કેરળ: કેરળના (Kerala) થ્રિસુરમાં મંકીપોક્સના (MonkeyPox) શંકાસ્પદ દર્દીનું (Patient) મોત (Death) નિપજ્યું છે જેને લઈને ડોક્ટર સહિત તંત્રની ચિંતામાં વધારો થયો છે. 22 વર્ષીય યુવકના મોત બાદ તેનો રિપોર્ટ (Report) સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર મૃત દર્દીના રિપોર્ટમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. ત્યાર બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર શનિવારે કેરળના ત્રિશૂરમાં એક 22 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મૃતકમાં મંકીપોક્સના લક્ષણો હોવાનું જાણવા મળ્યું હતું અને તે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાતની મુસાફરી કરીને ભારત પરત ફર્યો હતો. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે 21 જુલાઈએ યુએઈથી પરત ફર્યા બાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવા પાછળનું કારણ શું હતું તેની તપાસ કરવામાં આવશે.
ભારતમાં આવવા પહેલા જ થઈ હતી મંકીપોક્સની પુષ્ટિ
ભારત આવતા પહેલા યુવકનું યુએઈમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તેને મંકીપોક્સ હોવાની પુષ્ટિ થઈ હતી. યુવક 22 જુલાઈએ ભારત પહોંચ્યો હતો. તેમને 27 જુલાઈના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે યુવકના મોત બાદ તેના પરિવારજનોએ યુએઈમાં કરાયેલી તપાસનો રિપોર્ટ હોસ્પિટલને સુપરત કર્યો હતો,ત્યાર બાદ ડોક્ટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ચોંકી ગયા હતા. અને ત્યાર બાદ ફરી યુવકના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
20 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યું
શિક્ષણ અને આરોગ્ય સ્થાયી સમિતિના સભ્ય રેંજીનિએ જણાવ્યું હતું કે મૃતક પરિવારના સભ્યો અને કેટલાક મિત્રો સહિત 10 લોકોના સીધા સંપર્કમાં હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ વાત નથી. દરમિયાન, પુનયુર ગ્રામ પંચાયતના સભ્યોએ મંકીપોક્સથી સંક્રમિત યુવકના મૃત્યુ પછી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી.
આ લક્ષણો હોય છે મંકીપોક્સના
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, મંકીપોક્સના લક્ષણો 6 થી 13 દિવસમાં દેખાવા લાગે છે. જોકે કેટલીકવાર તેમાં 5 થી 21 દિવસનો સમય લાગી શકે છે. જો ચેપ લાગે છે, તો આગામી 5 દિવસમાં તાવ, માથાનો દુખાવો, થાક અને પીઠનો દુખાવો જેવા લક્ષણો દેખાય છે. તાવના ત્રણ દિવસમાં ત્વચા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે. મંકીપોક્સ ભલે કોરોનાની જેમ ફેલાઈ રહ્યો હોય પરંતુ તે કોવિડ જેટલો જીવલેણ નથી. જો તમને મંકીપોક્સના લક્ષણો દેખાય તો ગભરાશો નહીં. લક્ષણો પરથી મંકીપોક્સની સ્થિતિ સમજો અને સારવાર લો.