Comments

સ્વદેશી માત્ર રાજકીય સૂત્રોચ્ચાર ના કરતાં તેનો વ્યાપક વિચાર કરવો રહ્યો

“વ્યક્તિને મારી શકાય છે પણ વિચારને મારી શકાતો નથી.” આ વાત સતત સાબિત થતી રહે છે. આ ગાંધી જયંતીએ ગાંધીજીનો સ્વદેશીનો ખ્યાલ વધુ વ્યાપક રીતે આપણી સામે આવ્યો છે. હાલ ભલે તે રાજકીય સૂત્રોચ્ચારમાં મહત્ત્વ ધરાવતો હોય પણ આ વિચાર વ્યાપક અને આંતર રાષ્ટ્રીય વ્યાપારની  મજબૂત ભૂમિકા રજૂ કરે છે.સ્વદેશી આંદોલનોનો ઈતિહાસ જૂનો છે. 1905 માં બંગાળના ભાગલા સમયે સ્વદેશી ચળવળ શરૂ થયેલી. જો કે તે વખતે વિદેશી વસ્તુઓના બહિષ્કારમાં માત્ર બ્રિટનથી આવતી વસ્તુઓનો બહિષ્કાર જ થયો હતો. ગાંધીજીના કોન્ગ્રેસમાં જોડાયા પછી સ્વદેશી આંદોલનમાં વિદેશી વસ્તુનો વ્યાપક બહિષ્કાર કરવાની વાત આવી. 1915 પછી સ્વદેશી ચળવળ વ્યાપક બનવા પામી.

દક્ષિણ આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજી જ્યારે સ્વતંત્રતાના આંદોલનમાં જોડવા માંગતા હતા ત્યારે તેમના રાજકીય ગુરુ ગોખલેજીએ તેમને પ્રથમ ભારતભ્રમણ કરવા કહ્યું. ભારતભ્રમણ કરતાં ગાંધીજીએ ભારતની દારુણ ગરીબી જોઈ. એક જ વસ્ત્ર પહેરનારા દેશનાં ગરીબ બાંધવોને જોઈ તેમનું હ્રદય દ્રવી ઊઠ્યું  અને પોતાનું તન ઢાંકવા પૂરતું ચાર મીટર કાપડ તે જાતે મેળવે તેવો સ્વાશ્રયી ઉપક્રમ તેમણે ખાદીના સ્વરૂપમાં શોધ્યો. ગાંધીજીએ લખ્યું છે કે “મને રેંટિયો મળ્યો.”- આ વાક્ય ઉપાય મળ્યોનો પર્યાય છે.

ગાંધીજી લખે છે કે “ખાદી એ વસ્ત્ર નથી, વિચાર છે!”  આ આત્મનિર્ભરતાનો વિચાર છે. પરાવલંબનમાંથી મુક્તિનો વિચાર છે. આધુનિક યુગમાં આર્થિક સ્વાવલંબન વગર રાજકીય સ્વતન્ત્રતા ટકવાની નથી એ વાત ગાંધીજી સ્પષ્ટ રીતે સમજી ગયા હતા. માટે જ આત્મનિર્ભર થવું તે સ્વતંત્ર ભારતની પ્રથમ શરત હતી. આજે જ્યારે ટ્રમ્પના ટેરીફ અને વિઝા ફી ની ચર્ચા ચારે તરફ થાય છે ત્યારે આઝાદીનાં પંચોતેર વર્ષ ઉજવનાર ભારત ટેકનોલોજીમાં સમ્પૂર્ણ પરાવલંબી છે તેની ચર્ચા થવી જોઈએ. હમણાં જ કેટલાંક આતંકી તત્ત્વોએ દરિયામાં આવતા ઈન્ટરનેટના વાયરો કાપી નાખ્યા ત્યારે થોડાક વિસ્તારોમાં નેટ ઠપ્પ થયું પણ એ ભવિષ્યની મોટી આફત માટે અત્યારથી જ સાવચેત થવા જગાડનારું  છે.

