દેશના સૌથી ઊંચા સાંસ્કૃતિક ચિહ્નો પૈકીનાં એક, કે જેમના ગાયનથી આઝાદી પછીની પેઢીઓ આગળ વધી, તે લતા મંગેશકર એટલી અકલ્પનીય હદે લોકપ્રિય હતાં કે તેઓ કલાકારો જે ભાગ્યે જ કરી શકે છે તે કરવાને સક્ષમ હતાં. ધાર્મિક સ્તોત્રથી લઈને પ્રેમગીત સુધી, લતા મંગેશકર કોઈ પણ ગીત સહેલાઈથી ગાઈ શકતાં હતાં. તેમના સંગીતનો ધ્વનિ દરેક આત્માને સ્પર્શે તેવો છે. લતા મંગેશકરના મરણ પછી તેમનો કોકિલકંઠી અવાજ વિશ્વમાં સદીઓ સુધી ગૂંજ્યા કરશે. લતા મંગેશકરની શ્રેષ્ઠતા, વૈવિધ્ય અને માધુર્ય નવી પેઢીનાં ગાયકો માટે એક સીમાચિહ્ન હતું, જે તેમના દ્વારા પ્રેરિત અસંખ્ય અવાજોમાં ટકી રહેશે. લતા મંગેશકરે, તેમનાં 25,000 ગીતો ઉપરાંત-દરેકમાં શિસ્ત, દૃઢતા અને મધુરતાનો પાઠ-અન્ય ઘણી વસ્તુઓ પણ કરી.
તેમણે ભારત અને પાકિસ્તાનને એક વાત પર સંમત બનાવ્યા. તેમના સંગીત અને ધૂનની શક્તિ સરહદો પાર કરી ગઈ હતી. લાહોરથી ઓલ ઈન્ડિયા રેડિયો પર આવેલા પત્રની પ્રખ્યાત વાત યાદ આવી જાય છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તેઓ લતા મંગેશકર પાકિસ્તાનને આપી શકે તો ભારત પાસે કાશ્મીર રાખી શકે છે. સરહદની બીજી બાજુના પાકિસ્તાનના સૈનિકો પણ લતા મંગેશકરના ચાહકો હતા. પાકિસ્તાનના વરિષ્ઠ શાસ્ત્રીય સંગીતકારોએ લતાને પાકિસ્તાન માટે ભાગલાની સૌથી મોટી ખોટ ગણાવી હતી. જ્યારે લતા મંગેશકરના અવાજના જાદુ પર સંમત થવાની વાત આવી ત્યારે બંને દેશો વચ્ચે કોઈ વિવાદ નહોતો. પ્રતિષ્ઠિત ગાયિકા નૂરજહાં લતા મંગેશકરની પ્રશંસા કરતી હતી. તેણે એક વાર લતા વિશે કહ્યું હતું કે “લોકો કહે છે કે તેઓ મારી પ્રશંસા કરે છે. લેકિન લતા તો લતા હૈ. મેરી નજર મેં લતાજી કી તરહ કોઈ આજ તક પૈદા નહીં હુઆ.”
લતા મંગેશકરનો જન્મ ઈન્દોરમાં શીખ મહોલ્લામાં થયો હતો અને તેમનો ઉછેર કોલ્હાપુરમાં સંગીતના પરિવારમાં થયો હતો. તેમના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકર ગ્વાલિયર ઘરાનાના સંગીતકાર હતા જેઓ એક નાટક કંપની ચલાવતા હતા. તેઓ લતાના પ્રથમ ગુરુ હતા. તે માત્ર એક દિવસ માટે જ શાળાએ ગઈ હતી. તે લગભગ પાંચ વર્ષની હતી અને તેની બહેન આશા એક યુવાનને તેની સાથે લઈ ગઈ હતી. પરંતુ શાળાના શિક્ષકે નાની બહેનને તેની સાથે વર્ગમાં બેસવા દીધી નહીં. લતાને ખરાબ લાગી જતાં તેણે પાછા નિશાળે ન જવાનું નક્કી કર્યું હતું. એક દિવસ, તેના પિતાએ લતાને તેના એક વિદ્યાર્થીને સમજાવતી જોઈ અને બાળક લતા કેટલી ચપળતાથી શીખવે છે તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે તેને શાસ્ત્રીય સંગીતના પાઠો શીખવવાનું નક્કી કર્યું, પરંતુ તેમના અકાળે મૃત્યુથી પરિવારની સૌથી મોટી સંતાન લતાએ ૧૩ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું.
