સુરત: નાના વરાછા ખાતેથી મિત્રો થાર કાર લઈને દમણ ફરવા ગયા હતા. પોલીસે કાર ત્યાં જમા લેતા કાર માલિકને બોલાવી કાર છોડાવી હતી. દમણ ફરવા ગયા તેના પૈસાના હિસાબ માટે યુવકનો મોટો ભાઈ તેના મિત્રો પાસે પૈસાનો હિસાબ કરવા ગયો હતો. ત્યારે બોઘરાએ તેની ઉપર હુમલો કરતા કાપોદ્રા પોલીસે પિતા, પુત્ર અને કાકાની સામે ફરિયાદ નોંધાવી છે.
- દમણ ફરવા ગયેલા નાના ભાઈના મિત્રો પાસેથી પૈસા લેવા ગયેલા મોટાભાઈને મિત્ર, તેના પિતા-કાકાએ લાકડાંથી ફટકાર્યો
- દમણમાં મિત્રની થાર કાર પોલીસે જમા લઈ લેતા કાર માલિકને ભાડુ યુવકે ચુકવ્યું હતું
નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહેતા 25 વર્ષીય પાર્થ રમેશભાઈ સોફ્ટવેર ડેવલોપર છે. પાર્થ તેના માતા પિતા અને મોટા ભાઈ રાહુલ સાથે રહે છે. ગત તા. 8 જુલાઈએ શનિવારે રજા હોવાથી પાર્થે મિત્રો સાથે દમણ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. બપોરે એક મિત્રની થાર કાર લઈને મિત્ર જેવીન તથા અન્ય ત્રણ મિત્રો સાથે દમણ રવાના થયો હતો. બાદમાં એક મિત્ર અવધ દમણ ટ્રેનમાં ગયો હતો.
દરમિયાન દમણ પોલીસે કાર જમા લેતા કાર માલિકને દમણ બોલાવ્યો હતો. કાર માલિકે ભાડાના પૈસા માંગતા પાર્થે આપી દીધા હતા. અને બાદમાં સુરત આવી પહોંચ્યા હતા. બાદમાં પાર્થના ભાઈ રાહુલે તેના મિત્રો પાસેથી ભાગે પડતા નાણાં લેવાનું નક્કી કર્યું હતું. તેમની સાથે ફરવા ગયેલા અવધ દિલીપભાઈ બોઘરા તેમની સોસાયટીમાં રહે છે. ગઈકાલે રાહુલ તેને મળવા ગયો હતો. ત્યારે સોસાયટીની બહાર પૈસાની વાત કરવા બોલાવતા અવધ સાથે બોલાચાલી થઈ હતી.
અવધે તેની પિતાને ફોન કરીને બોલાવતા પિતા દિલીપભાઈ અને અવધના કાકા લાકડાનો ફટકો લઈને આવ્યા હતા. અને રાહુલને કેમ મારા દિકરા પાસેથી પૈસા માંગો છો તેમ કહીને ગાળો આપી ત્રણેય જણાએ લાકડાના ફટકા વડે માર માર્યો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં કાપોદ્રા પોલીસે જ્વેલરી ડિઝાઈનનું કામ કરતા અવધ (ઉ.વ.22), પિતા દિલીપભાઈ બોઘરા (ઉ.વ.૪૫) અને કાકા ચંદુભાઈ (ઉ.વ.૫૫) ( તમામ રહે, ઘર નંબર.૬૮ તાપીદર્શન સોસાયટી વિભાગ ૦૨, નાના વરાછા કાપોદ્રા સુરત શહેર મુ.વ. જુંડાળા તા.જસદણ જી.રાજકોટ) ની સામે ફરિયાદ નોંધાવી છે.