સુરત: આજે ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થવાની સાથે ગુજકેટ(GUJCET )ની પણ પરિણામ(Result) જાહેર થયું છે. જેમાં સુરત(Surat)ની વિદ્યાર્થીઓની વૈભવી મકવાણા સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ આવી છે. વૈભવીએ ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 120 માર્ક મેળવ્યા છે. આ વિદ્યાર્થીની આશાદીપ શાળામાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીનીએ કેમેસ્ટ્રીમાં 40 માંથી 40, ફીઝીક્સમાં 40 માંથી 40, અને મેથ્સમાં પણ 40 માંથી 40 માર્ક મેળવ્યા છે. તેણે 99.99 પર્સનટાઈલ મેળવ્યા છે.
દીકરીની સફળતાથી માતા-પિતામાં આનંદ
વૈભવી મકવાણા પરિવાર સાથે સુરતના પૂણા સરિતા વિહાર સોસાયટીમાં રહે છે. પિતા લલિતભાઈ મકવાણા મૂળ જૂનાગઢ જિલ્લાના રાણપુર ગામના વતની છે. 1990માં તેઓ સુરત આવીને વસ્યા હતા. હાલ તેઓ હીરાની ઘંટી, સરણ બનાવવાનો વ્યવસાય કરે છે. લલિતભાઈએ કહ્યું, અમારા પરિવાર મૂળ લોહાર. પરિવારમાં બધા જ લોખંડનું કામ કરે. એક રીતે કહીએ તો ડિગ્રી વિનાના એન્જિનીયર. અમારા પરિવારમાં વૈભવી પહેલી ડિગ્રીવાળી એન્જિનીયર બનશે. તેનો હરખ છે. વૈભવીની માતા રૂપલ ગૃહિણી છે. તેઓએ વૈભવીની સફળતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, મને તો ખૂબ આનંદ છે.
ભવિષ્યમાં આઈઆઈટીમાં એન્જિનિયરીંગ કરવાની ઈચ્છા: વૈભવી
વૈભવીએ ગુજકેટમાં 120માંથી 120 લાવી તે માટે આશાદીપ શાળાના શિક્ષકોને શ્રેય આપ્યો હતો. તેણીએ કહ્યું કે, શાળામાં દર બીજા દિવસે એક્ઝામ લેતા હતા. તેનો ફાયદો થયો. ભવિષ્યમાં જેઈઈ બાદ આઈઆઈટીમાં એન્જિનિયરીંગ કરવાની ઈચ્છા વૈભવીએ વ્યક્ત કરી.
શાળાનું નામ રોશન કર્યું: ટ્રસ્ટી
આશાદીપ શાળાના કરણ નાવડીયા ટ્રસ્ટી કહ્યું કે, વૈભવીએ અમારી શાળાનું નામ રોશન કર્યું. તે ભણવામાં ખૂબ હોંશિયાર હતી. તેના અથાક પરિશ્રમનું ફળ તેને મળ્યું છે.
ગુજકેટની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ પર મુકાઈ
18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ રીતે ડાઉનલોડ કરો આન્સર કી
- ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org ખોલો
- હોમ પેજ પર બોર્ડ વેબસાઇટ લિંક પર ક્લિક કરો એટલે નવું પેજ ખુલશે જ્યાં ઉમેદવારોને પેજ પર ઉપલબ્ધ GUJCET ફાઇનલ આન્સર કી 2022 ની લિંક મળશે
- લિંક પર ક્લિક કરો અને પીડીએફ ફાઇલ ખુલશે.
- ફાઈનલ આન્સર કી ચેક કરી તેને ડાઉનલોડ કરો