સુરત : આરએનસી એન્ટરપ્રાઇઝ અને એડીએસ કલ્ચરના પ્રોપાઇટરોની અંદાજે દસ કરતાં વધારે લોકોએ કરેલી પ્રિપ્લાન છેતરપિંડીથી કાપડ બજાર ચોંકી ગયું છે. તેમાં કાપડ બજારમાં હાલમાં કાગળ પર ફરિયાદ અંદાજે વીસ કરોડની આસપાસ બોલાઇ રહી છે. વાસ્તવમાં આ ફરિયાદ સવાસો કરોડની પાર હોવાની વિગત કાપડ બજારમાં છેડાઇ છે. સવાસો કરોડની છેતરપિંડીને કારણે કાપડ બજારને મરણતોલ ફટકો પડ્યો છે. અલબત્ત, પોલીસ દ્વારા હવે તમામ ફરિયાદો લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. કાપડ બજારમાં હાલમાં બસો જેટલી પેઢીઓ ઓન રેકર્ડ ફરિયાદ કરી છે. વાસ્તવમાં આ વેપારી પેઢીનો આંકડો એક હજાર કરતાં વધારે હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- કાપડ બજારમાં સવાસો કરોડની છેતરપિંડીની આશંકા
- ઇકોનોમી સેલને મળી મોટી સફળતા, ગ્લોબલ માર્કેટમાંથી આઠથી દસ કરોડનો માલ કબજે કરી લીધો
- એક કૌભાંડી મહાવીર ટાપરિયાને પોલીસે પકડી પાડ્યો
પોલીસને આ કિસ્સામાં રવિવારના રોજ મોટી સફળતા મળી છે. તેમાં દલાલ મહાવીર ટાપરિયાની ધરપકડ કરવામાં આવી છે અને ગ્લોબલ માર્કેટના ગોડાઉનમાંથી અંદાજે આઠથી દસ કરોડનો માલ સીઝ કરી દેવાયો છે. ઇકોનોમી સેલને મોટી સફળતા આ કિસ્સામાં મળી છે. આ આંકડો હાલમાં ભલે સવાસો કરોડ હોય પરંતુ વાસ્તવમાં આ આંકડો હજુ બેથી ચારગણો વધવાની પણ શક્યતા ચર્ચાઇ રહી છે. સરવાળે સેંકડો વેપારીઓએ તેમના પરસેવાની મૂડીઓ ગુમાવવાની નોબત આવી છે. એકમાં દીક્ષિત બેઠો અને આરસીએનમાં સ્મિત કાગળ પર માલિક બનીને બેઠા હતા. આ મામલે સ્મિતે તેના સગા જગન છાટબારનું જીએસટી વાપર્યુ છે.
આ છે કૌભાંડીઓ
પ્રિપ્લાન સવાસો કરોડ કરતાં વધારેનું કૌભાંડ કરનારા ચીટરોમાં દીક્ષિત બાબુ મિયાણી તથા અનશ ઇકબાલ મોતીયાણી અને મહાવીર પ્રસાદ ટાપરિયા, સ્મિત ચંદ્રકેતુ છાટબાર, જનક દીપક છાટબાર, અનશ ઇકબાલ મોતીયાણી તથા અજીમ સન ઓફ અલ્લાખા પેનવાલા જેવા દલાલોએ એક લાખ પગાર લઇને રવિ જેઠુભા અને અશ્વિન જેઠુભાના ઇશારે છેતરપિંડી કરી હોવાની વિગત જાણવા મળી છે.
આ હતો પ્લાન
આ કિસ્સામાં મળતિયાઓએ ભેગા મળી આરએનસી એન્ટરપ્રાઇઝ જેવી સંખ્યાબંધ પેઢીઓ કાગળ પર ઊભી કરી ફ્રોડ જીએસટી નંબર મેળવ્યા હતા. કાપડ બજારમાં અલગ અલગ વેપારીઓ પાસેથી કુલ 3.95 કરોડ અને અન્ય એક ફરિયાદમાં 17 કરોડના ગ્રેની ખરીદી કરવામાં આવી હતી. આ ગ્રેની ખરીદી કરી વેપારીઓને નવડાવ્યા હતા. આ ઉપરાંત આ માલ અત્યંત નીચા દરે સ્થાનિક બજારમાં વેચી મારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઇ છે. આ બિલો રવિ જેઠુભા ગોહિલ અને અશ્વિન જેઠુભા ગોહિલ દ્વારા બોગસ બિલ બનાવી બારોબાર રોકડી કરી ગ્લોબલ માર્કેટની પેઢીને તાળાં મારી દઇ ચીટરો પોબારા ભણી ગયા હતા.
કૌભાંડીઓએ એક લાખ રૂપિયાનો પગાર આપી બ્રોકરો આપ્યા
આ કિસ્સામાં જે બ્રોકરોએ કાપડ બજારમાં રેફરન્સ આપ્યો એ તમામ બ્રોકરોને એક લાખ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. આ આખા કિસ્સામાં સલાબતપુરા પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત આ માલ સસ્તા દરે સ્થાનિક બજારમાં જ વેચી મારીને રોકડી કરવામાં આવી છે. આ તમામ કૌભાંડીઓ મૂળ સુરતના છે. તેઓએ દોઢ વર્ષ પહેલા દુકાન ખોલી હતી. ત્યારબાદ તેઓએ દુકાન ખોલ્યા બાદ છેલ્લા છ મહિનામાં આખી છેતરપિંડી પ્રિપ્લાન બહાર પાડી હોવાની વિગત જાણવા મળી છે.
શું કહે છે પોલીસ?
આ કિસ્સામાં પીઆઇ બલોચે જણાવ્યું કે, હાલમાં તેઓ ગ્લોબલ માર્કેટનાં ગોડાઉન તપાસી રહ્યાં છે, તેમાંથી તેઓને કરોડો રૂપિયાનો માલ મળ્યો છે. તેની ગણતરી હાલમાં ચાલુ છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓ ટૂંક સમયમાં પકડાઇ જશે.