SURAT

સુરતની તાપી નદી કેમ લીલાછમ મેદાન જેવી બની ગઈ!?

સુરત: સુરત શહેરમાંથી વહેતી તાપી નદી લીલા ઘાસના મેદાન જેવી બની ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં તાપી નદીમાં જળકુંભી જમા થઈ છે. તેના લીધે તાપી નદીમાં પાણીનું સ્તર પણ ઘટી ગયું છે. તાપીનું પાણી દૂષિત થવા માંડ્યું છે.

દેશમાં સ્વચ્છતાના મામલે સુરત શહેર નંબર 1 છે. પરંતુ જ્યાં સુધી પીવાના પાણી માટે સુરતમાં જેનો ઉપયોગ કરવામાં આવે છે તે તાપી નદી દૂષિત છે. તાપી નદીમાં જળકુંભી ભેગી થઈ છે. એટલી મોટી માત્રામાં જળકુંભીએ તાપી નદીના પાણીના પટ પર કબ્જો જમાવ્યો છે કે તાપી લીલું છમ મેદાન બની ગયું હોવાનું ચિત્ર ખડું થયું છે.

આ પહેલીવાર નથી જ્યારે તાપી નદીમાં જળકુંભી ભેગી થઈ હતી. આ સમસ્યા દાયકાઓ જુની છે. પરંતુ તેમ છતાં શાસકો કે તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યું નથી. આ જળકુંભી દર વર્ષે ઉનાળામાં તાપીના પટ પર ભેગી થાય છે. જળકુંભીના મૂળિયા નદીના ઊંડાણમાં જતા હોવાથી પાણીનો માર્ગ અવરોધાય છે. તેથી એક જ ઠેકાણે પાણી જમા થઈને ગંદુ થાય છે અને દુર્ગંધ મારે છે. આ જળકુંભી દૂર કરવા માટે દર વર્ષે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવું પડે છે. હજુ થોડા દિવસ પહેલાં જ ઉકાઈમાંથી પાણી છોડી જળકુંભી દરિયામાં વહાવી દેવામાં આવી હતી.

સુરતની જીવાદોરી સમાન તાપી નદીના હાલ દર ઉનાળે થતા આવા બેહાલને જોઈ શહેરીજનો દુ:ખી થયા છે. સુરતીઓ તાપી નદીની પૂજા કરે છે. તે લોકમાતાની હાલત દર વર્ષે કફોડી બની રહી છે. જળકુંભીના લીધે નદીનો પટ લીલા ઘાંસના મેદાન જેવો બની ગયો છે. જળકુંભીના લીધે પાણીની ગુણવત્તામાં ફરક પડે છે. સાથે જ દુર્ગંધ ફેલાતી હોવાની પણ સ્થાનિકો દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી છે.

Most Popular

To Top