Columns

નવ દાયકાઓથી સુરતી ગ્રાહકોનો ભરોસો જીતનાર શ્રી રામભરોસે હોટેલ

સુરત મહાનગરપાલિકાના ચોકબજાર હેરીટેજ પ્રોજેકટના ચાર રસ્તે આવેલી મૂળ શ્રી રામભરોસે હોટેલ લોજીંગ એન્ડ બોર્ડિંગ હાઉસ (અત્યારની શ્રી રામભરોસે આઇસ્ક્રીમ એન્ડ કોલ્ડ્રીંકસ) પેઢી નવ દાયકાઓથી સુરતી ગ્રાહકોનો ભરોસો જાળવી રાખી આગળ વધી ગઇ છે. એક સમયે સુરતના જવાહરલાલ નહેરૂ બ્રિજની બાજુના બ્રિટીશ શાસક સર હોપના નામના હોપ પુલ પર લોકો મોર્નિંગ વોક અને ઇવનિંગ વોકમાં આવતા ત્યારે પરત થતી વખતે આ હોટેલના કાંદાના ભજીયા અને ફાફડા ચટણીની લિજ્જત માણીને જતા. એવી જ રીતે ચોક બજાર ગાંધી પ્રતિમાથી સુરત મહાનગરપાલિકાની મુગલસરાઇ કચેરીએ રાજકીય પક્ષોની રેલી નીકળતી ત્યારે પરત થતી વખતે નાસ્તોપાણી કરવા માટે રાજકીય પક્ષના કાર્યકરો અહીં રોકાતા હતા. જો કે શ્રી રામભરોસે હોટેલની નવી પેઢીએ રેસ્ટોરન્ટના વ્યવસાયમાં ઝંઝટ વધુ હોવાથી આ પેઢીને પાછળથી શ્રી રામભરોસે આઇસ્ક્રીમ, કોલ્ડ્રીંકસ અને બેવરેજીસના વેપારમાં તબદીલ કરી દીધી હતી. શ્રી રામભરોસે આઇસ્ક્રીમ એન્ડ કોલ્ડ્રીંકસના નામે ચોકબજાર જંકશન પર બે અને અડાજણમાં એક આઉટલેટ કાર્યરત છે. નવ દાયકાથી સુરતીઓનો ભરોસો જીતનાર શ્રી રામભરોસે હોટેલનો રોચક ઇતિહાસ ગુજરાતમિત્ર લઇને આવ્યું છે.

સુરત ઇલેક્ટ્રીસીટી કંપનીના ગ્રાહક નં. 21 તરીકે પેઢી જાણીતી બની: હસમુખલાલ ઠક્કર
1920-21માં સુરત ઇલેક્ટ્રીસીટી કંપનીનો પ્રારંભ થયો ત્યારે શ્રી રામભરોસે હોટેલને વીજ કંપનીના ગ્રાહક નં. 21 તરીકેનું બીલ મોકલવામાં આવ્યું હતું. એવી જ રીતે હોટેલ રેસ્ટોરન્ટ માટે લાયસન્સ પ્રથા અમલમાં આવી ત્યારથી આ પેઢી પોલીસ લાયસન્સ ધરાવે છે. તે સમયે તેનો ક્રમ નંબર 54 આપવામાં આવ્યો હતો. તે સમયે વહેલી સવારથી મોડી રાત સુધીનું લાયસન્સ પણ આ હોટેલ રેસ્ટોરન્ટને આપવામાં આવ્યું હતું. પેઢીના સંચાલકો પૈકીના એક હસમુખલાલ ઠક્કર કહે છે કે 1970માં પિતાજીનું નિધન થયું તેના 20 વર્ષ પહેલા રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું તે પછી મારા પુત્ર કેતન ઠક્કરે રેસ્ટોરન્ટના વ્યવસાયમાં અનેક અગવડતા હોવાથી પેઢીના વ્યવસાયને આઇસ્ક્રીમ-કોલ્ડ્રીંકસ અને બેવરેજીસના વ્યવસાયમાં તબદીલ કરી દીધો છે અને અેમાં ખૂબ પ્રગતિ કરી છે.

