વલસાડઃ જાફરાબાદ બંદર નજીક એક શંકાસ્પદ બોટ જોવા મળતાં કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ હતી. તેમણે હેલીકોપ્ટરમાંથી તેનું ચેકિંગ હાથ ધર્યું હતું. ગઈકાલે રવિવારે દેખાયેલી રવિ નામની આ બોટ આજ રોજ ડુંગરી નજીક દરિયા કિનારે આવી જતાં વલસાડ એસઓજીએ તેની તપાસ કરી હતી. ત્યારે આ બોટ વલસાડ જિલ્લાની જ હોવાનું જાણવા મળ્યું હતું. જેઓ રિપેરીંગ માટે વેરાવળ જતા હતા. જોકે, બોટ વધુ બગડતાં તેઓ પરત થયા હતા.
- બોટ રિપેરીંગ માટે વેરાવળ જતા હતા, વધુ બગડતા ધુમાડો નિકળ્યો હતો
- પરવાનગી અને ટોકન વિના બોટ લઇ નિકળતાં કોસ્ટગાર્ડ અને પોલીસ દોડતી થઇ
રાજ્યના જાફરાબાદ દરિયામાં 20 નોટિકલ માઇલ એક અજાણી બોટ જોવા મળતાં ત્યાંના માછીમારોએ આ બોટ અંગે શંકા વ્યક્ત કરી તેની જાણ તેમના એસોસિએશનના પ્રમુખને કરી હતી. જેમણે તેની જાણ કોસ્ટગાર્ડને કરી હતી. ત્યારે કોસ્ટગાર્ડે હેલિકોપ્ટર દ્વારા તેની તપાસ કરી હતી. આ બોટ દમણના દરિયાથી વલસાડ જિલ્લાના ડુંગરી ખાતે આજે આવી ગઇ હતી. કિનારે આવતા વલસાડ એસઓજીએ આ બોટમાં સવાર બે વ્યક્તિઓની પુછતાછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રવિ નામની આ બોટ વેરાવળ રિપેરીંગ માટે જતી હતી. જોકે, રસ્તામાં તે વધુ બગડતાં પરત થઇ રહી હતી. તેમણે પરવાનગી લઇ ટોકન લીધું હોય આ ગેરસમજ થઇ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે. હાલ એસઓજીની ટીમે બોટમાં સવાર યુવાનોની પુછપરછ હાથ ધરી છે. તેમજ જરૂર લાગે તો તેની વિરૂદ્ધ કાર્યવાહી કરશે એવું પણ જણાવ્યું છે.