સુરતમાં ભક્તિ અને આસ્થાનો અનોખો કિસ્સો જોવા મળ્યો છે. 64 વર્ષીય શોભાબેન શાહે જૈન ધર્મના આદિ મંત્ર એવા નવકાર મંત્રને 90 ભાષામાં 75000 વાર લખી અનોખી સાધના કરી છે. તેમણે ગુજરાતી ઉપરાંત હિન્દી, અરેબિક, ફ્રેન્ચ, ઉર્દૂ, જર્મન, થાઈ, તેલુગુ અને મૈથિલી સહિત દુનિયાની 90 અલગ અલગ ભાષામાં મંત્રી લખી સૌ કોઈને આશ્ચર્યચક્તિ કરી દીધા છે.
- શોભાબેન બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને ચાર કલાક નવકાર મંત્ર લખે છે
- અત્યાર સુધીમાં 55 પુસ્તકો મંત્રથી ભરી દીધા છે
- મંત્રો કલાત્મક વિવિધ આકૃતિમાં કંડાર્યા છે
શોભાબેન બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને ચાર કલાક નવકાર મંત્ર લખે છે. અત્યાર સુધીમાં તેમણે 55 પુસ્તકો મંત્રથી ભરી દીધા છે. આ મંત્રો કલાત્મક વિવિધ આકૃતિમાં કંડાર્યા છે. શોભાબેને પાંચસો પચાસ વર્ષ જૂની હસ્તપ્રતોની પ્રતિકૃતિ, જૈન શાસન ધ્વજ, અષ્ટ મંગળ, કમળ, પતંગિયા અને હૃદય કમળ જેવી સુંદર આકૃતિઓની વચ્ચે અક્ષરો ગોઠવી નવકાર મંત્ર લખ્યા છે. તેમણે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોના લાંછન અને 14 સ્વપ્નોમાં પણ મંત્ર સુંદર રીતે ગોઠવ્યા છે.
તેઓ કહે છે કે આ મંત્ર લખવાથી તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. હવે તેઓ દુનિયાની ચિંતાથી મુક્ત રહે છે. ધર્મ અને ધ્યાન તરફ વળ્યા છે. નેગેટિવિટી દૂર થઈ છે અને મન એકદમ શાંત રહે છે. શોભાબેનની વિશ્વની અંદાજે 150 મુખ્ય ભાષાઓમાં નવકાર મંત્ર લખવાની ઈચ્છા છે. જેમ-જેમ નવી ભાષાઓ વિશે માહિતી મળશે તેમ તેમ તેઓ તેને શીખીને પોતાની લેખન સાધનામાં ઉમેરતા જશે. ભગવાન આદેશ્વરે જે બ્રાહ્મી લિપી બતાવી હતી તે લિપિ શીખવા તેઓ મોબાઈલનો સહારો લે છે. ભવિષ્યમાં ચેટ જીપીટીની મદદથી વધુ ભાષા શીખી નવકાર મંત્ર લખવાનું તેમનું સ્વપ્ન છે.
શોભાબેન શાહની ભક્તિ ખરેખર અનોખી મિસાલ સમાન છે. આ ક્રિએટિવિટી પાછળ તેમનો ઉદ્દેશ્ય નવી પેઢીને ધર્મ તરફ આકર્ષવાનો પણ છે.