હસમુખલાલ એસ.આર. રાવના મિત્ર બની ગયા
1995માં રાજમાર્ગને પહોળો કરવા માટે તે સમયના મ્યુનિસિપલ કમિશ્નર ડીમોલીશન કયાંથી શરૂ કરવું તેની અવઢવમાં હતા ત્યારે સ્વ. નરેન્દ્ર ગાંધીની મિત્રતા અને વિનંતીને પગલે હસમુખલાલ ઠક્કરે રાજમાર્ગનું પહેલું સ્વૈચ્છિક ડીમોલીશન રામભરોસે હોટેલના રોડની બંને તરફ નવ-નવ ફૂટની દુકાન તોડી શરૂ કર્યું હતું. હસમુખલાલ સરળ સ્વભાવના હોવાથી ડીમોલીશન દરમિયાન એસ.આર. રાવ ભાગળ ચાર રસ્તે બેસતા ત્યારે કંપની માટે હસમુખલાલને ખાસ તેડાવી કલાકો ગપસપ કરતા હતા. આ મિત્રતા સુરતમાં રહ્યા ત્યાં સુધી જળવાઇ હતી. હસમુખલાલના અંગત મિત્રોમાં સુરતના માજી મેયર જયોર્જ સોલંકી, કદીર પીરઝાદા, સ્વ. ધારાસભ્ય ઇંદિરાબેન સોલંકી, સ્વ. નરેન્દ્ર ગાંધી અને નિતીન ભજીયાવાળાનો સમાવેશ થાય છે.

નવ દાયકા પહેલા શહેરના પ્રાઇમ લોકેશન પર હોટેલ-રેસ્ટોરન્ટની શરૂઆત
નવ દાયકા અગાઉ સાવરકુંડલાના જીરા ગામથી સુરતના કતારગામ સ્થિત અનાથ આશ્રમ ખાતે સેવા આપવા આવેલા ગોરધનદાસ ખીમજીભાઇ ઠક્કરે શહેરના તે સમયના હાર્દ સમા વિસ્તાર ચોકબજાર ચાર રસ્તે શ્રી રામભરોસે હિંદુ લોજીંગ એન્ડ બોર્ડિંગ પેઢી શરૂ કરી. ત્રણ માળની દુકાનમાં ગ્રાઉન્ડ ફલોર પર ભજીયા, ફાફડા, ચા અને ફરસાણનું વેચાણ શરૂ કર્યું હતું. બાકીના માળનો ઉપયોગ તે સમયે લોજીંગ એન્ડ બોર્ડિંગ હાઉસ તરીકે થતો હતો. 1990 સુધી રેસ્ટોરન્ટ ચાલી હતી તે પછી શ્રી રામભરોસે આઇસ્ક્રીમ એન્ડ કોલ્ડ્રીંકસમાં આ પેઢી તબદીલ થઇ હતી. 1970માં ગોરધનદાસ ઠક્કરના નિધન પછી આ પેઢીનું સંચાલન કરનાર હસમુખલાલ ઠક્કર કહે છે કે પ્રમાણિકતાથી વેપાર કરવો અને ગ્રાહકને કવોલીટી પ્રોડકટ આપવી એજ આ પેઢીનું સૂત્ર રહ્યું છે.

