પેટલાદ : પેટલાદ નગરપાલિકાની ત્રિમાસિક સાધારણ સભા સોમવારના રોજ મળી હતી. જેમાં કાર્યસૂચી મુજબ 30 કામો રજૂ કરવામાં આવ્યા હતા. જે તમામ માત્ર દસ જ મિનીટમાં સર્વાનુમતે મંજૂર થયા હતા. પેટલાદ નગરપાલિકાની સાધારણ સભા 13મી ફેબ્રુઆરીના રોજ સભાખંડમાં ચીફ ઓફિસરની ઉપસ્થિતીમાં યોજાઈ હતી. જેમાં એજન્ડા મુજબ 30 કામો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી કામ 4 અને 5 હેઠળ સર્ક્યુલર ઠરાવ મંજૂર કરવા બાબત હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમૃત – 2 અને સ્વેપ – 2 મિશન હેઠળ ગુજરાત શહેરી વિકાસ મિશન દ્ધારા પેટલાદનો સરફેસ વોટર સપ્લાય પ્રોજેક્ટ માટે રૂ.22.50 કરોડને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ઉપરાંત રૂ.2.40 કરોડના ખર્ચે ધોબીકુંડ તળાવનું રીનોવેશન અને પૂર્ણાનંદ સોસાયટી પાસે રૂ.68 લાખના ખર્ચે નવીન ગાર્ડન બનાવવાની પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. જેના થકી આગામી વર્ષોમાં પેટલાદના નગરજનોને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો સંતોષકારક પ્રેશરથી મળી રહેવાનો અંદાજ છે. આ સભામાં પાલિકા તથા એન કે હાઇસ્કુલના ત્રિમાસીક હિસાબો, સરક્યુલર ઠરાવો, ટાઉનહોલના નવીનીકરણ માટે રિવાઈઝ એસ્ટીમેટ, રોડ રિસર્ફેસીંગના કામો, સોફ્ટવેરનું મેન્ટેનન્સ, સ્વેપ-૩ની ગ્રાન્ટના વિકાસલક્ષી કામો, જીલ્લા આયોજનની ગ્રાન્ટના કામો, સોસાયટીના આંતરિક રસ્તાઓ પાલિકાને સોંપવા આવેલ અરજીઓ, કેટલીક સોસાયટીઓમાં જનભાગીદારીથી વિકાસના કામો કરવા, સજળ શૌચાલયના રિપેરીંગ, વ્યક્તિગત શૌચાલય યોજના અમલી બનાવવી, કરવેરા માટે વળતર યોજના દાખલ કરવી વગેરે જેવા કામો હાથ ઉપર લેવામાં આવ્યા હતા. જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ સાધારણ સભામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અપક્ષ ચૂટાયેલા 14 પૈકી 13 સભ્યો નોંધપાત્ર રીતે રજા રિપોર્ટ આપી ગેરહાજર રહ્યા હતા. જ્યારે અપક્ષ સભ્ય દિપાલીબેન શાહ સભામાં ઉપસ્થિત હતાં.