SURAT

VIDEO: વરાછાનું ઉમિયા ધામ મંદિર 25 હજાર દીવડાથી ઝળહળી ઊઠ્યું

સુરતઃ શહેરનો વરાછા રોડ તેના હીરાની ચમક માટે દેશ અને દુનિયામાં જાણીતો છે પરંતુ વર્ષમાં એક દિવસ એવો પણ આવે છે જેની ચમકથી સમગ્ર દુનિયા અંજાઇ જાય છે. નવરાત્રિમાં અહીં હજારો ભક્તો ઊમટી પડે છે અને ઉમિયા માતાની આરાધના કરે છે. વરાછારોડ આઠમની મહાઆરતી માટે પણ સમગ્ર દુનિયામાં જાણીતો છે.

  • ઉમિયા ધામ મંદિર 25 હજાર દીવડાથી ઝળહળ્યું
  • વરસતા વરસાદમાં માતાજીની આરતી કરાઈ
  • મંદિર ટ્રસ્ટે 25 હજાર ભક્તોને રક્ષાપોટલી બાંધી
  • ઉમિયા ધામમાં 500 કિલો શીરાનો પ્રસાદ વહેંચાયો

સુરતના વરાછાના ઉમિયાધામ મંદિર ખાતે દરવર્ષની જેમ આઠમની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ સમયગાળામાં વરસાદ હોવા છતાં 25 હજાર ભક્તોએ દિવડા પ્રગટાવી મહાઆરતી કરી હતી. આ ઉપરાંત ઉમિયાધામ મંદિર ટ્રસ્ટે 25 હજાર ભક્તોને રક્ષાપોટલી બાંધી હતી, જ્યારે 500 કિલો શીરાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

આરતી સમયે જ વરસાદ શરૂ થયો હતો. જોકે તો પણ વરસતા વરસાદમાં આરતી કરાઈ હતી. શુક્રવારે મોડીસાંજે 20 કિમીની ઝડપના પવન સાથે શહેરમાં સરેરાશ 11 મીમી વરસાદ થયો હતો. સતત બીજા દિવસે રાત્રે વરસાદ થતાં ખુલ્લા પ્લોટમાંનાં ગરબા છેક રાત્રે 11 વાગ્યે વરસાદ ધીમો થયા બાદ શરૂ થઈ શક્યાં હતાં. આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

ઉમિયા ધામ ખાતે નવરાત્રિ ઉત્સવ દરમિયાન બહેનો પરંપરાગત ગરબા રમે છે. માથે બેડા મૂકીને પણ ગરબા થતા હોવાથી આકર્ષણનું કેન્દ્ર બને છે. રાઉન્ડ સર્કલ બનાવીને ગરબા રમવામાં આવે છે.

સતત બીજા દિવસે વરસાદે ખૈલેયાઓની મજા બગાડી
શહેરમાં છેલ્લા બે દિવસથી રાત્રે પડી રહેલા વરસાદના કારણે ગરબે રમવા માંગતા ખેલૈયાઓની મજા બગડી રહી છે. આઠમા નોરતે એટલે કે ગુરુવારે સાંજે વરસાદ તુટી પડ્યા બાદ અનેક ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા કીચડ ફેલાયો હોય ગરબા રદ થયા હતા. જો કે ડોમવાળા ગ્રાઉન્ડમાં ગરબા રમી શકાયા હતા. પરંતુ અન્ય વિકલ્પ નહી હોવાથી ડોમમાં ખેલૈયાઓનો ઓવર ક્રાઉડ થતા ગરબાની જમાવટ થઇ શકી નહોતી. ત્યારે સતત બીજા દિવસે પણ રાત્રે વરસાદે પધરામણી કરી હતી.

શુક્રવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ તુટી પડેલા વરસાદે ધમાચકડી બોલાવી હતી. ગાજવીજ સાથે વરસાદ તુટી પડતા રસ્તાઓ જળબંબોળ બન્યા હતા, મેદાનોમાં પાણી ભરાતા ગરબાના આયોજનો વેરણ થઇ ગયા હતા. ત્યારબાદ મોડી રાત સુધી છુટો છવાયો વરસાદ ચાલુ રહેતા શેરી ગરબાઓને પણ વ્યાપક અસર થતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી.

Most Popular

To Top