રૂપિયા 1500 કરોડના જમીન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમારની ધરપકડ કરી છે.
જમીન બિનખેતી (NA) કરવાના કૌભાંડમાં ઈડીએ રાજેન્દ્રકુમારના ઘરે વિરુદ્ધ 23 ડિસેમ્બર 2025ના રોજ દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબીમાં ઈડીએ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના કલાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
ત્રણ દિવસ સુધી પૂછપરછ બાદ રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ધરપકડ કરાઈ છે. દરમિયાન એસીબીમાં નોંધાયેલી ફરિયાદમાં એવો ખુલાસો થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધઈ છે. જેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, કલાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલાનો ભાગ હતો. એક શીટમાં દલાલોના નામ અને તેમને આપવાની રકમનો હિસાબ પણ લખેલો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ચંદ્રસિંહ મોરીના ઘરે 67 લાખ રોકડ મળ્યા હતા
ગઈ તા. 23 ડિસેમ્બરે દિલ્હી ઈડીની સ્પેશિયલ ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી ત્યારે તેમના ઘરે બેડરૂમમાંથી 67.50 લાખની રોકડ મળી આવી હતી. મોરીએ સ્વીકાર્યું હતું કે આ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અને સાનુકૂળ નિકાલ માટે સીધી અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી લાંચ પેટે લેવાયેલી રકમ છે.