SURAT

ચાર દિવસ પહેલાં સુધી જ્યાં કરોડોનો વેપાર થતો હતો તે સુરતની માર્કેટ ખંડેર બની, તસવીરો આવી સામે…

સુરત: ત્રણ દિવસ ચાલેલી શિવશકિત માર્કેટની આગમાં ચોથો અને પાંચમો માળ વધુ અસરગ્રસ્ત થયો છે, જે કદાચ ઉતારી નાંખવો પડે તેવો ભયજનક થઇ ગયો છે. ત્રીજા માળે ફ્રન્ટ બાજુની દુકાનો સલામત છે પરંતુ મંદિર બાજુની દુકાનોમાં મોટુ નુકશાન થયું છે, એવું ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે.

  • શિવશક્તિ માર્કેટનો ચોથો અને પાંચમો માળ ઉતારવો પડશે
  • વિકરાળ આગે કોલમ અને બીમના પ્લાસ્ટર ઉપરાંત તેમાંના લોખંડને પણ પીગાળી નાંખ્યું!

આખી રાત ચાલેલી કુલિંગની કામગીરી દરમિયાન ફાયર વિભાગના વડા ધર્મેશ મિસ્ત્રી અને ચીફ ફાયર ઓફીસર વસંત પરીખ સહિતના અધિકારીઓ ખડે પગે રહ્યા હતા. એટલું જ નહીં કુલિંગ પુરૂં થયા બાદ સેફીટના સાધનો સાથે માર્કેટનો ખૂણે ખૂણો તપાસીને ક્યાંય આગ ફરીથી ભભુકી ઉઠે તેવી સ્થિતિ નથી ને તેનું ચેકીંગ કર્યું હતું.

અધિકારીઓએ ચેકીંગ દરમિયાન જોયું હતું કે, ચોથા અને પાંચમાં માળે તો કોલમ અને બીમના પ્લાસ્ટર તો ઉખડી જ ગયા છે, પરંતુ અંદરનું લોખંડ પણ પીગળીને બેન્ડ થઇ ગયું છે. અંદરના માળીયા લોખંડના હોવા છતાં રીસતર પીગળી ગયા હોય તેવા દ્રશ્યો છે. સ્થિતિ જોતા એવું લાગે છે કે ચોથો અને પાંચમો માળ તો એકદમ ભયજનક છે. દુકાનોમાં સગળેલા સિન્થેટીક કાપડે લાવા બનીને બહાર પ્રવાહ પ્રસાર્યો હોવાથી આગ કાબૂમાં લેવાની તકલીફ પડી હતી.

માર્કેટમાં પાછલા દરવાજે ઘૂસાડતા ફાયરનો ડ્રાઈવર ઝડપાયો
સુરત ફાયર બ્રિગ્રેડ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મનોજ ચાઉં નામના કર્મચારીએ શિવ શક્તિ માર્કેટમાં પાછળના ગેટ ઉપર પોતાની ગાડી પર ફરજ ઉપર હાજર હતો. ત્યારે એક વેપારીને માર્કેટની અંદર ગેરકાયદે રીતે લઈ જવાની કોશિશ કરી હતી. પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતા મનોજ ચાંઉએ વેપારી ફાયર બ્રિગેડનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી હતી.

પોલીસ કર્મચારીએ તેના યુનિફોર્મ અને આઈ કાર્ડ વિશે પૂછપરછ કરતા મનોજે પોલીસ કર્મચારી સાથે ગેરવર્તણુંક કરી હતી. જેથી પોલીસ કર્મચારીએ પીઆઇ જાડેજાને ટેલિફોનિક જાણ કરતાંની સાથે જ પીઆઇ જાડેજા અને પીઆઇ શાહ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પીઆઇ જાડેજાએ મનોજને ખખડાવ્યો હતો.

એક વેપારીએ 20 કરોડ સળગી ગયાનો દાવો કર્યો
આગની ઘટનામાં એક વેપારીએ પોતાના રોકડા રૂ.20 કરોડ સળગીને ખાક થઈ ગયા હોવાનો દાવો કર્યો હતો. બીજા માળે દુકાન ધરાવતા એક વેપારીએ મેયર પાસે આવી આજીજી કરી હતી કે સાહેબ, ગમે તે કરો મને અંદર જવા દો, મારી દુકાનમાં રોકડા 20 કરોડ રૂપિયા છે. આ બધા રૂપિયા મારા નથી, અલગ-અલગ પાર્ટીઓના છે. રૂપિયાને કંઈક થયું તો હું બરબાદ થઈ જઈશ, પરંતુ વેપારીની આખી દુકાન આગની ચપેટમાં હતી. ઉપરાંત 20 કરોડ જેવી રોકડ દુકાનમાં હોય તે વાત માનવામાં આવતી ના હોય મેયરે વેપારીને અંદર જવા દેવાની પરવાનગી આપી નહોતી.

આગ ઓલવવામાં ફાયર બ્રિગેડના 30 લાખથી વધુના સાધનો પણ ફૂંકાઈ ગયા
માર્કેટના વેપારીઓની સાથે સાથે સુરત મનપાના ફાયર બ્રિગેડની ઘણી સાધન સામગ્રી પણ આ આગમાં નાશ પામી હોવાથી લાખો રૂપિયાનું નુકશાન થયું છે.

ફાયર વિભાગના કર્મીઓ સતત ત્રણ દિવસ સુધી આગને કાબુમાં લેવા ઝઝૂમ્યા હતા. જેમાં પાણીની મોટરો અને પાઇપ બળી જેવા ઉપરાંત આગ ઓલવવાના ઘણાં ઉપરકરણોને નુકસાન થયું છે. અઢી લાખ સુધીના ઉપરકણોનો તેમાં સમાવેશ થાય છે. કુલ નુકશાન 30 લાખની આસપાસ હોવાની આશંકા છે.

Most Popular

To Top