National

એડમિશન માટે પતિએ 60 હજાર નહીં આપતા માતાએ જાતે ગળું દબાવી દીકરાની હત્યા કરી, સુરતની હૃદયદ્રાવક ઘટના

સુરત: રાંદેર પોલીસની હદમાં આવેલા ઉગત ખાતે મહિલાએ બાળકની હત્યા (Murder) કરી પોતે આપઘાત (Suicide) કરવાની ઘટનામાં પોલીસે સાસરીયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. પતિના સગી ભાભી સાથેના અનૈતિક સંબંધ (Affair) અને સાસુના ત્રાસથી કંટાળી ગઈ હતી. પુત્રના (Son) એડમિશન માટે પણ 60 હજાર માંગતા પતિએ આપવા ઇન્કાર કરતા તેને અંતિમ પગલું ભર્યું હોવાનો સ્યુસાઈડ નોટના આધારે ખુલાસો થતા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

પુત્રની હત્યા બાદ મહિલાનો આપઘાત, સ્યુસાઇડ નોટના આધારે કાર્યવાહી, સાસરીયા સામે દુષ્પ્રેરણાનો ગુનો

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉગત ભેંસાણ ખાતે મીંઢોળા એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદભાઈ પરમારની પુત્રી 31 વર્ષીય પ્રિયવંદના ઉર્ફે પિંકી સતીષભાઈ કોસંબીયા ત્રણ વર્ષથી પિયરમાં જ રહેતી હતી. સાડા ત્રણ વર્ષનો પુત્ર રિષભ ઉર્ફે રીશુ પણ તેની સાથે રહેતો હતો. પિંકીએ પુત્રનું ગળું દબાવી હત્યા કરી પોતે આપઘાત કર્યો હોવાની ઘટના બાદ પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પિંકી પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં મારો રીશુ મારો દીકો, મેં ગળું દાબીને મારી નાંખ્યો, મારૂ ઢીંગલું, આઇ લવ યુ સો મચ રીશુ, એ જીવતે તો એની જીંદગી બરબાદ થઇ જતે, મારા હાથ બો જ ધ્રુજતા હતા, મારા ઢીંગલાને મારતા હું બો રડતી હતી, કાશ સતીષ તું સમજતે, તારી માં સમજતે, મને અને રીશનું તારી બો જરૂર હતી. જેવી અનેક વેદનાઓ વ્યક્ત કરી હતી.

આ સિવાય સગી ભાભી ભાવના સાથેના અફેર હોવાનું અને આ બાબતથી સાસુ લલીતાબેન વાકેફ હોવા છતા કંઇ બોલતા નહીં હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પિંકીના પુત્ર રીષભના સ્કૂલમાં (School) એડમિશન માટે ફી ના 60 હજાર રૂપિયા આપવાનો પણ સ્પષ્ટ ઇન્કાર કરતા તે ભાંગી પડી હતી. અને અંતે કંટાળી અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે સ્યુસાઈડ નોટના આધારે પતિ સતીષ લલીત કોસંબીયા, સાસુ લલીતાબેન નગીન કોસંબીયા અને જેઠાણી ભાવના સુરેશ કોસંબીયા (તમામ રહે. ઓમકાર એપાર્ટમેન્ટ, સંત તુકારામ સોસાયટી-6, પાલનપુર જકાતનાકા) વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top