૧૮૮૭માં વઢવાણ નજીકનાં એક ગામે જન્મેલ સ્વામી આનંદ (મૂળ નામ: હિંમતલાલ દવે) એ નાની વયે ગૃહત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો. પરંતુ જ્વલંત પ્રતિભાના ધણી અને અઠંગ અભ્યાસુ વૃતિ ધરાવતા સ્વામીજીએ ફક્ત સામાન્ય સંન્યાસી ન બની રહેતાં પશ્ચિમના આધુનિક ચિંતકોના લખાણો તેમજ વિજ્ઞાન/સાહસ કથાઓ; ધર્મો અને ધાર્મિક સાહિત્ય; નાગરિક અને સમાજજીવન; ઈ.નો વિશદ અભ્યાસ કર્યો હતો. તેઓ બહુભાષી વિશારદ હતા. તેમણે સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાય જેલવાસ ભોગવ્યો હતો અને ગાંધીજીના સહાયક તરીકે રહી ‘નવજીવન’ તેમજ ‘યંગ ઇન્ડિયા’નું સંપાદન કાર્ય કર્યું હતું.
અનેક સામાજિક પ્રવૃતિઓ ઉપરાંત સ્વામીજીએ તેમની રોચક અને બળકટ લેખનશૈલીમાં સ્મરણકથાઓ, આત્મચરિત્રો, રેખાચિત્રો, પ્રવાસકથાઓ, ચિંતનાત્મક લેખો; ઈ.ની મનભાવન રચના કરી છે. હાલમાં સ્વામીજીના કેટલાક ચિંતનાત્મક લેખો સમાવતા પુસ્તક ‘ચિંતનપરાગ’માંથી પસાર થવાનું બન્યું. આ પુસ્તકના એક પ્રકરણમાં સ્વામીજીએ, વિનોબાજીના નાના ભાઈ અને પંડિત શિવાજીરાવ ભાવે સાથે ભેગા બેસીને મરાઠી અને ગુજરાતીમાં રચેલ લોકગીતાને સમાવવામાં આવેલું છે. મહાન ગ્રંથ ભગવદ્ ગીતાના સાર દોહનરૂપ આઠ દસ પાનામાં રસાળ અને લોકભોગ્ય શૈલીમાં રચાયેલ આ લોકગીતા જો હાઈસ્કૂલના કોઈ પાઠ્યક્રમમાં સમાવવામાં આવે તો હાલની પેઢીમાં તાત્વિક જ્ઞાન તેમજ જીવનમૂલ્યોનું આરોપણ કરી શકાય.
છાપરા રોડ, નવસારી – કમલેશ આર. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.