સુરત (Surat): સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) ક્રીમ કોર્ષ ગણાતા એમબીએમાં (MBA) ફરી નવી આશાઓ ઉમટી છે. છેલ્લા કેટલાંક સમયથી એમબીએ થયેલા ઉમેદવારોને સંતોષકારક પેકેજ મળતા ન હતા, તેવી નિરાશા વચ્ચે આ વખતે એકમાત્ર સરકારી એમ.બી.એ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓમાં (Student) 80 ટકા જેટલું ઉચુ પ્લેસમેન્ટ (Placement) નોંધાયું છે.
- સરકારી એમ.બી.એ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓમાં 80 ટકા જેટલું ઉંચુ પ્લેસમેન્ટ નોંધાતા વિદ્યાર્થીઓમાં નવી આશાનો સંચાર
એટલું જ નહીં પણ રાજયની જાણીતી ફર્ટિલાઇઝર (fertilizer) કંપની કૈવન શ્રીકાંતભાઇ મદ્રાસી નામના વિદ્યાર્થીને 12 લાખ રૂપિયાનાં વાર્ષિક પેકેજ સાથે નોકરીની આપતા એમબીએ થયેલા ઉમેદવારોમાં ખુશાલી અને નવી આશાઓનો સંચાર થયો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કેમ્પસમાં આવેલું એમ.બી.એ ડિપાર્ટમેન્ટ સમગ્ર દક્ષિણ ગુજરાતનું (SouthGujarat) એકમાત્ર સરકારી એમબીએ ભવન છે. અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટી સંલગ્ન એમબીએ ડિપાર્ટમેન્ટ કરતા પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં એમબીએ ડિપાર્ટમેન્ટમાં વર્ષ 2023નાં કેમ્પસ પ્લેસમેન્ટમાં નોંધાયેલા 114 વિદ્યાર્થીઓ પૈકી 83ને સીધી નોકરીની (JOB) તક મળી હતી, જયારે 10 વિદ્યાર્થીઓ ફેમીલી બિઝનેસમાં જોડાયા હતા. જેને પગલે કેમ્પસ પ્લેસમેન્ટની ટકાવારી 80 ટકા જેટલી નોંધાઇ છે.
પ્રાધ્યાપકોના શ્રેષ્ઠ માર્ગદર્શનનો અમૂલ્ય ફાળો
કૈવન શ્રીકાંતભાઇ મદ્રાસી નામનાં વિદ્યાર્થીએ રાજયની જાણીતી ફર્ટિલાઇઝર કંપનીમાં વાર્ષિક 12 લાખનાં પેકેજ સાથેની મહત્તમ પગારની નોકરી મેળવ્યા બાદ આ ખુશીને શેર કરતાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીનાં ડિપાર્ટમેન્ટમાં અધ્યાપકોનાં શ્રેષ્ઠ માર્ગદર્શનને પગલે તેને સારી નોકરીની તક મળી હતી. કૈવનએ બી.ઇ મીકેનીકલનાં અભ્યાસબાદ એમબીએ ફાયનાન્સમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમને એકઝિક્યુટીવ ટ્રેનીંગ ફાયનાન્સમાં નોકરી મળી છે.