અખબારોમાં વાચકો – જનતાની પ્રતિક્રિયા પ્રગટ કરતી પ્રવૃત્તિ એટલે ચર્ચાપત્રો, જેમાં સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય, વૈશ્વિક ઘટનાઓ, મૌલિક કે પૂરક વિચારો, ભાવના, ફિલસૂફીની ચર્ચા થાય છે, માહિતી પણ પીરસાય છે. ચર્ચાપત્રીઓમાં કેટલાકની કલમ સીધી સડસડાટ ચાલે છે. કેટલાંક પોતાના લખાણમાં ક્રમશ: સુધારાવધારા કરવા, પત્રને મઠારવા સર્જરી કરતા રહે છે.
કયારેક પત્રનું લંબાણ વધી જતાં અખબારના સંપાદક કે તંત્રી તરફથી કાપકૂપ કે સર્જરી થઇ જાય છે, એકની એક વાતનું પુનરાવર્તન ટાળવાને પણ સર્જરી થાય છે. એક રમૂજી હકીકત એ પણ છે કે ઘણાં ચર્ચાપત્રીઓ તેમનાં પ્રકાશિત થયેલાં ચર્ચાપત્રોનાં કટીંગની ફાઇલ બનાવે છે અને તેમને ત્યારે આવશ્યક સર્જરી કરવી પડે છે.
જયારે તેમના ચર્ચાપત્રનો અમુક ભાગ અખબારી પાના પરના ચર્ચાપત્ર વિભાગમાંની એક કોલમના અંત ભાગમાં અપૂર્વ સ્થિતિમાં છપાઇને બાજુની કોલમના મથાળે બાકીનો ભાગ છાપવામાં આવ્યો હોય, આવી સ્થિતિમાં ચર્ચાપત્રી બંને તરફ કાતર ચલાવીને ચર્ચાપત્રના છેદન પામેલાં બંને અંગોને જોડી દઇ.
તેને મથાળે અખબારનું નામ, તારીખ ચોંટાડી ફાઇલમાં મૂકવા યોગ્ય બનાવે છે, સંજોગ સર્જાતાં પોતાનાં સંખ્યાબંધ ચર્ચાપત્રોમાંથી સર્વકાલીન ઉપયોગી અને પસંદનાં ચર્ચાપત્રોનું પુસ્તકરૂપે પ્રકાશન પણ કરે છે, આવેશયુકત ટીકાસભર કે અપ્રસ્તુત થવા પાત્ર ચર્ચાપત્રો તો અખબારોમાંથી જ નકારાઇ ગયાં હોય છે.
તો શ્રેષ્ઠ ચર્ચાપત્રોને ભાષાકૌશલ્ય અને સુંદર છણાવટને સ્વીકારી ઇનામ – પુરસ્કાર દ્વારા સન્માનિત પણ કરાય છે. હવે સમય આવી ગયો છે કે સાહિત્યના એક ગણનાપાત્ર તરીકે ચર્ચાપત્રોને પણ સ્થાન અપાય, સાહિત્યના વિદ્યાર્થીઓના અભ્યાસમાં મૂકાય, લાયબ્રેરીમાં સ્થાન અપાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.