સુરત: આજે સુરત રેલવે પોલીસે (Surat Railway Police) રેલવેની પાર્સલ (Parcel) ઓફિસમાંથી શંકાસ્પદ માંસ (Meat) પકડ્યું છે. 20 પાર્સલમાં 1600 કિલો શંકાસ્પદ માંસ રેલવે પોલીસને મળી આવ્યું છે. આ માંસ મુંબઈથી (Mumbai) આવ્યું હતું. માંસ કયા પશુનું છે તેની તપાસ અર્થે માંસના સેમ્પલ એફએસએલમાં (FSL) મોકલી આપવામાં આવ્યા છે.
- મુંબઈથી કર્ણાવતી એક્સપ્રેસમાં 1600 કિલો શંકાસ્પદ માંસ પાર્સલમાં સુરત આવ્યું
- પહેલીવાર માંસ રેલવે પાર્સલમાં આવતા અધિકારીઓને શંકા ગઈ
- માંસના સેમ્પલ ફોરેન્સિકમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 27મી માર્ચે મુંબઈથી ઉપડેલી કર્ણાવતી એક્સપ્રેસ (Karnavati Express) સુરત રેલવે સ્ટેશને આવી હતી. આ ટ્રેનમાંથી કેટલાંક પાર્સલ મુંબઈ સેન્ટ્રલથી (Mumbai Central) ચઢાવાયા હતા. આ પાર્સલ સુરત રેલવે સ્ટેશન પર ઉતારવા માટે બુક કરાયા હતા. કર્ણાવટી એક્સપ્રેસ સુરત આવતા અંદાજે 20 પાર્સલ પ્લેટફોર્મ પર ઉતારાયા હતા.
પ્લેટફોર્મ પર કોમર્શિયલ ઈન્સ્પેક્ટર ગણેશ જાધવ અને ડેપ્યુટી કોમર્શિયલ ઈન્સ્પેક્ટર આનંદ શર્મા ત્યાં હાજર હતા. તેઓને પાર્સલમાં શંકાસ્પદ વસ્તુ જણાઈ આવી હતી. તેથી તાત્કાલિક તમામ પાર્સલને ઓફિસ લઈ પ્રાથમિક તપાસ કરી હતી. પાર્સલ ચેક કરતા તેમાં શંકાસ્પદ પશુનું માંસ મળી આવ્યું હતું.
કોમર્શિયલ ઈન્સ્પેક્ટર ગણેશ જાધવે આ મામલે તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી. રેલવે પોલીસે તમામ 20 પાર્સલ ચેક કર્યા હતા. તમામમાં માંસ હતું. જે અંદાજિત 1600 કિલો હતું. રેલવે પોલીસે માંસના સેમ્પલ તપાસ અર્થે FSLમાં મોકલી આપ્યા હતા.
FSLનો રિપોર્ટ આવ્યા બાદ માંસ કયા પશુનું હતું તે હકીકત સામે આવશે. ત્યાર બાદ રેલવે પોલીસ કાર્યવાહી આગળ વધારશે. હાલ રેલવે પોલીસે માંસ કબજામાં રાખ્યું છે. વધુમાં એવી વિગત બહાર આવી છે કે આ માંસ મુંબઈથી દિલાવર નામના ઈસમે મોકલાવ્યું હતું, જે સુરતના ઐયુબ અને રસુલના નામે બુક થયું હતું.
નોંધનીય છે કે, રેલવેના પાર્સલમાં સામાન્ય રીતે માછલી જેવું ફ્રોઝન ફૂડ આવતું હોય છે. આ ફ્રોઝન વસ્તુઓ કયારેય મુંબઈથી આવતી નથી. પહેલી વખત મુંબઈથી પશુનું શંકાસ્પદ માંસ રેલવેના પાર્સલ મારફતે સુરત મોકલાવાયું છે.