World

સર્જિકલ રોબોટે ઓપરેશન દરમિયાન દર્દીના આંતરડામાં કાણું પાડ્યું, મૃત્યુ બાદ પતિએ નોંધાવ્યો કેસ

નવી દિલ્હી: મેડિકલ સર્જરીમાં (Medical surgery) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) અને રોબોટ્સનો (Robots) ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ઘણા નિષ્ણાતો માને છે કે રોબોટ્સની મદદથી સર્જનો એવા ઓપરેશન કરી રહ્યા છે, જે થોડા વર્ષો પહેલા સુધી અશક્ય લાગતું હતું. જો કે આવા જ એક રોબોટને (Robots) કારણે દર્દીએ જીવ ગુમાવ્યો હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમેરિકામાં (America) સર્જિકલ રોબોટના કારણે કેન્સરના (Cancer) દર્દીનું મોત (Death) થયાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ મૃતક મહિલાના પતિએ રોબોટ બનાવતી કંપની સામે કેસ દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ન્યૂયોર્કની ખાનગી ન્યુઝ એજન્સીના રિપોર્ટ અનુસાર મૃતકનું નામ સેન્ડ્રા સલ્ટઝર છે. તેના પતિ હાર્વે સલ્ટ્ઝરે 6 ફેબ્રુઆરીના રોજ ઇન્ટ્યુટિવ સર્જિકલ (IS) વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. હાર્વેનો આરોપ છે કે ISના સર્જિકલ રોબોટ દ્વારા કરવામાં આવેલી પ્રક્રિયા બાદ તેની પત્નીની તબિયત બગડવા લાગી હતી. હાર્વેના રોબોટ દા વિન્સીએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. આ રોબોટ એક મલ્ટી-આર્મ, રિમોટ-કંટ્રોલ્ડ ડિવાઇસ છે. દા વિન્સી વિષે કહેવામાં આવ્યું હતું કે આ રોબોટના હાથ ત્યાં પહોંચી શકે છે જ્યાં ડોક્ટરોના હાથ નથી પહોંચી શકતા. દર્દીના શરીરમાં નાના નાના ચીરાઓ દ્વારા સર્જનને સર્જરીમાં મદદ કરી શકાય છે. તેમજ આવા જ કાર્યો માટે આ રોબોટને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર સેન્ડ્રાએ સપ્ટેમ્બર 2021માં બેપ્ટિસ્ટ હેલ્થ બોકા રેટોન નામની સ્થાનિક હોસ્પિટલમાં કોલોન કેન્સરની સર્જરી કરાવી હતી. હાર્વેનો દાવો છે કે તે દરમિયાન દા વિન્સીએ તેની પત્નીના નાના આંતરડામાં એક કાણું પાડ્યું હતું. સર્જરી પછી, સાન્દ્રાને પેટમાં દુખાવો અને તાવ ચાલુ રહ્યો. બાદમાં ફેબ્રુઆરી 2022માં તેમનું અવસાન થયું હતું.

કેસમાં આરોપ લગાડવામાં આવ્યો છે કે IS જાણતું હતું કે રોબોટમાં ઇન્સ્યુલેશનની સમસ્યા છે. જેના કારણે રોબોટ આંતરિક અંગોને બાળી શકે તેવી સંભાવના છે. કેસમાં એવો પણ આરોપ લગાવાયો છે કે IS પોતાના રોબોટ્સ એવી હોસ્પિટલોને વેચે છે જેમને રોબોટિક સર્જરીનો કોઈ અનુભવ નથી. આ સંસ્થાને દા વિન્સી રોબોટનો ઉપયોગ કેવી રીતે કરવો તેની કોઈ તાલીમ આપવામાં આવી નથી.

IS એ 1999 માં પ્રથમ સર્જીકલ રોબોટ તરીકે પ્રથમ વાર દા વિન્સી મોડેલ રજૂ કર્યું હતું. રોબોટને ટોચની યુએસ આરોગ્ય એજન્સી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા એક વર્ષ બાદ મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તે સમયે આ રોબોટ્સમાં ઘણી ખામીઓ જોવા મળી હતી. કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે ISને સર્જિકલ રોબોટ દ્વારા થયેલી ઇજાઓના હજારો અહેવાલો પ્રાપ્ત થયા છે. પરંતુ એફડીએને બહુ ઓછા કેસો નોંધ્યા છે. તેમજ પત્નીના મૃત્યુ બાદ હાર્વે સલ્ટ્ઝરે 75 હજાર ડોલર (62 લાખ 27 હજાર 130 રૂપિયા)ના વળતરની માંગણી સાથે IS વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે.

Most Popular

To Top