સુરતઃ દશેરાના પર્વની ઉજવણી કરવા સુરતી લાલાઓ આતુર હોય છે. દશેરા પર્વએ ફાફડા-જલેબીની જ્યાફત માણવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે. આ દિવસે લોકો ફાફડા-જલેબીની ધૂમ ખરીદી કરી સહપરિવાર સાથે ઉજવણી કરે છે. ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે ફરસાણના વેપારીઓ પણ અગાઉથી ઓર્ડર લેવાનું શરૂ કરી દેતા હોય છે. આજે જ્યારે દશેરાનો પર્વ છે, ત્યારે શહેરભરની ફરસાણની દુકાનો પર વહેલી સવારથી ગ્રાહકોની ખરીદી માટે ભીડ જોવા મળી હતી. ગ્રાહકોએ 400 રૂપિયા ફાફડા અને 650 રૂપિયા કિલોના ભાવે જલેબીની ખરીદી કરી હતી.
એવો અંદાજ છે કે આજે દશેરાના એક જ દિવસમાં સુરતીઓ 8 થી 10 કરોડના ફાફડા જલેબી ઝાપટી જશે. ફરસાણ વિક્રેતાઓ અને કેટરર્સને મળેલા ઓર્ડર મુજબ આ વર્ષે ફાફડા – જલેબીનું સારું વેચાણ થશે. એને લીધે શુદ્ધ ઘી ની કિલો જલેબીનો ભાવ 600 રૂપિયે પહોંચ્યો છે. જ્યારે તેલ – ઘી માં તળાયેલા ફાફડાનો ભાવ 400 થી 500 રૂપિયા પહોંચ્યો છે.
બેસન, મેંદા, તેલ, ઘી, ખાંડ અને મરી મસાલાના વધતા ભાવો અને વધી રહેલી મોંઘવારીને લીધે ફાફડા બનાવવાની સામગ્રી મોંઘી થઈ છે. તો બીજી તરફ ફાફડા બનાવવાનું કામ પણ ખૂબ મહેનત માંગી લે તેવુ છે. એને લીધે કારીગરોના પગારમાં પણ વધારો નોંધાયો છે. સરેરાશ કારીગર સિઝનમાં 800 થી 1000 રૂપિયા રોજ મેળવે છે.
અસત્ય પર સત્યનો, આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનાં પર્વ દશેરાનાં દિવસે સુરત સહિત સમગ્ર ગુજરાતી સમાજમાં દશેરાના દિવસે રાવણ દહન સાથે ફાફડા-જલેબી આરોગવાની પરંપરા ચાલતી આવી છે. દશેરાના દિવસે સવારે ચાર વાગ્યાથી ફાફડા જલેબી લેવા ફરસાણની દુકાને લાંબી કતાર લાગે છે. અગાઉથી જ ઓર્ડર આવ્યા હોય તેની ડિલિવરી થાય છે.
જલેબીની વાત છે ત્યાં સુધી દેશી ઘી ના ભાવ પણ વધી જતાં શુદ્ધ જામ ખંભાળિયા અને ડેરીનાં ઘીની કિંમત વધી છે.એને લીધે જલેબી 500થી 600 રૂપિયે કિલો વેચાઈ રહી છે. ધોરાજી સ્પેશિયલ નાયલોન ફાફડાનું વેચાણ વધુ થાય છે.એની સાથે સૌરાષ્ટ્રના વિખ્યાત વણેલા ગાંઠિયા પણ વેચાય છે.
સિલ્વર ફોઇલ બોક્સ પેકિંગમાં ફાફડા જલેબી ઓનલાઇન વેચવાનો ટ્રેન્ડ વધ્યો….
સુરતમાં નજરની સામે બનતી ગરમા-ગરમ દેશી ઘી માં બનેલી જલેબી અને નજર સામે ઉકળતા તેલ માં બનતા ફાફડા ખરીદવા પ્રથા ચાલતી આવી છે. પણ આ વર્ષે ફરસાણની દુકાનો, કેટરિંગ સર્વિસ વાળાઓએ એ ઇ કોમર્સ કંપનીઓ સાથે જોડાણ કરી ઓનલાઇન બુકિંગ પર ફાફડા જલેબીનાં પાર્સલ ઘરે બેઠા પહોંચાડવાની સર્વિસ શરૂ કરી છે.
સિલ્વર ફોઇલ બોક્સ પેકિંગમાં ફાફડા જલેબી ઓનલાઇન વેચવાનો ટ્રેન્ડ વધ્યો છે. આકર્ષક પેકિંગ અને બ્રાન્ડ નેમ સાથે ફાફડા જલેબી નું વેચાણ થઈ રહ્યું છે. આ પેકિંગ ફાફડા ,જલેબી લાંબો સમય તાજા પણ રહે છે. એર ટાઈટ કન્ટેનરમાં ફાફડા અને જલેબી બોક્સમાં વેચાઈ રહી છે .ફાફડા સાથે ચટણી અને તીખા તમતમતા મરચા અને કચુંબર પણ પાર્સલમાં આપવામાં આવે છે. 250,500 અને 1000 ગ્રામ એમ ત્રણ કેટેગરીમાં પાર્સલ સેવા ઉપલબ્ધ છે.