ગાંધીનગર: લોકસભાના કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું (Rahul Gandhi) સભ્ય પદ રદ કરવાના મામલે સોમવારે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોએ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. વેલ ઓફ ધી હાઉસમાં આવી ગયેલા કોંગ્રેસના સભ્યોને ટિંગાટોળી કરીને ગૃહની બહાર લઈ જવાયા હતાં. સોમવારે કોંગ્રેસના સભ્યોએ ગૃહની અંદર કાળા વસ્ત્રો પહેરીને રાહુલ ગાંધીના સસ્પેન્શન મામલે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એટલું જ નહીં, અદાણી ગ્રુપમાં થયેલા રોકાણોના મામલે સંયુકત્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માંગણી કરાઈ હતી. વિધાનસભા ગૃહની બહાર કોંગ્રેસના સભ્યો દ્વારા ‘મોદી- અદાણી ભાઈ ભાઈ, સાથ મિલકર ખાઈ મલાઈ’, ‘56 ઈંચની કાયરતા સાથે અદાણીની દલાલી’ , ‘ગોરા અંગ્રેજોએ 23મી માર્ચે ભગતસિંહને સજા કરી, નવા અંગ્રેજોએ રાહુલ ગાંધીને 23મી માર્ચે સસ્પેન્ડ કર્યા’, ‘હર જોર જુલમ કી ટક્કર પે સંઘર્ષ હમારા નારા હૈ ’, ‘કલ લડે થે ગોરો સે, આજ લડેગેં ચોરોસે’, તેવા સૂત્રોના પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કરાયું હતું.
વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના સભ્યો દ્વારા કાળા વસ્ત્રો પહેરીને આવતા તે મુદ્દે અધ્યક્ષ શંકર ચૌધરીએ ટકોર પણ કરી હતી. જો કે, પ્રશ્નોત્તરી આગળ વધતાં કોંગીના સભ્યો બોલવા ઊભા થતાં અધ્યક્ષે તેમને રોકયા હતા. તે પછી કોંગીના સભ્યોએ પ્લે કાર્ડ દર્શાવીને દેખાવો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતાં. કોંગીના સભ્યો આટલેથી અટક્યા ન હતાં અને વેલ ઓફ ધી હાઉસમાં ધસી ગયા હતાં. અધ્યક્ષે તેમને ફરીથી વિરોધ પ્રદર્શન નહીં કરવા કહ્યું હતું. અલબત્ત, કોંગીના સભ્યો દ્વારા પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખતા અધ્યક્ષ શંકર ચૌધરીએ વેલમાં ધસી આવેલા મામ કોંગી સભ્યોને નેમ કરીને તેઓની સામે પગલા લેવાની ચેતવણી પણ આપી હતી , તેમ છતાં હોબાળો ચાલુ રહેતા અધ્યક્ષે કોંગીના સભ્યોને આજના દિવસ પુરતા ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી હતી.
અધ્યક્ષની જાહેરાત બાદ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે એવી દરખાસ્ત રજૂ કરી હતી કે, કોંગીના સભ્યોએ ગૃહનું તથા અધ્યક્ષનું પણ અપમાન કર્યુ હોવાથી તેઓને આજના દિવસ પૂરતા નહીં પરંતુ સમગ્ર સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવા જોઈએ, સિનિયર મંત્રી બલવંતસિંહ રાજપૂત તથા રાઘવજી પટેલે આ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. જેના પગલે નેમ કરાયેલા તમામ કોંગીના સભ્યો બજેટ સત્ર સમાપ્તિ સુધી ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરાયા હતાં.
ભાજપ સરકાર તાનાશાહી કરી રહી છે- ચાવડા
વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવા મુદ્દે વિપક્ષના નેતા અમિત ચાવડાએ ગૃહની બહાર મીડિયા સાથેની વાતચીત કરતાં કહ્યું હતું કે, કોઇ કાયદો હોવા નહીં હોવા છતાં વિપક્ષનું પદ અપાયું નથી. પહેલાં માહિતી ૧૦ વર્ષની મળતી હતી હવે માત્ર ૨ વર્ષથી વધારાની માહિતી અપાતી નથી . કેટલાક વિભાગમાં માહિતી અધિકારનો કાયદો નથી લાગુ પડતો જ નથી. બંધારણીય સંસ્થામાં વિપક્ષને બોલવા ન દેવા, ધારાસભામાં કોંગ્રેસને માત્ર ૧૪ મિનિટ બોલવુ તે દર્શાવે છે કે કોઇએ કંઇ બોલવાનું જ નહીં. જિગ્નેશ મેવાણી પર કેમ કેસ થયા ? હાર્દિક પટેલ કેમ ભાજપમાં ગયો ? બધા કેસ સમાપ્ત થઈ ગયા અને હાર્દિક પટેલ પવિત્ર થઈ ગયો છે. સુરતની હકીકત પણ આવનારા દિવસોમાં સામે આવશે. ભાજપની સરકાર તાનાશાહી કરી રહી છે. કોંગ્રેસ વિરોધ કરે એ ભાજપને પોષાતું નથી.