જર્જરીત બનેલી રામભરોસે હોટેલના રીપેરીંગ માટે પાલિકાએ આ શરત મુકી
રામભરોસે હોટેલની ત્રણ માળની મિલકત જર્જરીત બની હોવાથી તેનું રીપેરીંગ કામ કરવા માટે પાલિકામાં અરજી કરવામાં આવી તે પહેલાં ચોકબજાર હેરીટેજ સ્કવેરની જાહેરાત થઇ ગઇ હોવાથી તે સમયના શહેર વિકાસ અધિકારી મનીષ ડોકટરે પાલિકા કમિશ્નર વતી એવી શરત મુકી હતી કે હોટેલની રીપેરીંગ માટેની મંજૂરી શરતી ધોરણે અપાશે. તેમાં શરત એવી હતી કે ચોકબજાર હેરીટેજ ચોકને અનુરૂપ મિલકતનું રીપેરીંગ કરવું. આ પેઢીના ડીઝાઇનર જાવેદ તન્વર અને આર્કિટેકટ જાકીર કુરેશીને રોકીને કિલ્લાના મેદાનની રેપ્લીકા પ્રમાણે હેરીટેજ સ્ટ્રકચર હોટેલનું ઉભુ કરવામાં આવ્યું છે. આજે ચોકબજાર હેરીટેજ સ્કવેરમાં આ સ્ટ્રકચર સેલ્ફી પોઇન્ટ બન્યું છે. કેતન ઠક્કર કહે છે કે અમે માત્ર વેપાર નહીં પરંતુ સામાજીક સેવા પણ કરીએ છીએ. પેઢીના ત્રણ આઉટલેટમાં કુલ 46 જેટલા કર્મચારીઓ કામ કરે છે તેમાં 34 કર્મચારી ધરમપુર વાંસદાના આદિવાસી છોકરાઓ છે. તેમને રહેવા જમવા સાથે પગારની સુવિધા આપવામાં આવી છે. તેમના ટેસ્ટને અનુરૂપ ભોજન બનાવવા માટે મહારાજ પણ રાખવામાં આવ્યા છે.

10 રૂામાં એક લીટર પાણીની બોટલના વેચાણનો નિર્ણય ટર્નિંગ પોઇન્ટ બન્યો: કેતન ઠક્કર
પેઢીને આઇસ્ક્રીમ-કોલ્ડ્રીંકસ અને બેવરેજીસના વેચાણમાં નામના અપાવનાર કેતન ઠક્કર કહે છે કે પેઢીમાં વેપાર સંભાળ્યો ત્યારે 1 લીટર મીનરલ વોટર બોટલનું વેચાણ શહેરમાં 20 રૂા.માં થતું હતું જયારે હોલસેલનો ભાવ ખૂબ ઓછો હતો. અમારું માનવું છે કે પાણી પીવડાવવું એ તરસ્યા લોકોની તરસ છીપાવવાનું પૂણ્યનું કામ છે. તેમાં મોટી નફાખોરી ન હોવી જોઇએ. અમે મિનરલ વોટરનું વેચાણ કરનાર કંપનીઓ પાસેથી બલ્કમાં ખરીદી કરી માત્ર 10 રૂા.માં વેચાણ કરવાનો નિર્ણય લેતા આ સ્કીમ ખૂબ સફળ રહી હતી. તે પછી આઇસ્ક્રીમ અને કોલ્ડ્રીંકસનું વેચાણ કરનાર કંપનીઓ સાથે સંવાદ કરી MRP કરતા ઓછા ભાવે કોલ્ડ્રીંકસ અને આઇસ્ક્રીમનું વેચાણ શરૂ કરતા આઇસ્ક્રીમ અને કોલ્ડ્રીંકસના શોખીનો માટે રામભરોસે ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે. આજે કોલ્ડ્રીંકસમાં દસ થી પંદર જાણીતી બ્રાન્ડની કોલ્ડ્રીંકસનું વેચાણ થાય છે. મિનરલ વોટરમાં ચાર કંપનીઓનું અને આઇસ્ક્રીમની 70 થી 80 જેટલી વેરાયટીનું વેચાણ થઇ રહ્યું છે.

