Business

સ્વામી રામકૃષ્ણ પરમહંસ

સ્વામી રામકૃષ્ણ પરમહંસને શિષ્યો પણ ઉચ્ચ કોટિના મળેલ, વેદ-પુરાણોનો શાસ્ત્રાર્થ શિષ્યો સાથે થતો અને આધ્યાત્મિક અને ભક્તિ માર્ગનું જ્ઞાન પણ પ્રદાન થતું રહેતું. તેમના પ્રિય શિષ્યોમાં સ્વામી વિવેકાનંદનું નામ ખૂબ જાણીતું છે. ઇ.સ.1886માં ગળાના કેન્સરને કારણે માત્ર 50 વર્ષની વયે રામકૃષ્ણ પરમહંસે અંતિમ વિદાય લીધી તે પહેલાં મઠાધિપતિ તરીકે સ્વામી વિવેકાનંદને નિયુકત કરેલા. રામકૃષ્ણ પરમહંસ તેમના શિષ્યોને અધ્યાત્મની ઊંચાઈએ પહોંચવા ઉદાહરણ આપીને કહેતા કે ઘરની છત પર પહોંચવા સીડી, લટકતા દોરડા કે લાંબા વાંસ જેવા અનેક રસ્તા દેખાશે. તમે કોઇ પણ માધ્યમ દ્વારા પહોંચી શકો છો પણ પસંદ તો એક જ કરો. એવી રીતે અધ્યાત્મની ઊંચાઈએ પહોંચવા અનેક રસ્તા હોઇ શકે છે પણ દૃઢ નિર્ધાર સાથે એક જ રસ્તો પકડીને દોડવા લાગો અને નિશ્ચિતરૂપે સિદ્ધિ પ્રાપ્ત કરો. જેમ જુદી જુદી વહેતી નદીઓ અંતે સમુદ્રમાં જ વિલીન થઇ જાય છે તેમ અધ્યાત્મ સિદ્ધિના અનેક રસ્તા અંતે તો ઇશ્વરપ્રાપ્તિના ધ્યેય સાથે જ ભળી જતા હોય છે.
સ્વામી વિવેકાનંદે નરેન્દ્રનાથ દત્તના મૂળ નામે માત્ર 18 વર્ષની ઉંમરે રામકૃષ્ણ પરમહંસને ગુરુ તરીકે સ્વીકારેલા. જ્ઞાની અને તીક્ષ્ણ બુદ્ધિનો પરિચય ગુરુ રામકૃષ્ણજી પામી ગયેલા એટલે તો પ્રિય શિષ્ય તરીકે સ્વામી વિવેકાનંદ નામ આપી તેના ઉત્તરાધિકારી નિમેલા. રામકૃષ્ણ પરમહંસની વિચારધારા, ભક્તિમાર્ગ, સેવાકીય પ્રવૃત્તિઓ રામકૃષ્ણજીના દેહાવસાન પછી પણ અવિરત રહે એ આશયે રામકૃષ્ણ મિશનનો પ્રારંભ કરાયેલો. ગરીબોને આર્થિક મદદ, શિક્ષણ, ભોજન અને સ્વાસ્થ્ય સહાય સાથે ધર્મનું જ્ઞાન આપવાના આશયે ઉદ્દભવેલ રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં અનેક જગ્યાએ મંદિરો, મઠ, વિદ્યાલયો, હોસ્પિટલો, વૃદ્ધાશ્રમો અને આધ્યાત્મિક કાર્યશાળાઓ બનાવાઈ છે. રામકૃષ્ણ મિશનનું સૂત્ર છે. ‘આત્માનો મોક્ષાર્થમ, જગદ હિતાય યા’ અર્થાત્ પોતાની મુક્તિ સાથે વિશ્વના કલ્યાણ માટે પણ કાર્યરત રહો. રામકૃષ્ણ મિશનને ભારત સરકાર દ્વારા 1996માં ડૉ. આંબેડકર રાષ્ટ્રિય પુરસ્કાર અને 1998માં ગાંધી શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરાયું છે.
મુંબઇ, દિલ્હી, રાજકોટ, પોરબંદર, જયપુર, હૈદરાબાદ, શ્રીનગર, ચંદીગઢ, શિમલા, વિશાખાપટ્ટનમ, ચેરાપૂંજી તથા ભોપાલ જેવા 205 જેટલાં સ્થળોએ આવેલ મંદિરો, મઠ અને સેવાકેન્દ્રોમાં પ.બંગાળના હુગલી નદીના પશ્ચિમ કિનારાના બેલુર ખાતેનો મઠ એ મુખ્ય મથક ગણાય છે. 40 એકર જમીન પર વિસ્તરિત આ મઠના કેમ્પસમાં વિદ્યામંદિર, શિલ્પમંદિર, વેદ વિદ્યાલય અને સ્વામી વિવેકાનંદ યુનિવર્સિટી પણ આવેલ છે. અહીં સર્વત્ર નિ:સ્વાર્થ સેવાને કર્મયોગ માનવામાં આવે છે. તો કલકત્તાનું દક્ષિણેશ્વરનું કાલી મંદિર એક ઐતિહાસિક મંદિર છે. રામકૃષ્ણ પરમહંસ અને શારદાબાઈના આધ્યાત્મિક જીવન સાથે જોડાયેલ આ કાલીમંદિર 1855માં જાનબજારની રાણી રાસમણિ દ્વારા બનાવવામાં આવેલ છે. 25 એકર જમીનના વિસ્તારમાં આવેલું આ મંદિર પ્રત્યેક સનાતનીઓ માટેનું એક યાત્રાસ્થળ છે. કલકત્તા જનાર પ્રત્યેક શ્રદ્ધાળુ કાલીમંદિરે દર્શન કરવા અચૂક જાય છે. આશરે 200 વર્ષ પૂર્વે દેશની ધરતી પર પ્રકટેલા સ્વામી રામકૃષ્ણ પરમહંસનું જીવન, વિચારધારા આજે પણ આપણા સૌ માટે પ્રેરણાદાયક રહ્યાં છે. તેમની જન્મજયંતીના અવસરે શત શત વંદન.

સંસ્કૃતિ દર્શન – સનતભાઈ

Most Popular

To Top