સુરત : રૂપિયા 2700 કરોડના ફ્રોડ બિલ (Fraud Bill) બનાવીને રોકડી કરનાર સુફિયાનની ઇકોનોમી સેલ (Economy Cell) દ્વારા અડાજણથી ધરપકડ (Arrest) કરવામાં આવી છે. તે મુંબઇ ખાતે હાલમાં જ હાર્ટમાં (Heart) સ્ટેન નંખાવીને આવ્યો હોવાનો રિપોર્ટ તેણે પોલીસ આગળ ધર્યો છે. સુફિયાન ગુજરાતમાં (Gujarat) જીએસટી (GST) ફ્રોડ બિલ બનાવનાર કૌભાંડમાં (Scam) મુખ્ય સુત્રધાર પૈકીનો હોવાની વાત છે. તેમાં તેણે સુરતના સંખ્યાબંધ વેપારીઓને ફ્રોડ બિલ આપીને ક્રેડિટ કેશ કરી લીધી છે.
- 2700 કરોડનું જીએસટી સ્કેમ કરનાર સુફિયાન આખરે પકડાયો : ચાર દિવસના રિમાન્ડ પર
- ઇકો સેલ દ્વારા પ્રાઇમ બેંક અને આઇડીએફસી એકાઉન્ટમાંથી વિગતો ઝડપી
- પોલીસના મારના ડરથી મેડિકલ સર્ટિફીકેટ રજૂ કર્યા
હાલમાં સુફિયાન પકડાયા બાદ તેના સો જેટલા બેંક એકાઉન્ટ હોવાની વિગત જાણવા મળી છે. આ તમામ બેંક એકાઉન્ટ તે વોન્ટેડ હતો તે દરમિયાન પણ સક્રિય હોવાનું બહાર આવ્યું છે. તેમાં તે છેલ્લા બે વર્ષમાં પણ લાખ્ખો રૂપિયાની ક્રેડિટ લેતો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
વર્ષ 2020માં સેન્ટ્રલ સીજીએસટીને અધિકારીને બચકું ભરીને ભાગવા જતા સુફિયાન વિવાદમાં આવ્યો હતો. સુફિયાન હાલમાં પોલીસ આગળ એવો દાવો કરી રહ્યો છે કે તેણે વર્ષ 2020 બાદ કોઇ ટ્રાન્જેકશન કર્યા નથી. અલબત સુફિયાન હાજર થતાની સાથે જ તેના 100 જેટલા બેંક એકાઉન્ટ પકડાયા હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન કોર્ટ દ્વારા સુફિયાનને ચાર દિવસના રિમાન્ડ ફટકારવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે.
1500 કરતા વધારે પેઢીઓ ઉભી કરી, બોગસ રજિસ્ટ્રેશન કરાયા
ઇકોનોમી સેલના એસીપી વિરજીતસિંહે જણાવ્યું હતું કે સુરતમાં આઠ જેટલી ડમી પેઢી ઉભી કરી હતી. આ ઉપરાંત કુલ્ દોઢ હજાર જેટલી ડમી પેઢીઓ અને બેંક એકાઉન્ટ ઉભા કરીને કરોડોની ટેકસ ક્રેડિટ આ ઠગ દ્વારા ઉલેટી લેવામાં આવી છે. તેમાં અલગ અલગ રાજયોમાં સુફિયાન દ્વારા 250 જેટલી કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. તેના ફ્રોડ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. આ મામલે અન્ય આરોપી ઉસ્માન અગાઉ ભાવનગર ખાતેથી પકડાયો હતો. તે સુફિયાનની સાથે આ ખાતા ઓપરેટ કરતો હતો. દરમિયાન 250 કંપનીમાં 1500 કરોડના ટ્રાન્જકશન ઝડપાઇ ચૂકયા છે.
અમદાવાદના ટેકસ કન્સલટન્ટ સાથે મળીને 900 કરોડનું કૌભાંડ કર્યું
અમદાવાદના ટેકસ કન્સલટન્ટ સાથે મળીને સુફિયાને 900 કરોડના ફ્રોડ બિલ બનાવ્યા હતા. તેમાં તેણે દોઢસો કરોડની ટેકસ ક્રેડિટ મેળવી હોવાની વિગત જાણવા મળી છે. સુરતમાં ગણેશ અને ગોપી નામની પેઢી ખોલીને તેણે ટેકસ કન્સલટિંગ કર્યું હતું. તેમાં તેણે કરોડોના કૌભાંડ કર્યા હતા.
ટેકસ ક્રેડિટ લઇને દેશની તિજોરીને 2700 કરોડનો ફટકો લગાડ્યો
ઉસ્માન અને સુફિયાન જીએસટી ચોરીમાં મુખ્ય માથા હોવાનું માનવામાં આવે છે. ઇકોનોમી સેલ દ્વારા અગાઉ ભાવનગર, જામનગર, રાજકોટ, અમદાવાદ અને વડોદરા ખાતે દરોડા કરવામાં આવ્યા હતા. તેમાં કરોડોના ફ્રોડ બિલ મળી આવ્યા હતા. આ ટેકસ સ્કેમમાં અત્યાર સુધી 18 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આનંદ પરમાર , ફૈઝલ ખોલીયા, આફતાબ સોલંકીની ફ્રોડ બિલમાં ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ પણ મુખ્ય સૂત્રધારમાં સુફિયાનનું નામ લખાવ્યું હોવાની વિગત જાણવા મળી છે.
496 કરોડના ફ્રોડ ટેકસમાં પણ સુફિયાન મુખ્ય આરોપી
496 કરોડના ફ્રોડ ટેકસ સ્કેમમાં પણ સુફિયાન મુખ્ય આરોપી છે. આ રેકેટનો સુત્રધાર આલમ શેખ, સજ્જાદ ઉજાની, ઉસ્માન બંગલા છે. અગાઉ ઇકોનોમી સેલ દ્વારા કરવામાં આવેલા દરોડામાં 16 લેપટોપ, 25 મોબાઇલ 2.24 લાખ રોકડ.24 એટીએમ કાર્ડ , 6 પાનકાર્ડ સીઝ કરવામાં આવ્યા હતા.