BSNLના ગ્રાહક તરીકે 50 વર્ષ પૂરા કર્યા ત્યારે સન્માનપત્ર મળ્યું: દેવેશ ઠક્કર
રામભરોસે આઇસ્ક્રીમ-કોલ્ડ્રીંકસ-બેવરેજીસ પેઢીના ચોથા સંચાલક દેવેશ કેતન ઠક્કર કહે છે કે BSNLના લેન્ડ લાઇન ગ્રાહક તરીકે અમારી પેઢીએ 50 વર્ષ પૂરા કર્યા અને BSNLના જયારે 50 વર્ષ પૂરા થયા ત્યારે અમારી પેઢીને BSNL કંપની દ્વારા લાંબો સમય ફોન સેવાનો ઉપયોગ કરવા માટે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. અમારા ઘર અને હોટેલનો ટેલિફોન નંબર વીઆઇપી કેટેગરીના 423714 અને 423814 હતો. પેઢીના ભવિષ્યના આયોજન વિશે દેવેશ ઠક્કર કહે છે કે સઉદી અરબ અને દુબઇમાં જે વિદેશી કંપનીઓના આઇસ્ક્રીમના આઉટલેટ ચાલે છે તે આઉટલેટ ચોકબજાર હેરીટેજ સ્કવેરની રામભરોસેના પ્રથમ અને બીજા માળે લાવવાનું આયોજન છે. અત્યારે મેટ્રોનું કામ ચાલતું હોવાથી આ પ્રોજેકટ વિલંબિત થશે.

રામભરોસે માટે આઇસ્ક્રીમ અને કોલ્ડ્રીંકસ બનાવતી કંપનીઓએ નિયમો નેવે મૂકયા
સામાન્ય રીતે કોલ્ડ્રીંકસમાં કોકાકોલા અને પેપ્સી વચ્ચે કોલ્ડવોર ચાલતી આવી છે એવી જ રીતે આઇસ્ક્રીમ બનાવતી કંપનીઓમાં હેવમોર, વાડીલાલ, કવોલીટી વોલ્સ જેવી કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલે છે. કોર્પોરેટ ધોરણે ચાલતી આ કંપનીઓ જે આઉટલેટને એજન્સી આપે છે ત્યાં બીજી કંપનીની પ્રોડકટ નહીં વેચવા શરત રાખે છે. પરંતુ ચોકબજાર હેરીટેજ ચોકમાં અને અડાજણમાં આઉટલેટ ધરાવનાર રામભરોસે આઇસ્ક્રીમ-કોલ્ડ્રીંકસ માટે કંપનીઓએ પોતાના નિયમો પણ નેવે મૂકયા હતા. નવાઇની વાત એ છે કે મોટા ભાગની આઇસ્ક્રીમ અને કોલ્ડ્રીંકસની કંપનીઓની તેઓ ડીલરશીપ ધરાવે છે. હેવમોર આઇસ્ક્રીમ કંપનીનું ગુજરાતમાં નંબર વન આઉટલેટ રામભરોસે છે જયાં હાઇએસ્ટ આઇસ્ક્રીમનું સેલીંગ થાય છે.

ડેઇઝી ઇરાની અને અભિનેતા આગા પણ રોકાયા હતા
પેઢીના સંચાલક હસમુખલાલ ઠક્કર કહે છે કે એક સમયે પ્રથમ માળે લોજ હતી અને બીજા અને ત્રીજા માળે ગેસ્ટ હાઉસ ચાલતું હતું ત્યારે તે સમયની બોલીવુડની અભિનેત્રી ડેઇઝી ઇરાની અને અભિનેતા આગા પણ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા એવી જ રીતે તે જમાનામાં લોબાન નામના જાદુગર ખૂબ લોકપ્રિય હતા તેઓ પણ રંગ ઉપવનમાં શો કરવા આવતા ત્યારે ગેસ્ટ હાઉસમાં રોકાતા હતા. 1955માં જવાહરલાલ નહેરુ રંગ ઉપવનનું ઉદ્‌ઘાટન કરવા આવ્યા ત્યારે તેમને સાંભળવા આવેલા લોકો માટે પૂરી શાકની વ્યવસ્થા રામભરોસે હોટેલ દ્વારા કરવામાં આવી હતી.

Most Popular

To Top