સુરત: વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવા હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ સેફટી પોલિસી ૨૦૧૬ના સંદર્ભે નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. હવે તમામ શાળાઓએ પોતાના પરિસરમાં વિદ્યાર્થીઓ માટે સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અનિવાર્ય રીતે કાર્યવાહી કરવી પડશે.
- દરેક શાળામાં બાળકોની સલામતી માટે શિસ્ત સમિતિની રચના કરવા આદેશ કરાયો
- સમિતીમાં આચાર્ય, શિક્ષકની સાથે સાથે વિદ્યાર્થી પ્રતિનિધી તરીકે મોનિટર અથવા જીએસનો સમાવેશ કરાશે
- સમિતીના સભ્યો શાળાના પરિસર, રમતગમતનું મેદાન અને આવવા જવા દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાનું ધ્યાન રાખશે
દરેક શાળાએ વિદ્યાર્થીઓની સંખ્યાને અનુરૂપ શિસ્ત સમિતિની રચના કરવી રહેશે. આ સમિતિમાં શાળાના આચાર્ય, શિક્ષક તેમજ વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે વર્ગના મોનિટર અથવા જી.એસ. સભ્યનો સમાવેશ કરવામાં આવશે. આ સમિતિનો હેતુ શાળાના પરિસરમાં, ખાસ કરીને રિસેસ સમયે, રમતગમતના મેદાનમાં તથા શાળામાં આવવા-જવાની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા જાળવી રાખવાનો રહેશે.
શિક્ષકની ગેરહાજરી દરમિયાન વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકલા બેસી ન રહે તે માટે તેમને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં જોડવાનું રહેશે. આચાર્ય અને શિક્ષકની નૈતિક ફરજ તરીકે વિદ્યાર્થીઓને નિર્ભયપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ પૂરો પાડવાનું મહત્વ આપવામાં આવ્યું છે.
વાલીઓ પણ પોતાના બાળકોની સ્કૂલબેગ ચેક કરીને જ મોકલે
વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે શાળા કક્ષાએ આકસ્મિક સ્કૂલ બેગ ચકાસણી કરવામાં આવશે. ઉપરાંત વાલીઓને પણ પોતાના બાળકના બેગની ચકાસણી કર્યા બાદ જ શાળાએ મોકલવા સૂચના આપવામાં આવશે.
અનિચ્છનીય ઘટનાની તરત જાણ કરવાની ફરજ
શાળામાં કોઈપણ અસાધારણ અથવા અનિચ્છનીય ઘટના બને તો તેની તાત્કાલિક જાણ સંબંધી કચેરીને કરવાની રહેશે. સાથે જ યોગ્ય પગલાં સત્વરે અમલમાં મૂકવાના રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બનેલી ઘટનામાં શાળા દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
સલામતી બાબતે આચાર્ય અને શિક્ષકની જવાબદારી
વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયક ઘટના ન બને તેની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકોની રહેશે. કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ શાળાઓએ આ સૂચનાનું પાલન ચૂસ્તપણે કરવાનું રહેશે અને તેમાં બેદરકારી કોઈપણ સંજોગોમાં ચાલશે નહીં.