પહેલાની માફક ટેન્શન ફ્રી વરસાદને માણી શકીએ, જિંદગીને માણી શકીએ.’’

ઇજા થતાં બેન સ્કૂટી પર દવાખાને લઈ ગઈ : ડો નિતિન મિત્તલ

37 વર્ષીય ડો નિતિન મિત્તલ જણાવે છે કે, ‘’જ્યારે પણ વરસાદ આવે ભાઈબહેન વરસાદમાં રમતા હતા, તો એકવાર કાદવને લીધે મારો પગ લપસી ગયેલો અને મને ખૂબ જ લોહી નીકળતું હતું, એ સમયે મારી બહેન ખૂબ જ ગભરાઈ ગયેલી કે હવે નક્કી પેરેન્ટ્સ ખીજવાશે. આથી ફટાફટ મારો મોટો ભાઈ, મારી બેન અને  હું અમે ત્રણ સ્કૂટી પર દવાખાને ગયેલા. અને મને ટાંકા આવેલા. જો કે એ એટલી ગભરાઈ ગયેલી કે હું તેને કહેતો કે તું ડર નહીં હું તારું નામ નહીં લઇશ, હું મમ્મીને એમ જ કહીશ કે હું એકલો રમતો હતો અને લપસી ગયો. ત્યારે તે શાંત થઈ.વરસાદ આવે એટલે ફરવા જવાનું અમને  ખૂબ જ ગમે, આજે પણ વરસાદની સિઝનમાં અમે લોનાવાલા ફરવા જઈએ છીએ.’’

પલળી ગયેલા હોઈએ ત્યારે મકાઇ ખાવાની ખૂબ મજા આવતી :     શૈલેષ  પટેલ

40 વર્ષીય શૈલેષ પટેલ જણાવે છે કે, ‘’ મારી બહેન મારા કરતાં નાની છે. આથી અમે જ્યારે સ્કૂલે જતાં ત્યારે પહેલા તો થોડો પણ વરસાદ આવે એટલે પાણી ભરાઈ જતાં, અને સ્કુલમાંથી કોઈક વાર વાલીઓ પણ લેવા આવતા. અમે સ્કૂલે સાથે જ જતાં પણ જ્યારે વરસાદ વધુ હોય ત્યારે પહેલા હું એકલો મારી અને મારી બેનની બેગ લઈને સ્કૂલે મૂકી આવતો. અને પછી પાછો ઘરે આવીને એને આંગળી પકડીને સાથે લઈ જતો. કોઈકવાર એક જ છત્રી હોય અને સ્કૂલેથી છૂટીએ ત્યારે હું તેને સાથે એક જ છત્રીમાં રાખતો. હું અડધો છત્રીની બહાર રહું પણ તે પલળે નહીં એનું ખાસ ધ્યાન રાખતો. અને રસ્તામાં ભૂખ લાગે તો ગરમાગરમ મકાઇ ખાતા. પલળી ગયેલા હોઈએ ત્યારે મકાઇ ખાવાની ખૂબ મજા આવતી.’’

Most Popular

To Top