Charchapatra

સુરતી ભૂસું

સુરતીઓનો પોતાનો તહેવાર એટલે ચંદની પડવો. ચંદની પડવાના દિવસે ઘારી સાથે જે ફરસાણ ખાવામાં આવે છે તેને ‘સુરતી ભૂસું’ કહેવામાં આવે છે. સુરતીઓ ટેરેસ પર કે ખુલ્લા મેદાન અને ફૂટપાથ પર બેસી ચંદની પડવાનાની રાતે ઘારી સાથે ભૂસું આરોગી ઉજવણી કરે છે. આમ તો ઘારી માત્ર ચંદની પડવાનાં દિવસે જ ખવાય છે પણ ભૂસું બારે માસ ખવાય છે. સુરતી ભૂસું એટલે સેવ, તીખાં મોળા ગાંઠીયા, પૌંઆનો ચેવડો, ચણાની દાળનું મિક્ષ ફરસાણ એટલે સુરતી ભૂસું. સુરતમાં પહેલા સમયમાં સુરતીઓ ફરસાણની દુકાને મિક્ષ ફરસાણ લેવા જતા ત્યારે અલગ અલગ ફરસાણના નામ બોલી ફરસાણ લેતા હતા તે ફરસાણનું ભૂસું નામ પડી ગયું.

ભૂસું એટલે અલગ અલગ ફરસાણનું કોમ્બીનેશન. સુરતમાં ભાગળ સ્થિત હીરજી વીરજી જાનીની દુકાનમાં મિક્ષ કરેલું રેડી ફરસાણ ‘સુરતી ભૂસું’ વેચવાની શરૂઆત થઈ હતી. આજે લગભગ સુરતની તમામ દુકાનોમાં સુરતી ભૂસું મળે છે. સુરતમાં ફરસાણની દુકાનોમાં ‘આ ફરસાણ સીંગતેલમાં બનાવવામાં આવે છે’ એવું બોર્ડ પર જાહેર કરતા હતા. પહેલા સમયમાં ફરસાણ સીંગતેલમાં બનાવવામાં આવતું હતું. કપાસિયા તેલ કે પામોલિન તેલમાં ફરસાણ બનાવવામાં આવતું ન હતું. આજે ઘરમાં સીંગતેલના ડબ્બા ભરેલા હોવા છતાં બાળકો અને મોટા પામોલિન તેલમાં બનેલા ફરસાણના તૈયાર પેકેટ ખાતા થઈ ગયા છે.
સલાબતપુરા, સુરત- કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top