દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ બાદ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ઠેરઠેર તપાસ ચાલી રહી છે, ત્યારે આજે ગુરુવારે જુનાગઢ એસઓજીએ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીને પકડ્યા છે. આ બંને કાશ્મીરી માંગરોળની મદ્રેસામાંથી ફાળો ઉઘરાવતા હતા. દરમિયાન ઉના તાલુકાના નવાબંદરમાં ત્રણ કાશ્મીરીની પૂછપરછ હાથ ધરી છે.
એસઓજીએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના વતની બે લોકો જુનેદ અહેમદ મહમદ આઝાદ મુકરાણી (ઉં.વ.27) અને નિયાજ અહેમદ મહમદ આઝાદ મુકરાણી (ઉં.વ.20)ને પકડ્યા છે. બંને આરોપીઓ સુરનકોટ તાલુકાના ફાગલા ગામના વતની છે.
દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરમાં પોલીસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી હતી. કાશ્મીરથી આવેલા આ ઈસમો મસ્જિદમાં રોકાયા હતા. પોલીસને બાતમી મળતા પોલીસ પહોંચી ગઈ હતી. તેમની પૂછપરછમાં કોઈ શંકાસ્પદ બાબત મળી નથી.
સૂત્રોએ કહ્યું કે આ ત્રણેય કાશ્મીરીઓ ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. એસઓજી દ્વારા તેની પૂછપરછ કરાઈ હતી.
નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેબલિયાએ કહ્યું કે ત્રણ કાશ્મીરીઓની પૂછપરછ કરી છે. હાલ કશું શંકાસ્પદ મળ્યું નથી. આ બાબતે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.