ગુજરાતીમાં એક કહેવત છે કે ‘પ્રસૂતાની વેદના વાંઝણીને ખબર ન પડે!’ એવી જ ઉક્તિ એક બીજી પણ છે. ‘વેદના કોઈ ભોગવે અને માતૃત્વનું સુખ કોઈ બીજાના કપાળે!’ સરોગસી વિજ્ઞાનમાં તે એક ઉત્તમ અને ચમત્કારી શોધ છે. સરોગસી એક એવી વ્યવસ્થા છે જેમાં સ્ત્રી (સરોગેટ) અન્ય વ્યક્તિ અથવા દંપતી વતી બાળકને જન્મ આપવા માટે સંમત થાય છે. હમણાં દુનિયાના ધનિક સેલિબ્રિટી સરોગેટની મદદ લઈ સંતાન મેળવી રહ્યાં છે. કેટલાંક તો એવાં છે કે તેમને ખોળે પહેલાં બાળકો રમતાં થયાં છે, તેમને સરોગસીની જરૂરત જ નથી. વિજ્ઞાનની ઉત્તમ શોધનો એક વર્ગ જુદો જ અર્થ કાઢી લાભ ઉપાડે છે તે કેવા સમાજનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે? આ વ્યવસ્થા સમજ્યા પછી પણ જેઓ તે માર્ગ અપનાવી રહ્યા છે તે ભાવિ સમાજ માટે ચિંતનનો વિષય છે, મોડું થશે તો ચિંતાનો વિષય બની જશે!
બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન સ્પષ્ટ વિચારો વ્યક્ત કરવા માટે જાણીતાં છે. તેમણે બાંગ્લાદેશમાં ગરીબી જોઈ છે. ગરીબોની અવદશા જોઈ છે. ખાસ કરીને નિર્ધન મહિલાઓ સાથે જે ગેરવર્તન થયાં છે તેમણે તેના પર લખ્યું છે. તે પોતે અન્યાયનાં કંટકોની પીડા ભોગવી ચૂક્યાં છે. એક મહિલા તરીકે તેમણે સરોગસી પર તીખા પણ સાચી દિશામાં પોતાના વિચારો વ્યકત કર્યા છે. સમૃદ્ધ અને વ્યસ્ત સેલિબ્રિટીઓ સરોગસી દ્વારા પોતાના જીન્સ સાથે તૈયાર બાળક ઈચ્છે છે. ધનવાન લોકો પૈસાના બદલામાં ગરીબ છોકરીઓના ગર્ભ નવ મહિના માટે ભાડે રાખે છે. શ્રીમંત છોકરીઓ તેમનું ગર્ભાશય કોઈને ભાડે નહીં આપે કારણ કે સગર્ભાવસ્થા દરમિયાન જીવન માટે ઘણાં જોખમો છે, પ્રસૂતિ દરમિયાન પણ જોખમો છે. લાચારી ન હોય ત્યાં સુધી કોઈ આ જોખમ લેતું નથી.
તસ્લીમા નસરીનના આ પ્રહાર અમસ્તા નથી તેને ગંભીરતા સાથે વિચારવાની જરૂર છે. તેમણે મહિલાઓના હિતમાં કહ્યું છે કે ‘ઘણા લોકો ગર્ભવતી થવા અને સંતાન પ્રાપ્ત કરવા સક્ષમ હોવા છતાં પણ સંતાનનું જોખમ પોતે ન લઈ, પોતાની કાળજી સુરક્ષિત રાખી સરોગસીનો રસ્તો પસંદ કરી બાળક લેવાનું નક્કી કરે છે.’ મમતા માટે બાળકની ઈચ્છા સ્વાભાવિક છે પણ તેના માટે આ વૈજ્ઞાનિક શોધ નથી, જે લોકો સક્ષમ નથી તે લોકો માટે આ શોધ વરદાન છે તો તેમણે આ રસ્તે વળવું જોઈએ પણ જેમની પાસે અઢળક ધન છે તેઓએ ઘરવિહોણાં અનાથ બાળકને દત્તક લેવાનો વિચાર કરવો જોઈએ. લેખિકાએ ગરીબ મહિલાઓ જ શા માટે સરોગસી માટે તૈયાર થાય એવો સવાલ ઊભો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે બે જુદા વર્ગ ને બે જુદી દિશાની આ દુવિધા છે. સમાજમાં ગરીબી છે તેથી સરોગસીની સગવડ મળી રહી છે. ખરેખર સંતાનસુખની ભાવનાનો હેતુ તેમાં દેખાતો નથી.
તસ્લીમા નસરીન આમ પણ ચોખ્ખી વાત ઉચ્ચારતાં રહ્યાં છે. તેમણે ઉમેર્યું છે કે આ સ્વાર્થી અહંકાર મનુષ્યમાં હાજર છે. એવું નથી કે કોઈ આનાથી ઉપર ન જઈ શકાય.તસ્લીમા નસરીન કહે છે, ‘હું ત્યારે સરોગસી સ્વીકારીશ જ્યારે માત્ર ગરીબ જ નહીં પણ અમીર છોકરીઓ પણ સરોગેટ માતા બનશે, પૈસાના બદલામાં નહીં, તેમને સરોગસી પસંદ આવશે. જેમ હું બુરખો સ્વીકારીશ, જ્યારે પુરુષો પ્રેમથી બુરખો પહેરશે! અન્યથા સરોગસી, બુરખો એ મહિલાઓ અને ગરીબોના શોષણના પ્રતીક તરીકે જ રહેશે.’’ અન્યાય સામે અવાજ ઉપાડવાના કારણે આ મહિલા પત્રકાર પોતાના વતનથી દૂર રહેવા મજબૂર છે એટલે તેમની વ્યથા છલકી છે પણ તેમણે બીજાની વ્યથા પણ મહેસૂસ કરી છે તે સહજ દેખાય છે. દરિદ્રતા છે ત્યાં લાચારી છે, લાચારી છે ત્યાં પીડા છે, પીડા છે તો તેના તણખા ઊડશે. આજે કોઈ આવિષ્કારનો ગેરલાભ ઉપાડે છે તો શક્ય છે આ રેખા વધુ લંબાય અને તે ચીલો કે ફેશન બની જાય!