SURAT

8 કિ.મી.થી વધુ ઝડપે પવન ફૂંકાતા સુરતીઓને પતંગ ચગાવવાની મજા પડી, ટેરેસ પર ઉંધીયાની જલસાપાર્ટી

સુરતઃ કોરોના મહામારીના કપરા દિવસો પસાર કર્યા બાદ લગભગ બે વર્ષ પછી સુરતીઓ પોતાનો મનપસંદ તહેવાર ઉત્તરાયણ પૂરી આઝાદી સાથે આ વર્ષે મનાવવા વહેલી સવારથી જ ધાબા, ટેરેસ પર ચઢી ગયા છે. વહેલી સવારથી જ સારો પવન ફૂંકાતા સુરતીઓને પતંગ ચગાવવાની મજા પડી હતી. અંદાજે ૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. બે વર્ષ બાદ ઉત્તરાયણ મનાવવાની પૂરી આઝાદી મળી અને પવન પણ સારો હોય સુરતીઓને મન ભરીને પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.

૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા પતંગ રસિયાઓને મજા પડી
કોરોના મહામારીના લીધે પાછલા બે વર્ષ સુરતીઓ મસ્તીથી ઉત્તરાયણની ઉજવણી કરી શક્યા નહોતા. આ વર્ષે કોઈ પ્રતિબંધ નથી તેથી સુરતીઓ બરોબર છૂટ લઈ રહ્યાં છે. વળી, આ વર્ષે પવનની ઝડપ પણ સારી છે. ૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોય સુરતના પતંગ રસિયાઓને મજા પડી ગઈ છે. આ વર્ષે તો સોને પે સુહાગા જેવી સ્થિતિ છે. વીકએન્ડ પર ઉત્તરાયણ આવી હોવાના લીધે લોકો મનભરીને ઉત્તરાયણની મજા માણવા ઉત્સુક બન્યા છે. ઘણી સોસાયટી અને એપાર્ટમેન્ટમાં બે દિવસના ડાન્સ, ડીનર અને લંચ પાર્ટીના આયોજનો થઈ ગયા છે.

સવારથી ઊંધીયા ફરસાણની દુકાનો પર લાઈનો લાગી
ટેરેસ પરથી ઉતરવું જ નહીં હોય તેમ સુરતીઓ પૂરતી તૈયારી સાથે પતંગ ચગાવવા ટેરેસ પર ચઢ્યા હતા. વહેલી સવારે ઉંધીયા, ફરસાણની દુકાનો બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. રસોડાને એક દિવસનો આરામ આપીને મહિલાઓ પણ સવારથી ટેરેસ પર ચઢી ગઈ હતી. ઉંધીયું, જલેબી, ફાફડાનો આનંદ ટેરેસ પર માણ્યો હતો. ડીનર પાર્ટીના આયોજનો પણ થવા માંડ્યા હતા. ઘણી સોસાયટી અને એપાર્ટમેન્ટમાં લંચ અને ડીનરના કેટરીંગને ઓર્ડર આપી દેવાયા હતા. આ વખતે વીકએન્ડ પર ઉત્તરાયણ હોય ઘણી સોસાયટીમાં બે દિવસના ડીનર એન્ડ ડાન્સ પાર્ટીના આયોજનો થઈ ગયા હતા.

સુરતીઓની સુરક્ષા માટે સુરત પોલીસ ખડેપગે
ત્યારે ઉત્સવની ઉજવણી વચ્ચે સુરત શહેર પોલીસ પોતાની ફરજ નિભાવવા માટે રસ્તા પર તૈનાત છે. આ વર્ષે કોરોનાના નિયંત્રણોનો ભંગ કરનારાને પકડવા માટે નહીં પરંતુ સુરતીઓ દ્વારા ચગાવવામાં આવેલા પતંગ કપાઈ જાય ત્યાર બાદ હવામાં લહેરાતા દોરા કોઈ નિર્દોષના જીવનની દોર કાપી નહીં નાંખે તે માટે સુરત પોલીસ ફરજ નિભાવી રહી છે. વહેલી સવારથી જ સુરત શહેર પોલીસ ફલાય ઓવર બ્રિજના નકે ગોઠવાઈ ગઈ છે.

ખરેખર સુરત શહેર પોલીસ દ્વારા આ વર્ષે ઉત્તરાયણમાં ફલાય ઓવર બ્રિજ પર ટુવ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફલાય ઓવર પર વાહનો સ્પીડમાં દોડતા હોય ત્યારે કોઈ દોરો વચ્ચે આવે તો અકસ્માત થવાનો ભય રહેલો હોય છે, તેથી પોલીસ ટુ વ્હીલર ચાલકોને ફ્લાય ઓવર બ્રિજ પર જતા રોકી રહી છે. આ માટે સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરની સૂચનાથી પ્રત્યેક ફ્લાય ઓવર બ્રિજના છેડા પર ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે, જે ટુવ્હીલર ચાલકોએ ગળા પર સેફ્ટી ગાર્ડ પહેર્યો હોય તેઓને છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત ફોરવ્હીલર, રીક્ષા જેવા ચાર ચક્રીય વાહનોને પસાર થવા દેવામાં આવી રહ્યાં છે.

નદીના બ્રિજ ટુ વ્હીલર માટે ચાલુ રખાયા
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણમાં અકસ્માતના બનાવોને કાબુમાં રાખવાના હેતુથી ફ્લાય ઓવર બ્રિજ પર ટુ વ્હીલરના પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેનો કડકાઈથી પોલીસ કર્મીઓ અમલ કરાવી રહ્યાં છે. જોકે, આ પ્રતિબંધ માત્ર ફ્લાય ઓવર બ્રિજ પુરતો છે. નદી પરના તમામ બ્રિજને ટુ વ્હીલરની અવરજવર માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.

Most Popular

To Top