જો આપણે બેંકથી માંડીને એરલાઈન્સ સુધીની સર્વિસ ઇન્ટરનેટથી આપીએ છીએ તો એ માટે આપની પાસે સોફ્ટવેર કે તેની સ્વદેશી કંપનીઓ ક્યાં છે? માઈક્રોસોફટની અડધી દુનિયા ગુલામ છે. આપણે આ વ્યવસ્થાઓ વિકસાવવી પડશે. આજે નહીં તો કાલે ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું પડશે. સ્વદેશીનો ખ્યાલ વ્યાપક રીતે વિચારીએ તો ભાષા,નીતિ,વ્યવસ્થાઓ બધું જ સ્વદેશી હોય તો? એવા પ્રશ્નો ઊભા કરવા પડે. આપણે આર્થિક નીતિઓ, શિક્ષણ નીતિઓ, સમાજજીવનના કાયદાઓ, પહેરવેશ બધામાં માનસિક ગુલામી ચાલુ રાખી નાની નાની બે વસ્તુ સ્વદેશી ખરીદવા માંગતા હોઈએ તો તેનો કોઈ અર્થ નથી.

યુરોપની શિક્ષણ નીતિ ૧૪૦ કરોડના દેશમાં કેવી રીતે લાગુ પાડી શકાય? ૪૫ ડીગ્રી ટેમ્પરેચરના દેશમાં કોટ, પેન્ટમાંથી મુક્તિ મળી શકે? ગાંધીજી જ્યારે સ્વદેશીની વાત કરતા ત્યારે તે માતૃભાષામાં વ્યવહારથી માંડી બુનિયાદી કેળવણી સુધીની વાત કરતા હતા. હિન્દ સ્વરાજ્ય નામના તેમના પુસ્તકમાં તેમને સ્વદેશીનો ખ્યાલ વિસ્તૃત રીતે સમજાવ્યો છે. અંગ્રેજો અન્તે તો વેપારીઓ હતા અને વેપારીઓને હારવાનો શ્રેષ્ઠ ઉપાય માંગ છોડી દેવી તે છે. ભારતને બજાર તરીકે જોતાં તમામ દેશોને ગ્રાહક તરીકે આપની તાકાત ત્યારે જ દેખાય, જ્યારે આપણે તેમની માંગ ત્યજી શકીએ! ગાંધીજી અંગ્રેજોને હરાવવા માંગતા હતા. આર્થિક પાંગળાં બનાવવા માંગતા હતા અને માટે તેમણે સ્વદેશીનો નારો લડતના ભાગ તરીકે આપ્યો હતો.

જો આર્થિક વ્યવહારોની રીતે જોઈએ તો સ્વદેશી તે ગ્રાહક બાજુ છે અને આત્મનિર્ભરતા તે ઉત્પાદક બાજુ છે. વળી વિરોધ કરીએ ત્યારે વિકલ્પ હોવો જોઈએ. વિકલ્પ વગરનો વિરોધ પાંગળો પુરવાર થાય. જ્યારે આપણે વિદેશી વસ્તુનો વિરોધ કરીએ ત્યારે આપની પાસે વિકલ્પ પણ હોવો જોઈએ અને માટે સ્વદેશી તે વિકલ્પની વાત છે. આજે ભલે રાજકીય રીતે સ્વદેશી ચળવળ ફરી યાદ કરવામાં આવી હોય પણ તે આપનાં ઉત્પાદનો માટે આપની ઓળખાણ માટે, એક નિસ્બત માટે અપનાવવી જરૂરી છે. જ્યાં વિકલ્પ નથી ત્યાં ભલે વિદેશી વસ્તુ વાપરીએ પણ જ્યાં વિકલ્પ છે અને તે પણ સારી ગુણવત્તાવાળો તો ત્યાં શા માટે વિદેશી વસ્તુ વાપરવી? બસ આટલી વિવેકબુદ્ધિ વાપરીએ તો સ્વદેશી ચળવળ ધાર્યાં પરિણામ લાવે.  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top