સુરત: (Surat) ઉતરાયણની તૈયારીઓ હવે અંતિમ તબક્કાઓમાં પહોંચી છે. શહેરના પતંગબજાર ભાગળ અને રાંદેરમાં માંજો ઘસાવવાની સાથોસાથ પતંગની ખરીદી જોરશોરથી ચાલી રહી છે. જો કે, પતંગ-દોરી વિક્રેતાઓ અને પતંગ (Kite) તૈયાર કરનારાઓનું કહેવું છે કે, રાત્રિ કરફ્યૂને લીધે આવતીકાલે બુધવારે 8થી 10 દરમિયાન શહેરના ડબગરવાડ-રાજમાર્ગ, કોટસફીલ રોડ, કાંસકીવાડ અને રાંદેરમાં પતંગની હરાજી થવાની શક્યતા છે. હરાજીમાં પતંગો સસ્તા મળતા હોવાથી વર્ષોની પરંપરા રહી છે કે સુરતીઓ ઉતરાયણની (Uttarayan) આગલી રાતે હરાજીમાં ખરીદી કરતા આવ્યા છે. તેને જોતા આજે પણ પતંગની હરાજી માટે સુરતીઓની ભીડ ઊમટવાની શક્યતા નકારી શકાય નહીં.
ચાલુ વર્ષે કોરોનાને લીધે છેક ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી ખરીદી શરૂ થઇ હતી. જે છેલ્લા પાંચ દિવસ દરમિયાન પ્રમાણમાં સારી રહી છે. જો કે, પ્રોડક્શન ઓછું રહેવા સાથે લોકોની ખરીદ શક્તિ ઘટતાં પતંગના ભાવમાં વધારો નોંધાયો છે. કોરોનાના કારણે પ્રોડક્શનને મોટી અસર થઈ છે. પતંગની કોસ્ટ સીધી 30 ટકા સુધી વધી ગઈ છે. જ્યારે બજારમાં તૈયાર પતંગનો જથ્થો 50 ટકા ઓછો આવ્યો છે. કોરોનાની સ્થિતિ વચ્ચે ઉજવાઈ રહેલો વર્ષનો પ્રથમ તહેવાર ઉતરાયણની ખરીદી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે.
રાત્રિ કરફ્યૂના કારણે લોકો વહેલા આવીને પતંગની ખરીદી કરવાની સાથે માંજો ઘસવા માટે આપી જઈ રહ્યા છે. કારીગરોના અભાવના અને વાવાઝોડા સાથે વરસાદની સ્થિતિના કારણે પતંગની કોસ્ટને પણ અસર થઈ રહી છે. આ અંગે ડબગરવાડના જૂના વિક્રેતા એવા નકુલ તબલાવાલા જણાવે છે કે, કોરોનાની અસર વચ્ચે વત્તા-ઓછા પ્રમાણમાં પતંગની ખરીદી ચાલી રહી છે. તેની સામે પૂરતા પ્રમાણમાં જથ્થો છે નહીં. જેના કારણે પતંગના પંજાના દરમાં સરેરાશ 20થી 30 ટકાનો વધારો નોંધાયો છે.
અમદાવાદ-નડિયાદ અને ખંભાતી પતંગોના ભાવો બમણા થયા
ઉતરાયણ માટે ગુજરાતમાં સુરતના રાંદેર ઉપરાંત અમદાવાદ, નડિયાદ અને ખંભાતી પતંગોની ભારે ડિમાન્ડ રહેતી હોય છે. રો-મટિરિયલના ભાવો વધી જતાં ગયા વર્ષે જે પતંગો 30 રૂ. પંજાના ભાવે વેચાતા હતા તે જ પતંગો હવે 50-60 રૂ. પંજાના ભાવે વેચાઇ રહ્યા છે. રાંદેર-ડબગરવાડના પતંગ વિક્રેતાઓ જણાવે છે કે, અમદાવાદ-નડિયાદથી પતંગ તૈયાર કરવા માટે આવતા કારીગરો કોરોનાના કારણે ઓછા આવ્યા છે. માટે જે પતંગ વહેલાં બનીને આવ્યા તે જ વેચાણ થઈ રહ્યા છે.