ગાંધીનગર: સુરેન્દ્રનગરમાં (Surendranagar) જમીનના ગોટાળા તથા જમીનનું વળતાર ચૂકવવાના કેસમાં સીબીઆઈ (CBI) દ્વારા તાજેતરમાં જ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર કે રાજેશ સામે ગુનો દાખલ કરીને તેમની સાથે ધનિષ્ઠ તપાસ હાથ ધર્યા બાદ તેમની સામે મજબૂત પુરાવાઓ મળતાં તેમની આજે મોડી રાત્રે સીબીઆઈ ટીમ દ્વારા ધરપકડ (Arrest) કરી લેવાઈ છે. ધરપકડ પછી રાજય સરકાર દ્વારા તેમનું સસ્પેન્શન થાય તેવી સંભાવના પણ વધી જવા પામી છે.
હાલમાં કે રાજેશ સામાન્ય વહીવટ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. જો કે આજે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવતા હવે રાજય સરકાર દ્વારા તેમનું સસ્પેન્શન થાય તેવી સંભાવના પણ વધી જવા પામી છે. સીબીઆઈની ટીમ દ્વારા ગાંધીનગરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરીને રાજયના આઈએએસ અધિકારી કે રાજેશ સામે ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરીને તેમની સામે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત તેમના નજીકના એક વચેટિયા રફીક મેમણ (જીન્સ કોર્નર)ની પણ સુરતથી પણ ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર કલેકટર ઓફિસના બે વચેટિયાઓની પણ અટકાયત કરી લેવાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા એક અરજી સીબીઆઈને આપવામાં આવી હતી. જેમાં ગન લાયસન્સ તથા સુરેન્દ્રનગરમાં સરકારી જમીનની ફાળણી તથા સરકારી દબાણવાળી જમીન ગેરકાયદે નિયમિત કરી દેવાઈ હતી. આ લગભગ 2000 કરોડનું જમીન કૌભાંડ છે. જેમાં તત્કાલિન કલેકટર દ્વારા પોતાની સત્તાનો દૂરુપયોગ કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે.
સીબીઆઈ દ્વારા રાજય સરકારની અરજી પર પ્રાથમિક તપાસ હાથ ધરાઈ હતી. તે પછી ગઈમોડી રાત્રે સીબીઆઈ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે. સીબીઆઈએ ગાંધીનગર , સુરત તથા આંધ્રપ્રદેશના રાજામુદ્રીમાં કે રાજેશના નિવાસ્થાને પણ દરોડા પાડયા હતા. જેમાં કેટલાંક વાંધાજનક દસ્તાવેજો તથા ડિજીટલ પુરાવા મળી આવતા તે પણ જપ્ત કરાયા છે. સીબીઆઈની ટીમે સુરતમા પણ દરોડા પાડયા હતા. જેમાં સુરતના વચેટિયા રફીક મેમણની પણ ધરપકડ કરી લેવાઈ છે. તેને ગાંધીનગર સીબીઆઈની ઓફિસે લાવવામા આવ્યો છે.તેને રિમાન્ડ માટે અમદાવાદમાં સ્પે. કોર્ટ સમક્ષ રજુ કરાશે.
સીબીઆઈ ના સૂત્રોના કહેવા મુજબ રફીક મેમણ વચેટિયાની ભૂમિકા આદા કરતો હતો. એટલું જ નહીં કે રાજેશ વતીથીરૂપિયા લેતો હોવાની પણ માહિતી બહાર આવી છે. એસીબીમાં જેટલી ફરિયાદ થઈ છે. જેમા મોટા ભાગની ફરિયાદો હથિયારના લાયસન્સમાં 3થી 4 લાખ લેવાનો આરોપ છે. જયારે સુરેન્દ્રનગરમાં જે લોકો ખરેખર હક્કદાર નથી તે લોકો પાસેથી તેઓને સરકારી જમીન આપી દેવા ઉપરાંત મોટી રકમ લઈને સરકારી જમીન પરનું દબાણ નિયમિત કરી દેવાનો પણ આરોપ છે. ખાસ કરીને કોળી સમાજના વઢવાણના પ્રમુખ મથુરભાઈ સાકરિયાએ પણ ફરિયાદ દાખલ કરી છે. જે ગન લાયસન્સ બાબતે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના તત્કાલીન સાંસદ સોમા ગાંડા પટેલ દ્વારા પણ ફરિયાદ કરાઈ છે. આ ઉપરાંત ચુડાની જંગની જમીનના કેટલાંક સર્વે નંબરોની લીઝ આપી દેવાઈ છે.