Comments

પહેલો સબક

લૉ કોલેજનો પહેલો દિવસ હતો. પ્રોફેસર આવ્યા. મોઢા પરથી જ એકદમ કડક દેખાતા હતા. ક્લાસમાં આવીને તેમણે બધાની સામે જોયું અને અચાનક જ એકદમ ગુસ્સાથી બીજી બેંચ પર લાલ જેકેટ પહેરીને બેઠેલી છોકરીને કહ્યું, ‘‘લાલ જેકેટમાં બેઠેલી છોકરી, તું હમણાં ને હમણાં મારા ક્લાસની બહાર નીકળી જા અને આજ પછી ક્યારેય મારા ક્લાસમાં આવતી નહીં.’’ પ્રોફેસરનો ગુસ્સો જોઈને બધા જ હેબતાઈ ગયાં અને પેલી છોકરીની આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, ‘‘ શું થયું સર? મેં શું કર્યું?’’ પ્રોફેસરે વધારે ગુસ્સાથી કહ્યું, ‘‘ હમણાં ને હમણાં બહાર નીકળ મારા ક્લાસમાંથી.’’ પેલી છોકરી રડતાં રડતાં ક્લાસની બહાર જતી રહી.

બધાં વિદ્યાર્થીઓ ડરી ગયાં. કોઈ કંઈ બોલ્યું નહીં. હવે પ્રોફેસર બોલ્યા, ‘‘ આજે હું તમને સૌથી મહત્ત્વનું લેક્ચર આપવા માટે આવ્યો છું. તમે મને કહો કે કાયદો શેને માટે બનાવવામાં આવે છે?’’ જુદા જુદા જવાબ આવ્યા. સમાજમાં વ્યવસ્થા જાળવવા માટે, બધાના અધિકારોને જાળવવા માટે, બીજાને મદદ કરવા માટે, ગવર્નમેન્ટને બરાબર કામ ચલાવવા માટે. એક છોકરાએ કહ્યું, ‘‘ જેને જરૂર હોય તેને ન્યાય મેળવી આપવા માટે કાયદા બનાવવામાં આવે છે.’’ 

પ્રોફેસરે કહ્યું, ‘‘ બરાબર, ન્યાય માટે કાયદાનું નિર્માણ થાય છે.’’ પ્રોફેસરે લાલ જેકેટવાળી છોકરીને અંદર બોલાવી અને પછી પૂછ્યું, ‘‘મેં હમણાં જ તમારી આ ક્લાસમેટ પર ગુસ્સો કરીને તેને વર્ગની બહાર કાઢી મૂકી તે શું મેં બરાબર કર્યું?’’ ઘણાંનાં ડોકાં નકારમાં હલ્યાં ખરાં. પ્રોફેસર બોલ્યા, ‘‘મેં બરાબર નથી કર્યું. મેં તેની સાથે અન્યાય કર્યો પણ હવે મારો પ્રશ્ન છે કે મેં તેની સાથે અન્યાય કર્યો તો તમારામાંથી કોઈએ મને અટકાવ્યો કેમ નહીં?’’  પ્રોફેસરનો સવાલ સાંભળીને બધા ચૂપ થઈ ગયાં.

પ્રોફેસર બોલ્યા, ‘ આજના લેક્ચરનો આ પહેલો સબક છે યાદ રાખજો. તમે લોકો ડરી ગયાં હતાં. મારાથી ડરો છો એટલે કંઈ ન બોલ્યા? ના, તમે લોકો એટલે કંઈ ના બોલ્યાં કે મેં તમારી સાથે ખરાબ વર્તન કર્યું ન હતું. તમને અન્યાય થતો ન હતો. તમારા પર મારા વર્તનની કોઈ અસર ન હતી એટલે તમે ચૂપ રહ્યાં. પણ જો આવું તમે જીવનમાં ક્યારેય આજ પછી નહીં કરતાં.

જો અન્ય સાથે થતા અન્યાય સામે તમે લડવા આગળ નહીં આવો, લડત નહીં લડો તો બે વસ્તુ થશે, જ્યારે તમારી સાથે અન્યાય થતો હશે ત્યારે કોઈ તમારે માટે લડવા પણ આગળ નહીં આવે અને સમાજમાં થતા અન્યાય સામે મારી સાથે તો નથી થતો ને અન્યાય એવી વિચારસરણી સાથે જો તમે ચૂપ રહેતાં શીખી જશો તો જ્યારે તમારી સાથે અન્યાય થશે ત્યારે પણ તમે અવાજ ઉઠાવવાનું ભૂલી જશો. તો આજથી જ નક્કી કરો કે જ્યાં જેની પણ સાથે અન્યાય થતો હશે તમે તમારાથી બનતી મદદ અચૂક કરશો. તે અટકાવવા માટે અવાજ અચૂક ઉઠાવશો. પ્રોફેસરે પહેલા જ દિવસે પહેલા જ લેક્ચરમાં એકદમ પાયાનું જ્ઞાન આપ્યું.    
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top