તેમના પરિવારના નજીકના મિત્ર અને નવયુગ મૂવી કંપનીના માલિક માસ્ટર વિનાયકે લતાના પરિવારની સંભાળ લીધી અને લતા મંગેશકરને ગાયક બનવામાં મદદ કરી. લતાનું પ્રથમ ગીત વસંત જોગલેકરની મરાઠી ફિલ્મ કીટી હસાલ (૧૯૪૨) માં હતું, પરંતુ તે ફિલ્મમાં સ્થાન મેળવી શક્યું ન હતું. ૧૯૪૫ માં મુંબઈ જતાં પહેલાં તેણે મરાઠી સિનેમા માટે થોડાં વધુ ગીતો ગાયાં. ત્યાં તેણે ભીંડીબજાર ઘરાનાના ઉસ્તાદ અમાન અલી ખાન પાસે તાલીમ લેવાનું શરૂ કર્યું. વિનાયકે સંગીતકાર વસંત દેસાઈ સાથે લતા મંગેશકરનો પરિચય પણ કરાવ્યો. ૧૯૪૮ માં તેમના મૃત્યુ પછી, તે સંગીતકાર ગુલામ હૈદર હતા, જેમણે લતા મંગેશકરને તેમની દેખરેખ નીચે લીધી અને તેનો પરિચય ફિલ્મીસ્તાન સ્ટુડિયોના માલિક નિર્માતા સસાધર મુખર્જી સાથે કરાવ્યો. પરંતુ લતા મંગેશકરને સસાધર મુખર્જીએ નપાસ કર્યાં હતાં. તેમને લાગતું હતું કે તેનો અવાજ ખૂબ પાતળો છે.
તેમની પસંદગી પર શંકા કરવામાં આવી હોવાના કારણે ગુસ્સે ભરાયેલા હૈદરે ઘોષણા કરતાં આગાહી કરી હતી, “સંગીતરચયિતાઓ લતાજીને તેમના માટે ગીત ગાવાની વિનંતી કરશે. હૈદરે લતા મંગેશકરને દિલ મેરા તોડા, મુઝે કહીં કા ના છોડા (મજબૂર, 1948) ગીત સાથે તેનો પ્રથમ નોંધપાત્ર બ્રેક આપ્યો હતો, જેમાં નૂરજહાંની શૈલીનો પડઘો પડતો હતો. જ્યારે તેણીએ મહેલ (1949) માંથી ખેમચંદ પ્રકાશની રચના ‘‘આયેગા આનેવાલા’’ ગાયું, ત્યારે નક્કી થઈ ગયું કે લતા નવા જન્મેલા રાષ્ટ્રનો અવાજ બની જશે અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આગામી દાયકાઓ સુધી તેની સર્વોપરિતાને કાયમ કરી દેશે, જેનો કોઈ હરીફ નહીં હોય. આ ગીતે રેડિયો સિલોન પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને લોકોએ ગાયકનું નામ પૂછવા માટે તેની ઓફિસમાં પત્રો લખ્યા હતા. (ગ્રામોફોન કંપનીએ ત્યાં સુધી સંગીતકારનું નામ જ આપ્યું હતું).
