સુખસર: ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામનો એક પરણિત બે બાળકોના પિતાને સંતરામપુર તાલુકાના ચીચાણી ગામની કુવારી યુવતી સાથે આંખ મળી જતા છએક માસ અગાઉ ચીચાણી ગામની યુવતીને બીજી પત્ની તરીકે રાખવાના ઈરાદાથી ઘરમાં લઈ આવ્યો હતો.ત્યારબાદ ચીચાણી તથા સાગડાપાડાની પંચોએ મળી સમાધાન કરી દંડ આપી ચીચાણી વાળી યુવતીને તેના પિતાને કબજો પરત સોંપી દેવામાં આવ્યો હતો.ત્યારબાદ ફરીથી સાગડાપાડાનો પરિણીત તથા ચીચાણી વાળી યુવતી પરત ભાગી ગયા હતા.અને છેલ્લા બે દિવસથી સાગડાપાડા ઘરે આવ્યા હતા. ત્યારે ગતરોજ પરિણીતાનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના તળ ગામ ફળિયામાં રહેતા ભારતભાઈ વરસીંગભાઇ અમલીયારના વીસ વર્ષ અગાઉ સંતરામપુર તાલુકાના જાનવડ ગામના વરસીંગભાઇ નાથાભાઈ પારગીની પુત્રી રસીલાબેન હાલ (ઉમર વર્ષ. 45) સાથે સમાજના રિવાજ મુજબ લગ્ન થયા હતા.અને તેઓને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે.
બંને સંતાનોના પણ લગ્ન થઈ ગયેલા છે.ત્યારે પતિ ભારત અમલીયારની આંખ સંતરામપુર તાલુકાના ચીચાણી ગામના વીરાભાઇ કટારાની પુત્રી શર્મિષ્ઠા સાથે આંખ મળી જતા છ માસ અગાઉ પતિ-પત્ની તરીકે રહેવાના ઇરાદાથી ભાગી ગયા હતા.ત્યારબાદ બંને ગામોની પંચોએ મળી સમાધાન કરી શર્મિષ્ઠાના પિતાએ દંડ પેટે નાણાં લઈ શર્મિષ્ઠાનો કબજો પરત મેળવી લીધો હતો.અને ત્યારબાદ ફરીથી શર્મિષ્ઠા તે ભારત અમલીયારના ઘરમાં રહેવા ભાગી આવી હતી.અને ભારત અમલીયાર તથા શર્મિષ્ઠા કોઈક જગ્યાએ ભાડે મકાન રાખી રહેતા હતા.
જ્યાંથી ગત બે દિવસ અગાઉ સાગડાપાડા ગામે ઘરે આવ્યા હતા.જેથી શર્મિષ્ઠા તથા મૃતક રસીલાબેનને મૌખિક બોલાચાલી થતા શર્મિષ્ઠાએ 181 માં ફોન કરતા રસીલાબેનને સુખસર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રસીલાબેન મોટરસાયકલ ઉપરથી પડતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પિયર પક્ષ દ્વારા રસીલાબેનને પતિ તથા પતિની બીજી પત્ની શર્મિષ્ઠા દ્વારા ત્રાસ આપતા મોટરસાયકલ ઉપરથી કુદી પડતા મોત નીપજ્યું હોવાનું જણાવી રહ્યા છે.