નવી દિલ્હીઃ ભારતના સ્વપ્નિલ કુસાલેએ ઈતિહાસ રચ્યો છે. સ્વપ્નીલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. વર્તમાન ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ ત્રીજો મેડલ હતો. આ પહેલા ભારતના છેલ્લા બે મેડલ પણ શૂટિંગમાં આવ્યા હતા.
પેરિસ ઓલિમ્પિકમાં છઠ્ઠા દિવસે એટલે કે આજે ગુરુવારે તા.1 ઓગસ્ટના રોજ પણ ભારતીય ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે. સ્ટાર શૂટર સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતે હવે ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ જીત્યો છે.
પુણેમાં જન્મેલા ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાલેએ પેરિસ ઓલિમ્પિકમાં મેન્સ રાઇફલ 50 મીટર 3-પોઝિશન ઇવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવીને પેરિસ ઓલિમ્પિકમાં પોતાની ઓળખ બનાવી છે. કુસાલેએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પ્રભાવશાળી પ્રદર્શન કરીને 38 આંતરિક 10 સહિત 60 શોટમાંથી 590 પોઈન્ટ સાથે ટોચના આઠ શૂટર્સમાં સ્થાન મેળવ્યું હતું.
ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાલેએ કુલ 590નો સ્કોર કરીને ફાઈનલમાં સ્થાન પાક્કું કર્યું છે. તેમણે નીલિંગમાં 198, પ્રોનમાં 197 અને સ્ટેન્ડિંગમાં 195માં સ્કોર કર્યો હતો. આ સાથે જ પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત માટે સ્વપ્નિલે બ્રોન્ઝ જીત્યો હતો. આ ઈવેન્ટમાં આ ભારતનો ત્રીજો બ્રોન્ઝ મેડલ છે. આ અગાઉ વુમન્સ શૂટિંગમાં મનુ ભાકર બે બ્રોન્ઝ જીતી ચૂકી છે.
સ્વપ્નિલ એમ.એસ. ધોનીને આદર્શ માને છે
પૂણેનો સ્વપ્નિલ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીને પોતાનો આદર્શ માને છે. આજની સ્પર્ધામાં એક સમયે સ્વપ્નિલ છઠ્ઠા ક્રમ પર ઉતરી ગયો હતો, પરંતુ દબાણમાં તૂટી જવાના બદલે મહારાષ્ટ્રના આ શૂટરે પોતાની રમત પર ફોક્સ કર્યું હતું. તેણે ધીમે ધીમે ટેલિમાં વધારો કર્યો હતો. લાંબા સમય સુધી સ્વપ્નિલ પાંચમા ક્રમ પર અટકી ગયો હતો, પરંતુ ત્યાર બાદ તે ચોથા અને છેલ્લે ત્રીજા નંબર પર પહોંચવામાં સફળ રહ્યો હતો. એક સમયે એવું લાગતું હતું કે સ્વપ્નિલ સિલ્વર કે ગોલ્ડ જીતી લેશે પરંતુ તેણે બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.