સુરતઃ છેલ્લાં કેટલાંક સમયથી ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ત્યારે સામાન્ય મધ્યવર્ગીય પરિવારો પણ તેમના સંતાનોના લગ્ન માટે યુનિક ડેસ્ટિનેશન શોધતા થયા છે. સુરતના એક યુગલનો લગ્ન સમારોહ તાજેતરમાં ઉત્તરાખંડના કેદારનાથ ખાતે ધૂમધામથી યોજાયો હતો. આ એ જગ્યા હતી જ્યા ભગવાન શંકર અને પાર્વતી માતાના લગ્ન થયા હતા. આ નવયુગલના ડેસ્ટિનેશન વેડિંગ પાછળનું કારણ દેખાદેખી નહિ પણ પરિવારના સ્વર્ગીય વડીલની ઈચ્છા પૂર્ણ કરવાની હતી.
- સુરતના ટેલર પરિવારે પુત્રીના લગ્ન કેદારનાથ ખાતે જ્યાં ભગવાન શકર પાર્વતીના લગ્ન થયા હતા ત્યાં કરાવ્યા
- ઉત્તરાખંડ ખાતે કોઈ સુરતી યુગલની લગ્ન યોજાઈ હોય એવી પ્રથમ ઘટના
સુરત નાનપુરા વિસ્તારમાં રહેતાં શૈલેષભાઈ ટેલરની પુત્રી મનસ્વીના લગ્ન સૂચિત રમણભાઈ કહાર સાથે નક્કી થયા હતા. ત્યારે બન્ને પરિવારોએ આ યુગલના લગ્ન દેવભૂમિ તરીકે ઓળખાતા ઉત્તરાખંડ ખાતે પવિત્ર યાત્રાધામ કેદરનાથ ખાતે કરવાનું નક્કી કર્યું હતું.
ગઈ તા. 11 જુલાઈના રોજ કેદારનાથની તળેટીમાં જ્યાં ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. એ પૌરાણિક ત્રિયુગી નારાયણ વિષ્ણુ ભગવાન મંદિર જોષી મઠ ખાતે મનસ્વી અને સુમિતના વિધિ વિધાનથી પરિણયસુત્રે બંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે પૌરાણિક ગ્રંથો મુજબ બ્રહ્માજીએ શંકર-પાર્વતીના લગ્ન આ જગ્યાએ કરાવ્યા હતા અને વિષ્ણુ ભગવાનના ચોથા અવતાર એટલે કે ભગવાન વામણે અવતાર ધારણ કરી પાર્વતીનું કન્યાદાન કર્યું હતું.
આ પૌરાણિક ધાર્મિક સ્થળ પર લગ્ન યોજવા અંગે શૈલેષ ભાઈ ટેલરે જણાવ્યું હતું કે તેઓના સ્વર્ગીય પિતા કિશોરભાઈ છગનભાઇ ટેલરની ઈચ્છા હતી કે તેમની પૌત્રીના લગ્ન આ પૌરાણિક જગ્યા પર થાય. પિતાની ઈચ્છા પૂર્ણ કરવા દીકરી મનસ્વીના લગ્નનું આયોજન ઉત્તરાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. કોઈ સુરતી યુગલના આ જગ્યાએ લગ્ન યોજાયા હોય તેવી આ સુરતની પ્રથમ ઘટના છે.