મુઘલ-એ-આઝમનું (1960) યાદગાર ગીત ‘‘પ્યાર કિયા તો ડરના ક્યા’’ અથવા સાહિર લુધિયાનવીના ગીત ‘‘અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ’’ (હમ દોનોં, 1961) અથવા રમતિયાળ ‘‘પિયા તોસે નૈના લગે’’ (ગાઈડ, 1965), લતા મંગેશકરે ગાયું, ત્યારે કરોડો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આઝાદી પછી, 1962 ના ભારત-ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ સામે, જ્યારે તેમણે સી. રામચંદ્રની ધૂન પર કવિ પ્રદીપનું ’’અય મેરે વતન કે લોગોં’’ ગાયું ત્યારે તેમણે એક રાષ્ટ્રને અને તેના વડા પ્રધાનને આંસુમાં ભીંજવી દીધા હતા. જેમ જેમ લતા મંગેશકર તેમની કળાની અને સફળતાની સીડી પર ચઢતાં ગયાં તેમ તેમ, તેમની હરીફો વિશેની વાતો સામે આવી, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ હરીફાઈ તેમની બહેન અને પીઢ ગાયિકા આશા ભોંસલે સાથે હતી. 1984 માં ‘લતા સે ડરતે ડરતે’ શીર્ષકથી અમીન સયાનીને આપેલા એક રેડિયો ઈન્ટરવ્યુમાં લતા મંગેશકરે કહ્યું હતું: “આશા મારી બહેન છે અને અમારી ખૂબ જ અલગ શૈલીઓ છે. તેને તેની શૈલી મુજબનાં ગીતોનો હિસ્સો મળે છે અને મને મારું મળે છે. અમારી બે બહેનો વચ્ચે હરીફાઈનો કોઈ પ્રશ્ન જ નથી.’’ આશા ભોંસલે સાથેના વિવાદને કારણે સંગીતકાર ઓ.પી. નય્યરે ક્યારેય લતા મંગેશકરને તેમના માટે ગાવાનું કહ્યું નથી. અન્ય નોંધપાત્ર વિવાદ મોહમ્મદ રફી સાથે હતો, જેમની સાથે લતાએ તેના મોટા ભાગનાં સુપ્રસિદ્ધ યુગલ ગીતો રજૂ કર્યાં હતાં. આ ઝઘડો રોયલ્ટીના મુદ્દા પર હતો.
જ્યારે લતા મંગેશકર રેકોર્ડ કંપની પાસેથી તેમનાં ગીતો માટે રોયલ્ટી ઇચ્છતા હતા, ત્યારે મોહમ્મદ રફી માનતા હતા કે એક વાર ગીત ગાયું અને ગાયકને તેના માટે ચૂકવણી કરી, પછી તે હવે ગાયકની મિલકત રહેતી નથી. આ વિવાદને કારણે બંનેએ 1963 અને 1967 વચ્ચે એક પણ ગીત ગાયું ન હતું. લતા મંગેશકરે મધુબાલા અને વહીદા રહેમાનથી લઈને કાજોલ અને માધુરી દીક્ષિત સુધીનાં કલાકારો માટે ગાયું હતું. તેમણે ૧૯૯૦ ના દાયકા સુધી અને છેક ૨૧ મી સદીના અમુક ભાગમાં ગાયું હતું. તેમણે યારા સીલી સીલી (લેકિન, 1990), માયે ની માયે (હમ આપકે હૈ કૌન!, 1994), જિયા જલે (દિલ સે, 1998) જેવાં મોડર્ન ગીતો ગાયાં હતાં. મેરે ખ્વાબો મેં જો આયે (દિલવાલે દુલહનિયા લે જાયેંગે, 1994) ગીત લતા માટે તેના સદાયુવાન અવાજની શક્તિનો પુરાવો હતો. તેણીની છેલ્લી લોકપ્રિય ફિલ્મમાં વીર ઝારા (2004)નો સમાવેશ થાય છે, જ્યાં સંગીતકાર મદન મોહનની જૂની ધૂન ફરી જીવંત થઈ હતી. તેમને 1989 માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને 2001 માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન ઉપરાંત અન્ય ઘણાં સન્માનોથી નવાજવામાં આવ્યાં હતાં.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.